Abtak Media Google News

રાજકોટની આતિથ્ય ભાવનાને બિરદાવતા ખેલૈયાઓ: 2000થી વધુ પ્લેયર્સે રાજકોટમાં વિતાવ્યા 11 દિવસ

ખેલ સારી રીતે સમયબદ્ધ રમાય, તે માટે ખેલાડીઓ, અમ્પાયર અને ઓફિસિયલ્સ સમયસર મેદાન સુધી પહોંચે, રમતના મેદાન પરની વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે જરૂરી છે. અને આ તમામ બાબતોથી ખુશ છે હોકી ગેમ્સ ડિરેક્ટર   મનીષ ગોર. રાજકોટમાં  40 જેટલા હોકી મેચ તેમજ સરદાર પટેલ સ્નાનાગર ખાતે સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલોની 60 ઇવેન્ટસનું સુંદર આયોજન મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુકત રીતે કરવામાં આવ્યું હતું.

રાજકોટ પધારેલા અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓની રહેવા, જમવા, પરિવહન સહિતની કામગીરી સુપેરે પાર પાડવામાં તંત્રએ રાજકોટનું નામ રોશન કર્યું છે. ત્યારે બંને નેશનલ ગેમ્સના ખેલાડીઓ  રાજકોટથી વિદાય લેતા ખુશખુશાલ જોવા મળ્યા હતાં. અતિથિઓની સરભરાની જવાબદારી સંભાળી હતી તે સહાયક મ્યુનિસિપલ કમિશનરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ખેલાડીઓ તેમજ મેચ ઓફિસિયલ્સ રાજકોટ આવ્યા ત્યારે તેઓનું કુમકુમ તિલક,  ગરબા અને ઢોલ-નગારાના તાલે કાઠિયાવાડી પરંપરા સાથે  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તથા હોટેલ ખાતે હેલ્પ ડેસ્ક બનાવ્યું હતું જેથી ખેલાડીઓને કોઈ મુશ્કેલી ન પડે.

બીજી ઓક્ટોબરે ગાંધી મ્યુઝિયમની મુલાકાત, પ્રાચીન અર્વાચીન ગરબાઓની મુલાકાત તેમજ જોવા લાયક સ્થળોની વિગતો સાથેના બ્રોશર ખેલાડીઓને આપવામાં આવ્યા હતાં.    આ તકે ખેલાડીઓની હેલ્થની જવાબદારી આરોગ્ય  વિભાગ તેમજ 108 ની  ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. સ્વિમિંગના પાંચ અને હોકીના નવ ટ્રોમાના કેઈસમાં ખેલાડીઓને સ્થળ પર તેમજ બે ખેલાડીઓને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર પુરી પડાઈ હોવાનું પ્રોગ્રામ મેનેજર શ્રી અભિષેક ઠાકરે જણાવ્યું હતું.

મેદાન પર સ્વચ્છતા જળવાઈ રહે, તે માટે રાઉન્ડ ધ  ક્લોક  સાફસફાઈ તેમજ વધેલા ખોરાકનું ખાતર બનાવવા મોબીટ્રેશ વાન ઉપલબ્ધ કરાવાઈ હતી. અધિકારીશ્રી દિગ્વિજયસિંહ તુવરાએ  જણાવ્યું હતું કે,  અંદાજિત 3 ટન બાયો- ડીગ્રેડેબલ  વેસ્ટમાંથી માંથી ખાતર તેમજ 20 હજાર પેટ બોટલનું રી-સાઇક્લિંગ કરવામાં આવ્યું છે.રાજકોટ ખાતે ખેલાડીઓને રહેવા માટે હોટેલ્સ તેમજ પરિવહન માટે વાહનોની સુંદર અને આયોજનબધ્ધ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.

હોકી મેચના ડિરેક્ટરે તેમનો પ્રતિભાવ આપતા જણવ્યું હતું કે, રાષ્ટ્રીય રમતનું સ્લોગન  જુડ઼ેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા સાચા અર્થમાં રાજકોટ ખાતે સાર્થક થયું છે, કારણકે, અહીં વિભિન્ન પ્રાંત અને ધર્મના ખેલાડીઓ ભાઇચારાની ભાવના સાથે રમ્યા છે. જે  ભારતની સાચી ઓળખ છે. જયારે હોકી ઇન્ડિયાના સેક્રેટરી શ્રી ભોલેનાથે જણાવ્યું હતું કે, ખેલાડીઓ આગળ વધે તે માટે ભારત સરકાર દ્વારા વધુ ને વધુ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે વધુ ને વધુ યુવાઓ રમત ગમતમાં જોડાઈ મેડલ્સ મેળવી દેશનું નામ રોશન કરે. હરિયાણા રમતગમત મંત્રી અને હોકીના રોલ મોડેલ    સંદીપ સિંહ રાજકોટ ખાતે ખેલાડીઓને  પ્રોત્સાહિત કરવા આવ્યા હતાં. તેઓ આયોજનથી પ્રભાવિત થયા હતાં.

આ તકે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પ્યાર તરીકે સેવા આપનાર શ્રી જાવેદ શેખનું કાઠિયાવાડી પરંપરાથી હોકી ટીમ, રાજકોટ વતી કોચ મહેશ દિવેચા અને ટીમે સન્માન કર્યું હતું. રાજકોટ ખાતે સ્પર્ધાઓને સફળ બનાવવા મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરા, નાયબ કનિશનર   આશિષ કુમાર, એ.કે.સિંહ. સી.કે.નંદાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી   રમા મદ્રા,  વેન્યુ મેનેજર અવની હરણ, રાજકોટ રમત-ગમત અધિકારી   જાડેજા, સ્વિમિંગના કોચ  બંકિમ જોશી, એન.સી.સી. એન.એસ.એસ.ના વોલન્ટીયર્સ સહીત અનેક લોકોએ પરિશ્રમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.