રાજકોટ સ્માર્ટ સિટી ટીપી સ્કીમ નં.32 (રૈયા)માં કોમન જીડીસીઆરમાં ફેરફાર કરવા હિલચાલ

રાજકોટને સિંગાપોર, યુએસએ અને સ્પેનના બાર્સેલોના શહેરો જેવું સ્માર્ટ બનાવવું હશે તો સ્માર્ટ સિટીને લાગૂ ટીપી સ્કીમમાં જીડીસીઆરમાં ફેરફાર કરવો પડશે: ક્ધસલ્ટીંગ એજન્સી આઇ.એન.આઇ.

ડીઝાઇન સ્ટુડીયોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું: બિલ્ડર એસોસિએશન, આર્કિટેક એસોસિએશન, સિવિલ એન્જિનિયરર્સ એસોસિએશનના હોદ્ેદારોએ એક સપ્તાહનો સમય માંગ્યો

માર્જીનની જગ્યા ઘટાડવા અને કોર્નર પ્લાઝા આવે ત્યાં ખાનગી માલિકોની જમીન 40 ટકાથી વધુ સંપાદિત કરવાની મુખ્ય માંગણીઓ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાં રાજકોટ શહેરની પણ પસંદગી કરવામાં આવી છે. આ માટે મહાનગર પાલિકા દ્વારા વર્ષ-2018માં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ટીપી સ્કિમ બનાવવા આવી છે. સ્માર્ટ સિટી ટીપી સ્કિમ નં.32 (રૈયા)માં હાલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત અલગ-અલગ કામો ચાલી રહ્યા છે. દરમિયાન રાજકોટ શહેરને સિંગાપોર, યુએસએ અને સ્પેનના શહેરોની માફક સ્માર્ટ બનાવવું હશે તો કોમન જીડીસીઆરમાં ફેરફાર કરવો પડશે.

સ્માર્ટ સિટીમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે નિયત કરવામાં આવેલી અમદાવાદની ક્ધસલ્ટીંગ એજન્સી આઇએનઆઇ ડીઝાઇન સ્ટુડીયો દ્વારા ગઇકાલે રજૂ કરવામાં આવેલા એક પ્રેઝન્ટેશનમાં સ્માર્ટ સિટી માટેની ખાસ ટીપી સ્કિમ માટે જીડીસીઆરમાં ફેરફાર કરવાની માંગણી હોવાની વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. દરમિયાન ક્ધસલ્ટીંગ એજન્સીની આ વાતમાં થોડો દમ લાગતા સઝેશન માટે અલગ-અલગ એસોસિએશન અને મહાપાલિકાના અધિકારોઓએ એક સપ્તાહનો સમય માંગ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવતા મહાપાલિકા દ્વારા વર્ષ-2018માં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતી સ્માર્ટ સિટી ટીપી સ્કિમ નં.32 (રૈયા) બનાવવામાં આવી હતી. 367 હેક્ટરનું ક્ષેત્રફળ ધરાવતી આ ટીપી સ્કિમમાં કુલ 50 અનામત પ્લોટ આવેલા છે. જેનું કુલ ક્ષેત્રફળ 176231 ચો.મી. થવું જેવા પામે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટીપી સ્કિમમાં રસ્તાની પહોળાઇ 18 મીટરથી લઇ 60 મીટર સુધીની છે. જેમાં ટીપીના રસ્તાનું કુલ ક્ષેત્રફળ 532201 ચો.મી. છે.

આવાસ  માટેના કુલ 7 અનામત પ્લોટનું ક્ષેત્રફળ 1,26,565, રહેણાંક હેતુ માટેના 4 પ્લોટનું ક્ષેત્રફળ 48,648, વાણિજ્ય વહેચાણ માટેના 6 અનામત ક્ષેત્રનું પ્લોટ 90996, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના અનામત 7 પ્લોટનું ક્ષેત્રફળ 40,8551 જ્યારે ગાર્ડન હેતુ માટેના 26 અનામત પ્લોટનું કુલ ક્ષેત્રફળ 1,76,221 ચો.મી.નું છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.32ને તા.24/9/2018ના મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે પ્રિમિયરી ટીપી સ્કિમ નં.32 (રૈયા) તા.4/9/21ના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

