Abtak Media Google News

ઓએનજીસીને અરેબીયન સમુદ્રમાં મળી સફળતા

લોકસભામાં ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી વિગતો

સરકાર સંચાલીત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ને અરેબીયન સમુદ્રમાં બોમ્બે હાઈ નજીક ઓઈલ અને ગેસનો બહોળો જથ્થો મળી આવ્યો છે. હાલ આ જથ્થો ત્રણ કરોડ ટર્ન હોવાનો અંદાજ છે.

લોકસભામાં ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે લેખીતમાં કહ્યું હતું કે, બોમ્બે હાઈ ક્ષેત્રમાં ડબલ્યુઓ-૨૪-૩ ડ્રિલીંગ કામ દરમિયાન ઓઈલ ગેસનો જથ્થો મળી આવ્યો છે. આ ક્ષેત્રમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેના આંકડાના અંદાજ મુજબ ઓઈલ ગેસનો જથ્થો ત્રણ કરોડ ટર્ન સુધી હોઈ શકે છે.

તેમણે વધુમાં ઉમેયુર્ં હતું કે, ૯માં ટેસ્ટીંગ દરમિયાન દરરોજ ૩૩૧૦ બેરલ ઓઈલ નિકળે તેવી આશા સેવવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ ૧૭૦૭૧ કયુબીટ મીટર સુધી ગેસ પણ મળી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈ દેશનું સૌથી મોટુ ઓઈલ ફિલ્ડ છે. જયાં હાલ ૨૦૫,૦૦૦ બેરલ ઓઈલ દરરોજ નિકળે છે. વર્ષે ૧ કરોડ ટર્ન ઓઈલ આ ફિલ્ડમાંથી મળી આવે છે.

ઓએનજીસીને આ સ્થળે ૫૦ વર્ષ બાદ ઓઈલ અને ગેસનો જથ્થો મળ્યો છે. જેના કારણે આગામી વર્ષોમાં કંપની પોતાનું પ્રોડકશન જાળવી રાખવા સક્ષમ રહેશે. બોમ્બે હાઈ ઓએનજીસી માટે મહત્વનું ઓઈલ પ્રોડકશન સ્થળ છે. જયાંથી ૧.૬ કરોડ ટર્ન ઓઈલ દર વર્ષે મળી આવે છે. જે દેશના કુલ ક્રુડ ઓઈલ ઉત્પાદનનો ૪૪ ટકા ભાગ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ઓએનજીસીએ અઢી કરોડ ટર્ન ઓઈલનું ઉત્પાદન કર્યું હતું. જે ૨૦૧૯-૨૦માં વધીને ત્રણ કરોડ ટન સુધી પહોંચી જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ઓએનજીસીને મળેલી સિધ્ધી દેશના ઈંધણની ખપત માટે મહત્વની છે. દર વર્ષે અબજો ‚પિયાનું ઈંધણ આયાત કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકાર ઘર આંગણે જ ઈંધણ મળી રહે તેવા ધરખમ પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે સરકાર કેટલીક કંપનીઓ પણ ચલાવે છે જે સમુદ્રના પેટાળમાં ઓઈલ અને ગેસનું સંશોધન કરતી હોય છે. આ સંશોધનો પાછળ પણ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. અલબત સંશોધનો બાદ મળેલા પરિણામો દેશના વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે.

ઓઈલ અને ગેસનો જથ્થો શોધવામાં મળેલી સફળતા ઓએનજીસી માટે પણ અગત્યની છે. આગામી ૧૫ થી ૨૦ વર્ષ સુધી ઓએનજીસી પોતાનું ઓઈલ ઉત્પાદન જાળવી રાખશે જે બોમ્બે હાઈ નજીક મળેલા જથ્થાનું પરિણામ છે. આ જથ્થો પ્રોસેસ થઈ દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. સરકાર સંચાલિત ઓએનજીસીને આ સફળતા મળતા વિશ્ર્વાસ વધી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.