Abtak Media Google News

આઠ અલગ અલગ સ્થળોએ નામાંકનની પ્રક્રિયા: 14મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, 1પમીએ ચકાસણી અને 17મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે

વિધાનસભા ચુંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. જેમાં રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ઉમેદવારી ફોર્મ ઉપાડવાના શ્રી ગણેશ થઇ ચુકયા છે. જિલ્લામાં અલગ અલગ આઠ સ્થળોએ તંત્ર દ્વારા નામાંકનની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

001

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી તા.1 ડિસેમ્બર અને તા.પ ડિસેમ્બરે બે તબકકામાં યોજાનાર છે. સૌરાષ્ટ્રની બેઠકો માટે તા.1 ડીસેમ્બરે પ્રથમ તબકકામાં ચુંટણી યોજાનાર છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લાની આઠેય બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. ચુંટણી તંત્રએ અલગ અલગ 8 સ્થળોએ તમામ વયવસ્થા ગોઠવી છે. જયા આજથી જ ઉમેદવારોએ ફોર્મ ઉપાડવાનું શરુ કરી દીધું છે. ફોર્મ ઉપડયા બાદ ઉમેદવારો તા. 14 નવેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરીને પરત જમા કરાવી શકશે. આ બાદ તા. 1પ નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારબાદ તા. 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

બાદમાં તા.1 ડીસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 8 ડિસેમ્બરે મત ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.

  • બહારના ચૂંટણી પ્રચારકોને મતદાનના 48 કલાક પહેલા મતદાન વિભાગ છોડવા સૂચના
  • ઝેડ કક્ષા કે તેની સમાન સુરક્ષા ધરાવતા પદાધિકારીઓ સિવાયનાને વિશ્રામગૃહો નહી ફાળવી શકાય

રાજયભરમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અન્વયે રાજકોટ જિલ્લામાં આગામી તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આ મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, લોકો કોઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે તે અર્થે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ મુજબના હુકમો જારી કર્યા છે.

રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ , કંપાઉન્ડ સહીત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર – પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર, રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક બેઠક યોજવા પર, ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહો/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં. જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષા કે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હોય તેમને વિશ્રામગૃહો/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે. સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારી/નિરીક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલો ન હોય.પરંતુ ઝેડ સ્કેલની સિક્યુરિટી ધરાવતા અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા પર જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેનો અમલ તા. 10 ડિસેમ્બર 2022 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

  • પ્રિન્ટીંગ પ્રેસે છાપેલા ચોપાનીયાની માહિતી  ચૂંટણી શાખાને આપવી પડશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 અન્વયે રાજકોટ જિલ્લા તથા શહેરમાં તા . 01 ડીસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે . આ ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સાહિત્યના મુદ્રણ માટે અમલમાં મૂકવામાં આવેલ આદર્શ આચારસંહિતા અન્વયે રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ફરમાવેલા આદેશો મુજબ કોઈ પણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ માટે આવતા ચૂંટણીલક્ષી ચોપાનીયા કે ભીતપત્રો વગેરેમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં , ફોન , મોબાઈલ નંબર અચૂક છાપવાના રહેશે . આ સાહિત્ય છપાવવા માટે અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ આપીને છાપકામ કરાવવાનું રહેશે . આવા છાપકામની તેમજ એકરારપત્રની બે બે નકલો મુદ્રકને આપવાની રહેશે તથા લખાણ છપાયા પછી મુદ્રકે પ્રકાશક પાસેથી ત્રણ દિવસમાં લખાણની ત્રણ નકલ સાથે નિયત નમુનાના એકરારપત્રની ત્રણ નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી આપવાની રહેશે . આ આદેશો તા .10/12/2022 સુધી રાજકોટ શહેર , રાજકોટ તાલુકા સહીત સમગ્ર રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે . જેનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.

