Abtak Media Google News

નેપાળ જાણે ઉંદર દારૂ પી જાય તેવી હરક્ત કરી રહ્યું છે. ચીન સાથે થોડી નિકટતાથી નેપાળ જમીનથી બે ફૂટ ઊંચે જઇ રહ્યું છે. ભારતે નેપાળને પાડોશી નહિ પણ જાણે પોતાનો હિસ્સો હોય એમ તેનું ધ્યાન રાખ્યું છે. નેપાળમાં અઢળક વિકાસ પ્રોજેક્ટોની ભારતે ભેટ પણ ધરી છે. પણ નેપાળના સત્તાધીશો આ બધા ઉપર જાણે પાણી ઢોળ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.

Advertisement

ભારતની સંસદમાં લગાવાયેલા સમ્રાટ અશોકના સામ્રાજ્યને દર્શાવતા નકશાને નેપાળમાં કેટલાક રાજકીય પક્ષો અખંડ ભારતનો નકશો માની બેઠા છે. આ બાબતે ખુદ નેપાળના વડાપ્રધાન પ્રચંડે સ્પષ્ટતા કરી છે. આમ છતા નેપાળની રાજધાની કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવીને તેમાં ભારતના હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તારને નેપાળમાં દર્શાવ્યો છે.

નેપાળના મેયરની ઉશ્કેરણીજનક હરકત ભારત અને નેપાળ વચ્ચેના સબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. કારણકે ભારતના રાજકીય વર્તુળોમાં આ હરકતની ટીકા થવા માંડી છે તો નેપાળના કેટલાક રાજકીય નિષ્ણાતોએ પણ આ હરકતને દેશના હિતની વિરૂધ્ધમાં ગણાવી છે.

નેપાળના જાણકારો કહી રહ્યા છે કે, મેયરે માત્ર કાઠમંડુ શહેરનુ ધ્યાન રાખવાની જરૂર છે અને તેમણે કરેલુ કામ બંધારણની વિરૂધ્ધ છે. મેયરને આ પ્રકારની બાલીશ હરકત શોભા આપતી નથી. બાલેન્દ્ર શાહ હમણા બેંગ્લોરમાં છે અને તેમણે પોતાના સાથીદારોને કહીને આ  નકશો મુકાવડાવ્યો છે. તેમનુ કહેવુ છે કે,આ નકશો નેપાળના ભૂતકાળનુ પ્રતિનિધિત્વ કરે છે અને તેનાથી રાષ્ટ્રવાદને ઉત્તેજન મળશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં કાળી નદીના કિનારે ઘટખોલામાં ડેમના નિર્માણનો વિરોધ કરતાં નેપાળના નાગરિકો દ્વારા પથ્થરમારો કરાયાની ઘટના બની હતી. આ દરમિયાન ત્યાં કાર્યરત જેસીબીને નુકસાન થયું હતું. પથ્થરમારા વખતે ત્યાં કામ કરતા શ્રમિકોએ હેમખેમ જીવ બચાવ્યો હતો. પથ્થરબાજી સાથે નેપાળના યુવકોએ અશ્લીલ હરકતો પણ કરી હતી. વધુમાં ત્યાંની પોલીસે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.