હાલ સ્માર્ટ સિટી એરિયામાં કરોડો રૂપિયા વિકાસ ચાલી રહ્યા છે ત્યારે જો રાજકોટને ખરા અર્થમાં વિદેશોના શહેરની માફક સ્માર્ટ બનાવવા હશે તો સ્માર્ટ સિટી ટીપી સ્કીમ નં.32 (રૈયા) પૂરતો કોમન જીડીસીઆર-2017માં ફેરફાર કરવો પડશે. તેવી માંગણી ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી અમદાવાદની ક્ધસલ્ટીંગ એજન્સી આઇએનઆઇ ડીઝાઇન સ્ટુડીયો દ્વારા કરવામાં આવી છે. તેઓની મુખ્યા માંગણી એવી છે કે હાલ કોમન જીડીસીઆર અંતર્ગત બિલ્ડીંગના બાંધકામ માટે જે માર્જીન મૂકવામાં આવે છે તેમાં સ્માર્ટ સિટી પૂરતો ઘટાડો કરવો જોઇએ જેથી બિલ્ડીંગના બાંધકામ એક સૂત્રતા જળવાઇ રહે.

આ ઉપરાંત ટીપી સ્કીમમાં જે જગ્યાએ સર્કલો આવે છે તે જગ્યાએ કોર્નર પ્લાઝા બનાવવામાં આવે અને તમામ સર્કલ એક સરખા લાગે તે માટે ટીપી સ્કીમ બનાવતી વેળાંએ ખાનગી માલિકીની જે 40 ટકા જમીન સંપાદિત કરવાનો નિર્ણય છે તેમાં પણ ફેરફાર કરવો જોઇએ અને અમૂક ખાસ કિસ્સામાં ખાનગી માલિકીની 40 ટકાથી પણ વધુ જમીન સંપાદીત કરવાની મંજૂરી આપવી જોઇએ. આ સમગ્ર ટીપી સ્કિમમાં 4ની એફએસઆઇ મળતી હોવાના કારણે એજન્સી દ્વારા જીડીસીઆરમાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી છે. તેમાં એફએસઆઇમાં વધારો માંગવામાં આવ્યો ન હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

ગઇકાલે સ્માર્ટ સિટીમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી એજન્સી આઇએનઆઇ ડીઝાઇન સ્ટુડીયો દ્વારા રજૂ કરવામાં આવેલા ખાસ પ્રેઝન્ટેશનમાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના હોદ્ેદારો, ક્ધસલ્ટન્ટ એન્ડ સિવિલ એન્જીનીયર્સ એસોસિએશનના હોદ્ેદારો, આર્કિટેક એસોસિએશનના હોદ્ેદારો અને કોર્પોરેશનમાં સ્માર્ટ સિટીનો વહીવટી સંભાળી રહેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સ્માર્ટ સિટી પૂરતી ટીપી સ્કિમમાં કોમન જીડીસીઆરમાં ફેરફાર કરવામાં આવે તો ખરેખર સ્માર્ટ સિટીનું સ્વપ્ન સાકાર થાય તેવું જણાતા તમામ એસોસિએશન અને કોર્પોરેશનના અધિકારીઓએ સઝેશન માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. બીજી તરફ એવી વાત પણ થઇ રહી છે કે કોઇ એક ટીપી સ્કિમ પૂરતો સીજીડીસીઆરમાં ફેરફાર કરવો શક્ય નથી. જો સ્માર્ટ સિટી ટીપી સ્કિમ નં.32 (રૈયા)માં માર્જીનની જગ્યા ઘટાડવામાં આવે તો ભવિષ્યમાં અન્ય રાજમાર્ગ પર પણ માર્જીનની જગ્યા ઘટાડવી પડે. ક્ધસલ્ટીંગ એજન્સીનો અભિગમ સારો છે પરંતુ વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ કઠીન હોવાના કારણે હાલ તે શક્ય લાગતું નથી.