  • અખબાર-ટીવી-રેડીયોમાં પ્રચારલક્ષી જાહેરાત માટે ઉમેદવારોએ એમસીએમસી સર્ટી લેવું પડશે

વિધાનસભાની સામાન્ય ચૂંટણી -2022 ના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ ટીવી – રેડિયો પર આચારસંહિતાની વિરુદ્ધની જાહેરાત પ્રસારિત કે પુન: પ્રસારિત કરવા અને કોઈ પણ ધાર્મિક અને રાજકીય હેતુ પ્રત્યે દિશા – નિર્દેશ કરતી હોય તેવી જાહેરાતો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

જાહેરાતના પ્રસારણ માટે રાજકીય પક્ષ ઉમેદવારે જાહેરાત ટેલિકાસ્ટના સૂચિત આરંભની તારીખથી ત્રણ દિવસ અગાઉથી અને અન્યોએ સાત દિવસ અરજી કરવાની રહેશે . ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ સાથે બે પ્રમાણિત નકલ પણ જોડવાની રહેશે . આવી જાહેરાત જિંગલ ઇન્સર્શન , બાઇટસ વિગેરેનું પ્રમાણપત્ર મેળવવા માટે એમ.સી.એમ.સી. કમિટિના સભ્ય સચિવ અને મદદનીશ માહિતી નિયામક , માહિતી કચેરી , જ્યુબેલી બાગ રાજકોટને અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત તેમાં જાહેરાતનો નિર્માણ ખર્ચ, ઇન્સરશનની સંખ્યાના વિભાજન , તેના પ્રસારણનો અંદાજિત ખર્ચ જાહેરાત ઉમેદવાર કે પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ વગેરે બાબતો જણાવવી , જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યક્તિ આપેલ હોય તો રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી તેની સોગન જાહેર કરવી , ચૂકવણુ એકાઉન્ટ પે ચેકથી કરવામાં આવશે , એવી કબુલાત કરવાની  રહેશે.

પ્રમાણપત્ર મેળવ્યા વિનાની જાહેરાત જીંગલ્સ , ઇન્સર્શન્સ બાઈટ્સ વગેરેનું પ્રસારણ થઈ શકશે નહીં . આ આદેશો તા .10/12/2022 સુધી અમલમાં રહેશે . જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષા પાત્ર થશે.

  • આચારસંહિતા વિરુદ્ધના એસ.એમ.એસ. પ્રતિબંધ કરવા મોબાઇલ સર્વિસ કંપનીઓને  કલેકટરનો આદેશ

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને રાજકીય પક્ષો , ઉમેદવારો , ઉમેદવારોના ચૂંટણી એજન્ટ વગેરે દ્વારા થતા ચૂંટણી પ્રચારમાં આચારસંહિતા વિરુદ્ધ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ઉશ્કેરણીજનક એસ.એમ , એસ . અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજકોટ અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા .10 / 12 / 2022 સુધી વોડાફોન , બીએસએનએલ , ટાટા મોબાઈલ , એરટેલ , આઇડિયા , વીડિયોકોન , યુનિનોર , રિલાયન્સ જિયો વગેરે કંપનીઓએ રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ અથવા બલ્ક એસ.એમ.એસ. પ્રસારિત કરવા કે અન્યોને પ્રસારિત કરવા દેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તથા રાજકીય પ્રકારના ગ્રુપ / બલ્ક એસએમએસ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે 29/11/2022 થી 30/11/2022 સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે . આ હુકમનું ઉલ્લંઘન બિનજામીનપાત્ર ફોજદારી ગુનો બનશે.

  • પરવાનાવાળા હથિયાર 10મી સુધીમાં જમા કરાવવા જિલ્લા કલેકટરનો આદેશ

ભારતીય ચુંટણી પંચ દ્વારા તા . 03 નવેમ્બર , ર 0 રરના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પરવાનેદારો ( અપવાદ સિવાયના ) એ તેમના પરવાનાવાળા હથિયાર જમા કરાવવા આદુશ આપ્યો છે. જ મુજબ હથિયારધારકોએ તેમના હથિયાર તા . 03 / 11 / 202 થી દિવસ -7 માં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવાના રહેશે .

