Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

ના, ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે… કરના થા ઈન્કાર મગર ઈકરાર કર બેઠે…. આ ફિલ્મી ગીત ભારતમાં ડિજિટલ કરન્સીના મુદ્દા પર સંપૂર્ણપણે બંધ બેસી રહ્યું છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં ડિજિટલ કરન્સીને અમલી બનાવવા મુદ્દે કોઈ ખાસ પ્રતિભાવ ન આપી મનાઈ જ ફરમાવવામાં આવતી હતી. પરંતુ હાલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સરકાર બંને ભારત દેશની પણ પોતાની ડિજિટલ કરન્સી હોય તે પર ભાર મૂકી રહી છે. એટલું જ નહીં હવે તો ક્રિપ્ટો કરન્સીને કોમોડિટી માર્કેટમાં સમાવવા સરકાર તૈયારી કરી રહી છે.

ડિજિટલ કરન્સીનું ઘેલુ, ક્રિપ્ટો કરન્સીને કોમોડીટી માર્કેટમાં ઉમેરવા
સરકારની તૈયારી, ટુંક સમયમાં લાવી શકે છે બીલ

અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ક્રિપ્ટોકરન્સી પર મોટું પગલું ભરી શકે છે. સરકાર તેને સંપત્તિ અથવા કોમોડિટીની શ્રેણીમાં મૂકી શકે છે. અને આ માટે આગામી થોડા સમયમાં બિલ રજૂ કરવાની પણ સરકાર તૈયારી કરી રહી છે. ક્રિપ્ટો કરન્સીને એસેટ્સ (મિલકત) અને તેની ટેકનોલોજીકલ ઉપયોગિતા અથવા અંતિમ ઉપયોગના આધારે નિર્ધારિત કરવામાં આવશે. જો કે સરકાર સામે હાલ એ સમસ્યા છે કે ક્રિપ્ટો કરન્સીને કઈ કેટેગરીમાં મૂકી તેની ઉપર ટેક્સ લગાડવામાં આવે..!! ક્રિપ્ટોને શેમાં ગણવામાં આવે..?કરન્સી, કોમોડિટી અથવા ઇક્વિટી શેર જેવી સંપત્તિ કે સર્વિસ ગણવી ..?? એ મૂંઝવણ છે.

પરંતુ ક્રિપ્ટો કરન્સીને કોમોડિટી માર્કેટમાં એડ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ક્રીપ્ટોને કોમોડીટી તરીકે ગણવામાં આવતા જ એક તો સૌપ્રથમ ડિજિટલ કરન્સી ભારતમાં અધિકૃત થઈ જશે તેમજ કોમોડિટી માર્કેટમાં તેનું ખરીદ-વેચાણ સરળ બનશે.  સરકાર ટેક્સ વસૂલી શકશે. રોકાણકારો વિના હિચકિચાટ ડિજિટલ કરન્સીની લેવડ દેવડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે તેઓ ડિજિટલ ચલણ સાથે સંકળાયેલા બિલ પર કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. પ્રસ્તાવિત બિલને કેબિનેટ સમક્ષ મુકવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, ક્રિપ્ટો કરન્સી પર આંતર-મંત્રી સમિતિ આર્થિક બાબતોના સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવી છે. તેણે ડિજિટલ ચલણ સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરવા અને ચોક્કસ પગલાં સૂચવવા માટે પોતાનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે. ક્રિપ્ટો તરફનું આ ઘેલું સિક્કાની બે પાસાની જેમ ફાયદો અને નુકસાન બંને કરાવી શકે છે. મજબૂત સાયબર સુરક્ષાનો અભાવ આમાં મુખ્ય બાધારૂપ બની શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.