Abtak Media Google News

મેચની અંતિમ ઓવર અતિ રોમાંચક : છેલ્લા બોલે મુંબઈએ બાજી મારી

ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. એમાં ખૂબ જ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંતે બાજી મારી લીધી હતી. મુંબઈએ છેલ્લા બોલે 173 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને આ સીઝનની પહેલી જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 45 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પહેલી જ ઓવરથી ફટકાબાજી શરૂ કરી દીધી હતી. એને કારણે પહેલેથી મેળવેલી રિધમને તેણે ગુમાવ્યા વિના શાનદાર શોટ્સ પણ ફટકાર્યા હતા, અને 808 દિવસ એટલે કે 25 ઇનિંગ્સ પછી ફિફ્ટી ફટકારી હતી.

173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી મુંબઈની શરૂઆત કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર ઈશાન કિશને કરી હતી. બન્ને વચ્ચે 5મી ઓવરમાં જ 50 રનની પાર્ટનરશિપ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 44 બોલમાં 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. પાવરપ્લેની 6 ઓવરમાં ટીમનો સ્કોર વિના નુકસાન 68 રન હતો.

ઈશાન કિશનના આઉટ થયા પછી નંબર-3 પર તિલક વર્મા આવ્યો હતો. તેણે અને રોહિત શર્માએ ટીમનું સ્કોર બોર્ડને સતત ફરતું રાખ્યું હતું. આ દરમિયાન રોહિતે પોતાની લીગની 41મી ફિફ્ટી પૂરી કરી હતી. તિલકે પણ શાનદાર ફોર્મમાં રહેતાં 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે 52 બોલમાં 68 રનની પાર્ટનરશિપ થઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 19મી ઓવર મુસ્તફિઝુર રહેમાને નાખી હતી. આ ઓવરના શરૂઆતના 3 બોલ શાનદાર રહ્યા હતા, પણ ચોથા અને છેલ્લા બોલને કારણે આખી બાજી પલટાઈ ગઈ હતી. એ ઓવરના ચોથા બોલે કેમરુન ગ્રીને ડીપ મિડ-વિકેટ પરથી છગ્ગો ફટકાર્યો હતો. આ પછી તેણે પાંચમા બોલે સિંગલ લીધો હતો. હવે ઓવરના છેલ્લા બોલે ટિમ ડેવિડ હતો અને તેણે પણ ડીપ મિડ-વિકેટ પરથી છગ્ગો ફટકાર્યો હતો. આમ, આ બન્ને છગ્ગા ગેમ-ચેન્જર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.