Abtak Media Google News

ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ગાઝાની એક હોસ્પિટલમાં હુમલો થતા આ યુદ્ધ હવે ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ આ ઘટનાને પગલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનો આરબ પ્રવાસ પણ રદ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

અહેવાલ અનુસાર અરબ દેશોના નેતાઓ સાથેના શિખર સંમેલનને રદ કરવાની જાહેરાત કરાઇ છે. બાયડેન ઈઝરાયલ પ્રત્યે સમર્થન અને એકજૂટતા વ્યક્ત કરવા માટે આજે તેલ અવીવ આવવાના છે. જોકે હવે આ હમલાને પગલે માહોલ બગડે તેવી શક્યતા છે. જોર્ડનના વિદેશમંત્રી અયમાન સફાદીએ જાહેરાત કરી હતી કે આજે અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસની અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન સાથે યોજાનાર બેઠક રદ કરાઈ છે. આ મામલે બાયડેને ટ્વિટ કરીને દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.

અંદાજે 500 લોકોના મોત: હુમલો ઇઝરાયેલે કર્યાનો હમાસનો આરોપ, સામે હમાસથી જ રોકેટ મિસફાયર થયાનો ઇઝરાયેલનો બચાવ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની આરબ દેશો સાથેની બેઠક રદ, ઇસ્લામિક દેશોમાં ભભૂકતો રોષ

ગાઝાના અલ અહલી અરબ હોસ્પિટલ પર થયેલા ઘાતક હુમલા બાદથી સેંકડો લોકો માર્યા ગયાના અહેવાલ છે. અંદાજે 500 લોકો આ હુમલામાં માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હમાસ અને ઈઝરાયલે આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સાઉદી અરબ, યુએઈ, બહેરીન, જોર્ડન, ઈજિપ્ત અને તૂર્કીયેએ પણ ઈઝરાયલ પર ગાઝા શહેરમાં અલ અહલી અરબ હોસ્પિટલ પર બોમ્બમારો કરવાનો આરોપ મૂક્યો છે. જોકે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ આ હુમલા માટે હમાસના આતંકીઓ દ્વારા રોકેટ મિસફાયર થયાને જવાબદાર ગણાવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેસિયસે ગાઝામાં હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી. આ ઈઝરાયલ દ્વારા સૌથી મોટો હુમલો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલોમાં સેંકડો લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે ઈજિપ્ત, તૂર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ આ હુમલાને વખોડ્યો હતો.

હવે ધર્મ યુદ્ધ છેડવાની ધમકી આપતું ઈરાન

ઇઝરાયલ- હમાસ યુદ્ધ હવે સમગ્ર ઇસ્લામિક જગત માટે એક મુદ્દો બની રહ્યું છે. આ મામલે, સાઉદી અરબસ્તાન, જોર્ડન, લેબેનોન, સીરીયા અને ઈજીપ્ત જેવા દેશો, પહેલેથી જ ઇઝરાયેલને ગાઝા પર હુમલા રોકવા કહી રહ્યા છે. જ્યારે ઇરાને તો ખુલ્લી ધમકી આપી છે કે જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય, તો દુનિયાભરના મુસલમાનો યુદ્ધમાં ઉતરશે અને ઇરાનના લશ્કરને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે. આ સાથે ઇરાનના ટોચના નેતા આયાતોલ્લાહ અલ ખામેઇનીએ સીધી ધર્મયુદ્ધની જ ધમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.