Abtak Media Google News

પ્રસિદ્ધ મેગેઝીન ફોરેન પોલીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૦૦ ગ્લોબલ થીન્કર (ટોચના ૧૦૦ વૈશ્વિક વિચારકો)ની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનો સમાવેશ થયો છે. આ યાદી દર વર્ષે જાહેર કરવામાં આવે છે.

Advertisement

અલીબાબાના સ્થાપક જેક માના સ્થાને ૨૦૧૮માં એશિયામાં સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ બનનાર મુકેશ અંબાણીએ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સ્માર્ટફોન થકી ઇન્ટરનેટ ક્રાંતિને વેગવંતી બનાવી છે એવી નોંધ આ મેગેઝીને લીધી છે.

લગભગ ૪૪.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણીએ ૨૦૧૮માં જેક માને પછાડી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવ્યું છે. અંબાણી ક્રૂડ ઓઈલ, ગેસ, રીટેલ ક્ષેત્રે કાર્યરત છે પણ ભારત ઉપર તેમની સૌથી વધુ અસર તેમના ટેલીકોમ સાહસ જિયો થકી પડી છે, એમ મેગેઝીને પોતાની વેબસાઈટ ઉપર જણાવ્યું હતું.

જિયોના લોન્ચ પછી શરૂઆતના છ મહિના ડેટા અને વોઈસ કોલ્સ મફત આપ્યા હતા જેના કારણે અંબાણીએ ૧૦ કરોડથી વધુ ગ્રાહકોને પોતાની કંપનીમાં જોડ્યા હતા. આ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સ્માર્ટફોન ઇન્ટરનેટ ક્રાંતિનો પાયો નંખાયો છે. ભવિષ્યમાં અંબાણી આ ડીજીટલ એરવેવ્સનો ઉપયોગ કરી કન્ટેન્ટ અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ વેચવાનું શરુ કરી મુકેશ અંબાણી ગૂગલ અને ફેસબુક સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે, એમ વેબસાઈટ ઉમેરે છે. આ યાદીમાં અન્ય પ્રસિદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે, જેમાં અલીબાબાના સ્થાપક જેક મા, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના મેનેજીંગ ડાયરેક્ટર ક્રિસ્ટીઆન લાગાર્દ, યુરોપીયન કમીશન ફોર કોમ્પિટિશનના માર્ગરેટ વેસ્ત્ગર અને CNNના ટીવી હોસ્ટ અને લેખક ફરીદ ઝકરીયાનો સમાવેશ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.