Abtak Media Google News

ઇન્ડિયા- મિડલ ઇસ્ટ- યુરોપ ઇકોનોમી કોરિડોર માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરની ક્ષમતા વધારવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અનેક નવા પ્રોજેકટ શરૂ કરવામાં આવશે તેવું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે.

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધતા મોદીએ કહ્યું હતું કે,ઇન્ડિયા- મિડલ ઇસ્ટ- યુરોપ ઇકોનોમી કોરિડોરના સંચાલનથી વ્યવસાયની કિંમતમાં ઘટાડો થશે, લોજિસ્ટિકલ કાર્યક્ષમતામાં સુધારો થશે, પર્યાવરણીય અધોગતિમાં ઘટાડો થશે અને નોકરીઓનું સર્જન થશે. રોકાણકારો માટે આ ઝુંબેશનો ભાગ બનવાની આ એક શ્રેષ્ઠ તક છે.

ઇકોનોમી કોરિડોર માટે દેશમાં નેક્સ્ટ જનરેશન મેગા પોર્ટ, ઇન્ટરનેશનલ ક્ધટેનર ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ, આઇલેન્ડ ડેવલપમેન્ટ, ઇનલેન્ડ વોટરવેઝ અને મલ્ટી મોડલ હબ જેવા અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરાશે : મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર નવા વૈશ્વિક વેપારના ચિત્રને બદલી નાખશે.  ભારત ક્રોસ-કન્ટ્રી ઇકોનોમિક કોરિડોર યોજનાના ભાગ રૂપે નેક્સ્ટ જનરેશન મેગા પોર્ટ, ઇન્ટરનેશનલ ક્ધટેનર ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ, આઇલેન્ડ ડેવલપમેન્ટ, ઇનલેન્ડ વોટરવેઝ અને મલ્ટી મોડલ હબ જેવા અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ પશ્ચિમ કિનારે – જેએનપીટી, કંડલા, મુંબઈ અને મુંદ્રા – પર બંદરોની ક્ષમતા વધારવા માટે મેપિંગ કાર્યો શરૂ કર્યા છે અને ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં વાધવન ખાતે રૂ. 65,500 કરોડના ગ્રીનફિલ્ડ પોર્ટના વિકાસ માટે કામ શરૂ કરવાની પણ યોજના છે.  કોરિડોરને કારણે પેદા થનારી વધારાની માંગને પહોંચી વળવા માટે કિનારાની નજીક લગભગ 20 મીટરના કુદરતી ડ્રાફ્ટ સાથે આ સૌથી મોટું બંદર બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

વડાપ્રધાન ભારતીય દરિયાઈ ગ્રીન અર્થવ્યવસ્થા સાથે સંલગ્ન રૂ. 23,000 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે શિલાન્યાસ પણ કર્યો અને તેમણે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતના ઉત્પાદન તરફ ધ્યાન દોરતાં જહાજ-નિર્માણ અને સમારકામ ક્ષેત્ર પર સરકારના ધ્યાન પર પ્રકાશ પાડ્યો.  ભારત આગામી દાયકામાં ટોચના પાંચ જહાજ નિર્માણ રાષ્ટ્રોમાંનું એક બનવા જઈ રહ્યું છે. અમારો મંત્ર છે ’મેક ઇન ઇન્ડિયા – મેક ફોર ધ વર્લ્ડ,” તેમણે ઉમેર્યું.

મોદીએ કહ્યું કે સરકાર આ ક્ષેત્ર માટે નેટ-ઝીરો વ્યૂહરચના દ્વારા ભારતના મુખ્ય બંદરોને કાર્બન-તટસ્થ બનાવવાના પ્રયાસો કરી રહી છે. અમે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગ્રીન પ્લેનેટ બનાવવા માટે બ્લુ ઈકોનોમી માધ્યમ હશે, તેમણે ઉમેર્યું.  2021 માં જ્યારે સમિટ યોજાઈ ત્યારે કોવિડ -19 રોગચાળાની અનિશ્ચિતતાઓથી સમગ્ર વિશ્વ કેવી રીતે પ્રભાવિત થયું હતું તે યાદ કરતાં મોદીએ કહ્યું કે હવે બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.