Abtak Media Google News

કાલે સાંજે ૬ કલાકે પ્રચારના ભૂંગળા બંધ થઈ જશે: છેલ્લી ઘડી સુધી ચૂંટણીનો માહોલ જામ્યો નહીં

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકાની ૫૭૬ બેઠકો માટે રવિવારે સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી રવિવારે યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાનનું ચૂંટણી પ્રચાર આવતીકાલે સાંજે છ કલાકે શાંત થઈ જશે. છ મહાપાલિકાની ૫૭૬ બેઠકો માટે રવિવારે સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬ સુધી મતદાન યોજાશે અને તમામ મહાપાલિકાની મત ગણતરી મંગળવારે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Advertisement

ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના રહે છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે ત્યારે આવતીકાલે અર્થાંત શુક્રવારે સાંજે છ કલાકે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. શનિવારે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો મતદાન અને પોતાની તરફ આકર્ષવા માટે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરૂ કરશે. ટૂંકમાં શનિવારની રાત કત્તલની રાત રહેશે.

રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો, વડોદરા મહાનગરપાલિકાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો, સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો, જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો અને ભાવનગર મહાપાલિકાની ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત જૂનાગઢ મહાપાલિકાની બે વોર્ડની ખાલી પડેલી બે બેઠકો માટે પણ પેટા ચૂંટણીનું મતદાન યોજાશે.

ગત ૨૩મી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું અને ગત ૮મી સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. જેના કારણે આ વખતે ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચાર પ્રસાર માટે પુરતો સમય મળ્યો ન હતો. જો કે, છેલ્લી ઘડી સુધી રાજ્યની એકપણ મહાપાલિકામી ચૂંટણીલક્ષી માહોલ જામ્યો ન હોવાની ચર્ચા મતદારોમાં થઈ રહી છે. હવે પ્રચાર માટે ગણતરીના જ કલાકો હાથમાં છે. આવતીકાલે સાંજે છ વાગ્યે પ્રચાર-પડઘમ નિયમ મુજબ બંધ કરી દેવાના રહેશે. જો કે, શનિવારે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો મતદારોને પોતાના તરફ આકર્ષીત કરવા બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેશે. સટ્ટાબજારના અંદાજ મુજબ રાજ્યની તમામ છ મહાપાલિકામાં પૂર્ણ બહુમત સાથે ભાજપ સત્તારૂઢ થઈ રહ્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતે પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યાં છે તેનાથી નારાજ જનતા ભાજપ વિરોધી મતદાન કરે તો પરિણામમાં પણ ઉથલ-પાથલની શકયતા જણાય રહી છે. રવિવારે મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.