Abtak Media Google News

૨૭ દિવસમાં સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૨૫૪ અને ન્યારી ડેમમાં ૨૨૦ એમસીએફટી નર્મદાનાં નીર ઠાલવાયું: ૧૫ ઓગસ્ટ સુધી રાજકોટનું જળસંકટ ટળ્યું

ઉનાળાનાં દિવસોમાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજય સરકાર દ્વારા ગત ૧૦મી મેથી સૌની યોજના અંતર્ગત આજીડેમ અને ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવા શરૂ કર્યું હતું. બંને જળાશયોમાં ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ જતાં ગઈકાલથી આજી અને ન્યારીમાં નર્મદાનાં નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ અંગે મહાપાલિકાનાં ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ ચોમાસા સુધી નિયમિત જળવાય રહે તે માટે રાજય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજીડેમમાં ૪૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ માંગણીનો સત્વરે સ્વિકાર કરી ગત ૧૦મી મેથી આજી અને ન્યારીમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૭ દિવસ દરમિયાન આજીડેમમાં ૨૫૪ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૨૨૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. ન્યારીમાં હાલ ૪૫૨ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. ડેડ વોટર અને બાષ્પીભવનનો ૧૦૦ એમસીએફટીનો જથ્થો બાદ કરવામાં આવે તો પણ આજીમાંથી ૩૫૦ એમસીએફટી પાણી ઉપાડી શકાય તેમ છે. દૈનિક વિતરણ વ્યવસ્થા માટે આજીડેમમાંથી ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. આમ ડેમમાં ૭૦ દિવસ અર્થાત ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલો જળજથ્થો સંગ્રહિત છે.

ન્યુ રાજકોટની વિતરણ વ્યવસ્થા ચોમાસા સુધી ટકાવી રાખવા માટે ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટી નર્મદાનું નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી જે અંતર્ગત રાજય સરકારે ૧૦૦ એમસીએફટી પાણી ઠાલવવાની મંજુરી આપી હતી. દરમિયાન છેલ્લા ૨૭ દિવસમાં ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટીની જરૂરીયાત સામે સરકારે ૨૨૦ એમસીએફટી પાણી ઠાલવી દીધું છે. હાલ ન્યારી ડેમમાં ૪૨૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલું છે. જો વરસાદ ખેંચાય અને જળાશયોમાં માતબર પાણીની આવક ન થાય તો પણ રાજકોટવાસીઓને સાતમ-આઠમ સુધી પાણીની કોઈ હાડમારી વેઠવી નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.