Abtak Media Google News
  • પ્રેમલગ્ન બાદ 10 માસથી પત્ની માવતરના ઘરે રિસામણે જતા જેનો ખાર રાખી માર માયો

રાજકોટ શહેરમાં દૂધ સાગર રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની છેલ્લા દસ મહિનાથી રિસામણે ચાલી જતા બંને પરિવાર વચ્ચે વેર ઝેરના બીજ રોપાયા હતા જેનો ખાર રાખીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રીક્ષા લઈને પસાર થઈ રહેલા જમાઈને આંતરિક સાસુ સસરા સહિતના સાસરીયાએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અને પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર દૂધસાગર રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા સાહિલ સલીમભાઈ શેખ નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક  નવાગામ પોલીસ ચોકી પાસે હતો ત્યારે તેના સસરા ફિરોજભાઈ, સાસુ રુકસાનાબેન અને મામાજી સસરા સિકંદર સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો  સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સાહિલ શેખના ભાઈએ  જણાવ્યું હતું કે સાહિલ શેખે હુમલાખોર ફિરોજભાઈની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને  દંપતિ વચ્ચે અણ બનાવ બનતા સાહિલ શેખની પત્ની છેલ્લા દસ મહિનાથી રિસામણે ચાલી ગઈ હતી અને રિસામણે ગયેલી પત્નીએ સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારથી બંને પરિવાર વચ્ચે દુશ્મનાવટ ઉભી થઇ હતી. જેનો ખાર રાખી સાસુ સસરા સહિતના શખ્સોએ જમાઈ  સાહિલ શેખ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.