Abtak Media Google News

‘ગાવૌ વિશ્વસ્ય માતરમ્’ અર્થાત્ ગાય આખા વિશ્વની માતા છે

ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા,ગંગા,ગાયત્રી અને ગાય.ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું શિંગડા વાળું પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે.આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે,જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ કહેવામાં આવે છે.ગાયનો ઉછેર તેના દૂધ અને પંચ ગવ્ય માટે,જ્યારે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે.મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે,કારણ કે ગાયની દરેક ઉપજથી કંઈક ને કંઈક મળે જ છે.ગાયને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.5ક 5?6ખ58ખ/ .0.ખમઅર્થાત ગાય આખા વિશ્વની માતા છે.ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ વિશેષ રહેવા પામ્યું છે.પ્રાચીન કાળથી જ ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.ગાયને માતા તરીકે પૂજવા પાછળના આધારો પણ મળે છે.એટલું જ નહીં ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ ગાયનું મહત્વ સમજી શકાય છે.

ગાયની ઉપયોગીતાની વાત કરીએ એ પહેલાં ગાયને શા માટે માતા કહેવામાં આવે છે,તેની પશ્ચાદભૂમાં એક ડોકિયું કરીએ.ગાય રુદ્રોની માતા છે.વસુઓની પુત્રી છે.આદિત્યની ભગીની છે અને અમૃતનું ઉગમ સ્થાન છે.એમ કહેવાય છે કે હિન્દુ પરંપરામાં પરા પૂર્વથી ગાય અવદ્ય,પૂજ્ય અને મંગળરૂપ ગણાય છે.દેવલ સ્મૃતિએ ગણાવેલા આઠ મંગલ તત્વમાં ગાય,યજ્ઞનો અગ્નિ,સુવર્ણ,ઘૃત,સૂર્ય, જલ અને રાજા – એ આઠ મંગલકારી છે.પુરાણોમાં ’ગો’નું દેવત્વ,સર્વદેવમયતા,પાવનત્વ આદિના ઘણા ઉલ્લેખો છે.ગાય પવિત્રતાનું પ્રતીક છે.હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પરમ પવિત્ર પશુ તરીકે ગાયની પ્રતિષ્ઠા છે.

યજ્ઞો અને નિત્યનૈમિતિક દેવપૂજા આદિ વિધિઓમાં ગાયના દૂધ,દહીં,,ઘૃત,ગોમૂત્ર અને ગોબરનો ઉપયોગ થાય છે.સાયંમ્ – પ્રાત: હોમમાં ગાયના દૂધનો હોમ થાય છે.યજ્ઞમાં ઘૃતની આહુતિ અપાય છે.કેવળ યજ્ઞીય ઉપયોગ માટે જ ઉપયુક્ત ગાય હોમધેનુ કહેવાય છે.વશિષ્ઠ ઋષિની નંદીની ગાય હોમધેનુ હતી.તે દેવગવી સુરભિની પુત્રી હતી.ગાય વેદોમાં દેવતા ગણાય છે.પ્રાત:કાલીન ઉષાના કિરણો ’ગો’ કહેવાય છે.ગાયોના રૂપે તે કિરણો ઉષાના રથને વહે છે.સૂર્યના કિરણો પણ ’ગો’કહેવાય છે.ત્રણ વૈદિક દેવીઓ – ઈડા,ભારતી અને સરસ્વતી- માંની ઈડા ’ગો’ કહેવાઈ છે.દેવો માટે  ’ઊં:’ એવું સાર્થક વિશેષણ પણ છે.

હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં કુલ 33 કોટિ દેવી દેવતા નિવાસ કરે છે.એટલે કે 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે.જેમાં બાર આદિત્ય,આઠ વસુ,અગિયાર રુદ્ર અને બે અશ્વિનીનો સમાવેશ થાય છે.ઋગ્વેદમાં ગાયને અઘ્નયા કહેવામાં આવે છે.યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે.અથર્વવેદમાં સંપત્તિઓનું નિવાસ કહેવામાં આવે છે.ભગવાન શિવનું પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી.ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલ છે.શ્રાદ્ધ કર્મમાં ગાયના દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદગતિ પામે છે.સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વ – દેવમયી છે.જ્યારે અન્ય પુરાણ અને માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે.

ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે.ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદીની ગાયની પૂજા કરતા હતા.શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વે બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી.ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે.ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે.જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી એક મુખથી અમૃતપાન કરતા હતા,ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપાં બહાર આવ્યાં હતાં.આ ટીપાં વડે સુરભિ ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે.એકબીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન 14 રત્ન સાથે થઈ હોવાનું મનાય છે.અન્ય મત મુજબ સુરભિ વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી.તેના દૂધ વડે ક્ષીર સાગરનું પ્રાદુર્ભાવ થયું હતું.

દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે.ગાયનો સમાવેશ બોસ પ્રજાતિમાં થાય છે.ગાયની બે જાતો છે:ભારતીય ગાય અને વિદેશી ગાય.ભારતીય ગાય બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.જ્યારે વિદેશી ગાયને ટોરસ કહે છે.બ્રાહ્મણ ગાયમાં ખૂંધનો વિકાસ સારી રીતે થયેલો હોય છે.જ્યારે ટોરસ ગાયમાં ખૂંધ અલ્પવિકસિત કે અવિકસિત રહે છે.આર્થિક દ્રષ્ટિએ બ્રાહ્મણ ગાય દૂધ ઉત્પાદન અને સારી ઓલાદ માટે ઉપયોગી છે.ભારતીય ગાયના કાન લાંબા અને લબડતા હોય છે.જ્યારે વિદેશી ગાયના કાન નાના હોય છે.વિદેશી ગાયના વાળ ઠંડીમાં લાંબા થાય છે.ભારતીય ગાય તીવ્ર ગરમી સહન કરી શકે છે અને પરોપજીવી કીટકોનો સામનો કરી શકે છે.તેથી ભારતીય ગાયની પરદેશમાં નિકાસ પણ થાય છે.સંકરણ દ્વારા વધુ દૂધ આપનાર ગૌ વંશ માટે તેમજ ખેતી માટે તેનો ઉછેર થાય છે.

ભારતમાં પાલતુ પશુઓમાં ગાયનું આર્થિક અને ધાર્મિક મહત્વ અનોખું છે.પશુધનની ગણતરી મુજબ છેલ્લા કેટલાક સમયથી ગાયની સંખ્યા ઘટી રહી છે.2019 માં કરવામાં આવેલી ગણતરીમાં આ બાબત સામે આવી છે.પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય કરતાં ભેંસ રાખવાનું વધુ પસંદ કરે છે.ભારત સરકારના પશુઓની વસ્તી ગણતરીના પ્રાપ્ત આંકડા પ્રમાણે ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ 2012માં 99,83,953 સુધી પહોંચી ગઈ હતી.પરંતુ 2019 માં આ સંખ્યા ઘટીને 96,33,637 થઈ ગઈ છે.સાત વર્ષમાં 3.50 લાખનો ઘટાડો થયો છે.

દેશમાં ગૌધનની સંખ્યા બાબતે જો વાત કરવામાં આવે તો દેશમાં ગૌધનની સંખ્યા 19.24 કરોડ જેવી છે.ગાયની સંખ્યાની બાબતમાં પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ,બિહાર અને મહારાષ્ટ્ર ટોપ ફાઈવ રાજ્યમાં સ્થાન ધરાવે છે.ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ,આસામ,છત્તીસગઢ અને ઓરિસ્સામાં પણ ગાયોની સંખ્યા વધી છે. દૂધની ઉત્પાદકતાની દ્રષ્ટિએ પશુપાલકો ભલે ભેંસને પાળવાનું વધુ પસંદ કરે,પરંતુ ગાયની ઉપયોગીતાની સરખામણીમાં ભેંસ આગળ નીકળી શકે નહીં.આજે ખેતીવાડી ક્ષેત્રે જાગૃતિ આવ્યા પછી ગાય આધારિત ખેતીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે.હવે ગાય માત્ર દૂધ આપનારું જ પ્રાણી રહ્યું નથી.ગાયના પંચ ગવ્ય તો જુદી જુદી રીતે ઉપયોગમાં આવે જ છે,તેમ છતાં ગાયના છાણ અને ગૌમૂત્રનો અનેક રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેત પેદાશો વધારવાનું સફળ આયોજન કરી રહ્યા છે.સમજો કે ગાય આધારિત ખેતી દ્વારા ખેડૂતો સજીવ ખેતી કરી આરોગ્યપ્રદ ઉત્પાદનો કરવા લાગ્યા છે.ખેત ઉત્પાદનોમાં ખેડૂતોએ જંતુનાશક દવાનો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે.ખેડૂતોમાં જબરજસ્ત જાગૃતિ આવી છે.આ અર્થમાં ગાય આધારિત ખેતીને ચમત્કાર ગણી શકાય.ગુજરાત રાજ્યના મહામહિમ ગવર્નર આદરણીય દેવવ્રત આચાર્યજી પણ ગાય આધારિત ખેતી બાબતે ખેડૂતોમાં જાણકારી વધે તે માટે જબરા પ્રયત્ન કરી રહ્યા છે.તેઓ વિવિધ જગ્યાએ ખેડૂતોના સંમેલન બોલાવીને પણ જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તેઓ ખેડૂતો સમક્ષ રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી અને તેના ઉત્પાદનની સામે ગાય આધારિત થતી ખેતી અને તેના ઉત્પાદનોના આંકડાઓ સાથે ખેડૂતોને વાત ગળે ઉતરાવે છે કે,ગાય આધારિત ખેતી કરવામાં જ ફાયદો છે.ખેતી ઉપરાંત ગાયના છાણમાંથી વિવિધ ગૃહ ઉપયોગી સાધન સામગ્રી બનાવવામાં આવે છે.આવી સાધન સામગ્રીના વેચાણ દ્વારા લોકોને રોજગારી પૂરું પાડવાનું કામ થઈ રહ્યું છે.

