• 18 જિલ્લાના 41 એ.આર.ઓ.ને પાંચ દિવસીય ચૂંટણીલક્ષી કામગીરી અંગે તજજ્ઞો દ્વારા તાલિમ

Rajkot News

ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બીજા તબક્કાના આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર  (એ.આર.ઓ.)ના સર્ટિફિકેશન પ્રોગ્રામનો આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ તાલીમ કાર્યક્રમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ તમામ અધિકારીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીલક્ષી કામગીરી સારી રીતે નિભાવવા કામગીરી સાથે સતત સંપર્કમાં રહેવું તેમજ  કમિશન દ્વારા અપડેટ કરવામાં આવતા નિયમોથી માહિતગાર રહેવું જરૂરી છે. રીટર્નિંગ ઓફિસર સાથે કામગીરીમાં તાલમેલ માટે રિફ્રેશમેન્ટ તાલીમ જરૂરી છે, ત્યારે તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

Commencement of second phase election training of Assistant Returning Officer
Commencement of second phase election training of Assistant Returning Officer

પાંચ દિવસીય તાલીમના પ્રારંભે હિમાચલ પ્રદેશમાંથી આવેલા નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર દીપ્તિ મંદોત્રાએ પ્રથમ સેશનમાં આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર તરીકેના નિયમો અને ફરજો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપી નોમિનેશન પ્રક્રિયાથી લઈ સ્ક્રુટિની સુધી વિવિધ તબક્કે નિયમોને આધીન કઈ રીતે કામગીરી કરવી, તેની સમજ પુરી પાડી હતી. તેઓએ વિશેષ સૂચના આપતાં જણાવ્યું હતું કે દરેક ચૂંટણીને પ્રથમ ચૂંટણી સમજી કામગીરીને ખૂબ જ ગંભીરતાથી લેવી જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે 29 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી પ્રથમ બેચમાં એ. આર. ઓ.ની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં પાંચમી ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી સુધી બીજી બેચમાં કુલ મળીને 95 જેટલા એ.આર.ઓ. ને તાલીમ આપવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં ચૂંટણી અધિકારીઓ સર્વેશ્રી દીપ્તિ મંદોત્રા, શ્રી રાજેશ કાનુનગો, ડો. મનીષકુમાર અગ્રવાલ, શ્રી એમ એ સૈયદ, ડો. શશી શેખર રેડ્ડી સહિતના નેશનલ લેવલના ટ્રેનર દ્વારા નોમિનેશનથી લઈ મત ગણતરી સુધી વિવિધ તબક્કે ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન પૂરું પાડશે.

આજથી શરુ થયેલ તાલીમ કાર્યક્રમની બીજી બેચમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહીસાગર, મોરબી, અરવલ્લી, અમરેલી, ખેડા, બોટાદ, ભાવનગર, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ રાજકોટ સહિત 18 જિલ્લાના 41 એ.આર.ઓ.નો સમાવેશ કરાયો છે.

આ તકે પ્રાંત અધિકારી જે. એન. લીખીયા, ચૂંટણી મામલતદાર એમ. ડી. દવે, તાલીમ નાયબ મામલતદાર સી. વી. કુકડીયા, નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.