Abtak Media Google News

ગ્રામજનોની જીવન શૈલી જોઇને સૌ કોઇની નજર ગામડામાં થંભી જાય તેવું છે આ ગામ

નવા ગામામાં સી.સી. રોડ, બસની સુવિધા, રર00 ની વસતીના ગામમાં પ00 જેટલા વડના ઘેઘુર વૃક્ષો, આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, બેંકો: ડેરી, આંગણવાડી સહિતની સુવિધા ઉપલબ્ધ

સ્કુલ ઓફ એકસેલેન્સમાં નવા ગામની સરકારી શાળાનો સમાવેશ

છેવાડાના માનવી સુધી સરકારની તમામ સુવિધાઓ પહોંચી હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નવાગામ. આશરે 2200 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ નાનકડાં એવા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રકૃતિના સૌંદર્ય સાથે મેળાપ થાય. પ્રાકૃતિક સૌંદર્યના અદભૂત નજારા સાથે નવાગામ સુવિધાઓથી પણ એટલું જ ભરપૂર. છેલ્લા 20 વર્ષની અંદર અહીં સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ ગામડામાં પ્રવેશ કરીએ એટલે માર્ગમાં ધૂળના ઢેફાં અને પથ્થરો જોવા મળે પરંતુ અહી તો સી. સી. રોડ, પેવર બ્લોક અને બસની સુવિધા સાથે જ નદી કિનારે 5000થી પણ વૃક્ષો.

આ વૃક્ષો વર્ષો પહેલા ગામના એક સંત દ્વારા ઉછેરવામાં આવ્યા હતા. જેના છાંયડાનો લાભ વટેમાર્ગુઓ તેમજ ગ્રામજનો સાથે પશુ પક્ષીઓને પણ મળે છે. નવાગામના ખેડૂતો મુખ્યત્વે મગફળીના પાકનું વાવેતર કરે છે. દૂધની ડેરીઓ આવેલી હોવાથી માલધારીઓ સરળતાથી ડેરીમાં દૂધ આપીને નફો મેળવી શકે છે. બહેનો માટે સખી મંડળો હોવાથી ગામડાંની મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે. પ્રકૃતીથી ઘેરાયેલા નવાગામમાં નાના મોટા મંદિરો, સુંદર નદી કિનારે 5000 જેટલા વડના વૃક્ષો આવેલા હોવાથી સહેલાણીઓ પણ અહિયાં આવે છે. ગામના સરપંચ રહી ચૂકેલ સંજયભાઈ ચોવટીયા દ્વારા નવાગામના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે.

નવાગામના રહેવાસી કાંતિલાલ જણાવે છે કે, અમારા ગામડામાં શહેરો સુધી અને અન્ય જિલ્લા સુધી પહોંચવા માટે કોઈ અગવડતા પડતી નથી. સરકાર દ્વારા એસ.ટી. બસની સુવિધા આપવામાં આવી છે. લોકો તાત્કાલિક સારવાર મેળવી શકે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એમ્બ્યુલસની પણ સુવિધા છે. શહેરને પણ ટક્કર મારે તેવું મારુ ગામ છે. ગ્રામજન અલ્પેશભાઈ જણાવે છે કે , હું મધ્યમ વર્ગનો માણસ હોવા છતાં શહેર જેવી સુખાકારીનું જીવન ગામડામાં જીવું છું. ખૂબ સારૂ શિક્ષણ સરકારી શાળામાં આપવામાં આવે છે. મારા બંને બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. સરકારની અનેક સુવિધાઓનો લાભ અમારા સુધી પહોચી  રહ્યો છે. તે બદલ સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

કાલાવડ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ નાનકડું એવું આદર્શ નવાગામ ભલે ગામડું હોય પરંતુ પ્રકૃતિની વચ્ચે અને સરકારની તમામ સુવિધાઓથી ભરપૂર ગ્રામજનોની જીવન શૈલીને જોઈને એક વખત તો સૌ કોઇની નજર ગામડામાં થંભી જાય તેવું છે.

ગામમાં તમામ સુવિધા ઉપલબ્ધ

ગુજરાત સરકાર દ્વારા 20 વર્ષ દરમિયાન અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. તેનો લાભ ન માત્ર શહેરોમાં પરંતુ ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે. નવાગામમાં સરકારી તમામ સુવિધાઓ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, સી. સી. રોડ, ભૂગર્ભ ગટર, બેન્કો, ડેરી, આંગણવાડી, સ્કૂલ ઓફ એકસેલેન્સમાં સમાવેશ થયેલ સરકારી શાળા, 108 થી વધુ ચેકડેમની સુવિધા, એમ્બ્યુલન્સની સુવિધા, અન્ય શહેરોથી ગામડાના લોકો જોડાય તે માટે એસ.ટી. બસની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

સરકારી યોજનાનો ગ્રામજનો લાભ લે છે: તલાટી મંત્રી

નવાગામના તલાટી મંત્રી ચંપાબેન જણાવે છે કે, 20 વર્ષ દરમિયાન ગુજરાત સરકારે કરેલા તમામ સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચી રહ્યો છે.ગામડામાં સખી મંડળ મારફતે બહેનો પણ આત્મનિર્ભર થઈ રહી છે. અહી ગ્રામીણ બેન્ક, સુવિધા યુક્ત શાળા, સીસી રોડ, ગટર તમામ સુવિધાઓ આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.