ગાયના પંચ ગવ્યનો ઉપયોગ સીમિત ન રહેતા કેવા કેવા વિવિધ ઉપયોગ થઈ શકે એ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશયથી અને ગાયના ગોબરને બાયો એનર્જીમાં ફેરવતા ઉદ્યોગો કેવી રીતે ડેવલપ કરી શકાય તે માટેનો ભારતનો સૌથી મોટો એક્સપો ગૌ ટેક – 2023 આગામી તારીખ 24 થી 28,મે દરમિયાન રાજકોટમાં યોજવાનું આયોજન થયું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા અને ગ્લોબલ કોનફેડરેશન ઓફ કાઉ બેઇઝ ઇન્ડસ્ટ્રીઝ(ૠઈઈઈં) દ્વારા રાજકોટમાં પ્રથમ વાર આ વૈશ્વિક કક્ષાના મેળાનું આયોજન થઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં ગાયના દૂધ અને દૂધની ડેરી પ્રોડક્ટ જેવી કે,દૂધ,દહીં અને ઘી અને ડેરી મશીનરી વગેરેના ડેરી એક્સ્પો થયા છે.પરંતુ અહીંયા એક અનોખો ગૌ ટેક એક્સપો થવા જઈ રહ્યો છે.ડેરી પ્રોડક્ટ્સની સાથે સાથે ગોબર અને ગૌમૂત્રમાંથી બનતી વિવિધ આઈટમો જેમાં પંચગવ્ય, મેડિસિન, ફિનાઈલ, સાબુ, શેમ્પૂ,ગૌમૂત્ર અર્ક, બાયોપેસ્ટીસાઈડ અને ગોબરમાંથી બનતી આઈટીમો,હશે  સમગ્ર દેશભરમાંથી આશરે 300થી વધારે સ્ટોલ આ એક્સ્પોમાં હશે.ઉપરોક્ત ઉત્પાદનોના મેન્યુફેક્ચરર્સ અને મશીનરી પણ હશે.તેમજ ટ્રેડર્સ,એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના સ્ટોલ પણ હશે.ગાય સાથે હગ,સેલ્ફી,ગૌ ગ્રામીણ દર્શન,ગૌ ટુરીઝમ અને પંચગવ્ય ચિકિત્સા જેવા વિવિધ સ્ટોલ પણ ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત સરકારી વિભાગોમાંથી અધિકારીઓ,ડાયરેક્ટર્સશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓ દ્વારા ગૌ સંવર્ધન,બાયો પેસ્ટીસાઈડ,જૈવિક ખાતર,સજીવ ખેતી,બાયોફ્યુલ,ટુરીઝમ,ગાયનું છાણ અને ગૌમુત્રમાંથી બનતી આઈટીમો,ડેરીને લગતા ઉત્પાદનો, ગૌશાળા વ્યવસ્થાપન,ગૌ છાત્રાલયો, આયુર્વેદિક દવાઓ, પંચગવ્ય ચિકિત્સા જેવા વિવિધ વિષયો પર સેમિનારોમાં માર્ગદર્શન આપવામાં આવશે.ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી,ટુરીઝમ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ મિનિસ્ટ્રી વગેરેના સ્ટોલ પણ અહીં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.