Abtak Media Google News
  • મુંબઈએ 8 વર્ષ બાદ ટાઈટલ જીત્યું છેલ્લી વખત 2015-16ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવીને ટ્રોફી જીતી હતી: વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું: મુંબઈએ વિદર્ભને 169 રનથી હાર આપી

મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ 42મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે 48મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2023-24નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાઈ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હાર આપી છે. 538 રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભે બીજી ઈનિગ્સમાં 418 રન જ બનાવી શકી હતી. મુંબઈએ રેકોર્ડ કરી 42મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. તો વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધુરું રહ્યું છે.મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત 2015-16ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી.

538 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે વિદર્ભે એક સમયે 133 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કરુણ નાયર અને કેપ્ટન અક્ષય વાડકર વચ્ચે પાંચમી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. મુશીર ખાને નાયરને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. કરુણ નાયરના આઉટ થયા બાદ અક્ષય વાડકર અને હર્ષ દુબેએ મળીને છઠ્ઠી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વિદર્ભને મેચમાં પાછું લાવી હતી. વાડકર-દુબેએ પાંચમા દિવસના પ્રથમ સેશનમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી. મુંબઈનો બીજો દાવ 418 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે મુંબઈ પાસે 119 રનની જંગી લીડ હોવાથી વિદર્ભને 538 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈ માટે મુશીર ખાને બીજી ઈનિંગમાં શાનદાર 136 રન બનાવ્યા હતા. મુશીરે 326 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ તરફથી શ્રેયસ ઐયર (95), કેપ્ટન અજિંક્ય રહાણે (73) અને શમ્સ મુલાની (50)એ પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

વિદર્ભ તરફથી હર્ષ દુબેએ સૌથી વધુ પાંચ અને યશ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તેની પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન બનાવ્યા હતા. શાર્દુલે 69 બોલમાં 75 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (46) અને ભૂપેન લાલવાણી (37)એ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિદર્ભ તરફથી યશ ઠાકુર અને હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે બે અને આદિત્ય ઠાકરેને એક વિકેટ મળી હતી.224 રનના જવાબમાં વિદર્ભનો પ્રથમ દાવ માત્ર 105 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવમાં વિદર્ભ તરફથી માત્ર અથર્વ તાયડે (23), આદિત્ય ઠાકરે (19), યશ રાઠોડ (27) અને યશ ઠાકુર (16) જ બે અંક સુધી પહોંચી શક્યા હતા. મુંબઈ તરફથી ધવલ કુલકર્ણી, તનુષ કોટિયાન અને શમ્સ મુલાનીને ત્રણ-ત્રણ સફળતા મળી. જ્યારે શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.