Abtak Media Google News

સવારે મકાનનો દરવાજો ખોલતા ન હોવાથી પાડોશીએ તપાસ કરતા વૃદ્ધાનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો: અજાણ્યા શખ્સ સામે નોંધતો ગુનો

વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટારાએ રૂ.૧.૩૫ લાખના દાગીનાની લૂંટ ચલાવી

વેરાવળ તાલુકાના ઇણાજ ગામમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી રૂ.૧.૩૫ લાખના દાગીનાની લૂંટ ચલાવ્યાની ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી મચી ગઇ છે. સવારે મકાનનો દરવાજો ન ખોલતા પાડોશીએ તપાસ કરતા વૃદ્ધાનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના ઇણાજ ગામે રહેતા કડવીબેન પરબતભાઇ બારડ (ઉ.વ. ૭૦) નામની વૃદ્ધા છેલ્લા પંદરેક વર્ષથી ઇણાજમાં એકલાજ રહે છે. તેમની પુત્રીઓ અવારનવાર તેમના ખબર અંતર પૂછતા રહે છે. દરમ્યાન તેમના મોટા પુત્રી જીવતીબેન દાનાભાઇ સોલંકીને તેમના બહેન વનિતાબેનનો ફોન આવ્યો અને માતાને મજા ન હોઇ ઇણાજ પહોંચવા જણાવ્યું.

તેઓ ઇણાજ પહોંચતાં કડવીબેનનો મૃતદેહ ઘરમાંજ લોહીલુહાણ હાલતમાં ફર્શ પર પડ્યો જોવા મળ્યો હતો. તેમના માથામાં કોઇએ તીક્ષ્ણ હથિયારના પાંચ ઘા માર્યા હતા અને કાનમાં પહેરેલા રૂ. ૬૦,૦૦૦ના સોનાના વેઢલા અને રૂ.૭૫,૦૦૦ નો સોનાનો હાર જોવામાં નહોતો આવ્યો. આથી જીવતીબેને માતાની કોઇએ લૂંટના ઇરાદે હત્યા કર્યાની ફરિયાદ પ્રભાસપાટણ પોલીસમાં નોંધાવી છે.

મૃતક કડવીબેન બારડના પુત્રી જીવતીબેન દાનભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઇકાલ તા. ૧૪મી  ડિસેમ્બરના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતે માતાને બે વખત ફોન કર્યો હતો. પણ તેમણે ઉપાડ્યો નહોતો. આથી કદાચ તેઓ અંધારું થતાં સૂઇ ગયા હશે એમ માની લીધું હતું.

બાદમાં આજે ઇણાજ આવતાં અમ્રતબેન ઉર્ફે રસીલાબેન હરેશભાઇએ તેમને કહ્યું બે વાગ્યા સુધી પોતે કડવીબા સાથે શાકભાજી સુધારતા હતા અને આજે સવારે તેઓ ઘેર ઉઠાડવા જતાં ઉઠતા નહોતા. બાદમાં ઘરમાં જોતાં તેઓનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આથી બધાએ જીવતીબેનને જાણ કરી હતી. પોલીસે આ અંગે અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.