Abtak Media Google News

રાજસ્થાનના 16 વર્ષીય ટબૂડીયાએ ફોન કરીને રોકીભાઇના નામે આપી હતી ધમકી

બોલિવુડ એક્ટર સલમાન ખાનને ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત્ છે. થોડા દિવસ પહેલા સલમાન ખાનને ઈ-મેઈલ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જે બાદ હાલમાં જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહેવામાં આવ્યું કે, 30 એપ્રિલે સલમાન ખાનનો ખેલ ખતમ થઈ જશે. આ ધમકી સલમાન સુધી પહોંચાડી દેવાનું પણ ફોન કરનારાએ કહ્યું હતું. હવે, 9 કલાકની મહેનત અને 10 કિલોમીટર સુધી પોલીસને દોડાવ્યા પછી આખરે ફોન કરનારો શખ્સ પોલીસ જાપ્તામાં આવી ગયો છે. મંગળવારે સવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનને ધમકી આપનારા શખ્સને ઝડપી પાડ્યો છે. સલમાનને ફોન કરનારો રાજસ્થાનનો 16 વર્ષનો લબરમૂછિયો નીકળ્યો. જે ધોરણ 9 ડ્રોપઆઉટ છે.

સલમાન ખાન હાલ આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ મહિને ઈદ પર ફિલ્મ રિલીઝ થવાની છે. સલમાન ખાનને ધમકીઓ મળ્યા બાદ મુંબઈ પોલીસ તરફથી વાય પ્લસ સિક્યુરીટી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે 9.14 કલાકે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને સામે છેડેથી એક શખ્સે કહ્યું હતું કે, 30 એપ્રિલે તે સલમાન ખાનનો ખેલ ખતમ કરી નાખશે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમના કર્મચારીએ તે નંબર પર ફોન કરીને કૉલરનું નામ અને વિગતો પૂછતાં તેણે પોતાની ઓળખ ગૌ રક્ષક રોકીભાઈ તરીકે આપી હતી. પોતે રાજસ્થાનના જોધપુરનું હોવાનું કહ્યું હતું.

આ ફોન આવતાં જ પોલીસ દોડતી થઈ હતી. શહેર ક્રાઈમ બ્રાંચે જોઈન્ટ પોલીસ કમિશનર લખમી ગૌતમ અને ડીસીપી પ્રશાંત કદમના વડપણ હેઠળ ત્રણ ટીમ તૈયાર કરી હતી. “સોમવારે રાત્રે 11.30 કલાકે ક્રાઈમ બ્રાંચને મોબાઈલ ફોનની વિગતો મળી હતી. ફોન સ્વીચ ઓફ કરી દેવાયો હતો અને તેનું લોકેશન થાણે જિલ્લાના શાહપુર તાલુકાના પડઘા ખાતે બતાવતા હતા. આઠ સભ્યોની એક ટીમ ત્યાં મોકલવામાં આવી જ્યારે બીજી ટીમ ટેક્નિકલ ઈન્ટેલિજન્સ ભેગું કરવામાં જોડાઈ હતી. જ્યારે ત્રીજી ટીમ સપોર્ટ માટે રોકી રાખવામાં આવી હતી”, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું. રાત્રે દોઢ વાગ્યે ફોન સ્વીચ ઓન થયો અને ફરી ઓફ કરી દેવાયો હતો. પોલીસ આખી રાત તે વિસ્તારમાં શોધતી રહી હતી.

મંગળવારે સવારે 7.30 કલાકની આસપાસ પોલીસકર્મીઓ એક ગલીના ખૂણે ઊભા હતા ત્યારે બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા. પોલીસને તેમના પર શંકા જતાં તેમનો પીછો કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન, તેમને સપોર્ટ ટીમનો ફોન આવ્યો કે, વૉન્ટેડ મોબાઈલ ફોન હાલમાં જ સ્વીચ ઓન થયો છે. પોલીસે જોયું કે બાઈક પર પાછળ બેઠેલો છોકરો મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે એટલે એ જ હોવો જોઈએ. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસકર્મીઓએ આ છોકરાઓને બાઈક રોકવાનું કહેતા તેઓ ત્યાંથી નાસી ગયા હતા. “પોલીસની ટીમે લગભગ 10 કિલોમીટર સુધી બંનેનો પીછો કર્યો હતો અને તેમને ઝડપ્યા હતા. કિશોર વયના યુવકના ફોનમાંથી 100 નંબર ડાયલ કરેલો મળી આવ્યો હતો. આ બંનેને મુંબઈ લવાશે”, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું.

આશરે 10 દિવસ પહેલા તે રાજસ્થાનથી આવ્યો હતો અને તેના કઝિન સાથે પડઘામાં રહેતો હતો. તેનો કઝિન ડોલખંભમાં ઈમિટેશન જ્વેલરીનું નાનકડું યુનિટ ચલાવે છે. જ્યારે અમે તેમને પકડ્યા ત્યારે તેઓ પડઘાથી ડોલખંભ જઈ રહ્યા હતા. છોકરાએ કહ્યું કે, તેને સલમાન વિશે વધુ ખબર નથી. તે મુંબઈ જોવા અને ઈમિટેશન જ્વેલરીનું કામ શીખવા માટે મુંબઈ આવ્યો છે”, તેમ પોલીસે વધુમાં જણાવ્યું. જુવિનાઈલ જસ્ટિસ એક્ટની ગાઈડલાઈન પ્રમાણે, પોલીસે છોકરાને ચાઈલ્ડ વેલફર કમિટી સમક્ષ રજૂ કર્યો હતો. કમિટીએ છોકરાને ડેવિડ સાસૂન ઈન્ડસ્ટ્રીયલ સ્કૂલ અને ચિલ્ડ્રન્સ હોમમાં રાખવાનો આદેશ કર્યો છે. જે બાદ તેને તેના માતાપિતાને સોંપવામાં આવી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.