  • સંબંધિત પોલીસ સ્ટેશન પરવાનેદારને તેમનું હથિયાર તા . 10/12/2022 બાદ પરત કરશે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલ સરકારી , અર્ધસરકારી સંસ્થાઓ ( બેંક , કોર્પોરેશન સહીત ) સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ તથા રાજય , રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન , કેન્દ્ર સરકાર તેમજ કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ હોય તેવા રાજય સરકારના અધિકારીઓ / કર્મચારીઓ અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , રાજકોટે ખાસ પરવાનગી આપેલ હોય, તેમને આ હુકમો લાગુ પડશે નહી.

માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેનને તેમના હથીયાર જમા કરાવવામાં મુકિત આપવામાં આવે છે . આવા સિકયુરીટી ગાર્ડએ બેંકમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધીત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર પાસે રાખવાનું રહેશે.  આ હુકમો તા . 10/12/2022 સુધી અમલમાં રહેશે , જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

  • ચૂંટણીની પ્રક્રિયા ઉપર દેખરેખ માટે 7 ઓબ્ઝર્વરની નિમણુંક

વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ઉપર દેખરેખ માટે ચુંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લામાં 7 ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. જેમાં 68-પૂર્વ અને 69-પશ્ર્ચિમ, રાજકોટ

બેઠક માટે સંજય કુમાર, 70 દક્ષિણ અને 71 ગ્રામ્ય માટે સુશીલકુમાર પટેલ, 72 જસદણ માટે પ્રીતી ગહેલોત, 73 ગોંડલ માટે મીથીલેશ મીશ્રા, 74 જેતપુર માટે શીલ્પા ગુપ્તા અને 7પ ધોરાજી માટે અનુરાગ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ આઇએએસ છે. આ ઉપરાંત એસ. પનમાલા નામના આઇપીએસ અધિકારીને આખા જીલ્લાની આઠેય બેઠકોની સુરક્ષાની દેખરેખ માટે ઓબ્ઝેવેર તરીકે નિમણુંક થઇ છે.

  • બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે  નજર

ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારોમાં અગવડતા ના પડે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીની બેન્કો, પોસ્ટ ઓફિસને સૂચના: બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે શનિવારે બેન્ક અધિકારીઓ તેમજ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી વિવિધ આર્થિક લેવડ – દેવડ પર ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ખર્ચનું ખાતું ખોલાવવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ગોઠવવું. તમામ ઉમેદવારોને ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારો કરવામાં કોઈ અગવડ ના પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.

તેમણે બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને જણાવ્યું હતું કે, એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર સઘન ધ્યાન રાખવા તેમજ રૂપિયા 10 લાખથી વધુના નાણાકીય વ્યવહારોની વિગતો ચૂંટણી પંચને આપવાની રહેશે. જો કોઈ શંકાસ્પદ વ્યવહાર ધ્યાનમાં આવે કે, અચાનક કોઈ ખાતામાંથી નાણાકીય વ્યવહારો વધી જાય તેના પર ધ્યાન રાખવા તેમજ ઉમેદવારોના સગા, સંબંધીઓના ખાતામાંથી થતાં નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખવા સૂચના આપી હતી.

બેન્કના વાહનો દ્વારા થતી નાણાંની હેરફેર વખતે સ્ટાફના ઓળખ પત્ર, આધાર, પુરાવા સાથે રાખવા તેમજ બેન્કના નાણાંની હેરફેર પણ ઓફિસ સમય દરમિયાન જ કરવા સૂચના આપી હતી. પોસ્ટ ઓફિસમાંથી પણ વ્યક્તિગત કે જોઈ સમૂહ દ્વારા એકસાથે અચાનક વધુ પડતા નાણાકીય વ્યવહારો થવા લાગે તો તેના પર ધ્યાન આપવા અને તેની વિગતો ચૂંટણી પંચને આપવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી   દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર  એ. કે. સિંઘ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર, લીડ બેન્કના મેનેજર  સંજય મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી ફોર્મની પ્રક્રિયાના સ્થળો

Screenshot 1 10

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.