Abtak Media Google News

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિનો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. છેલ્લી વખતની રનર અપ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી છે. યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર  અને ઓપનર ડેવોન કોનવેની વિસ્ફોટક સદીની ઇનિંગ્સના આધારે કિવી ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડે ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડના હાથે પોતાની અંતિમ હારનો બદલો પણ લઈ લીધો હતો.

રચિન રવિન્દ્ર અને ઓપનર ડેવોન કોનવેની વિસ્ફોટક સદીએ ઇંગ્લેન્ડના બોલારોનેની ” બગાડી

ઈંગ્લેન્ડે આપેલા 283 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં 1 વિકેટે જીત મેળવી લીધી હતી. રચિન રવિન્દ્રએ 96 બોલમાં 11 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 121 બોલમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોનવે અને રચિને બીજી વિકેટ માટે 273 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમે 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 3 જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપ ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બનતો રચીન રવીન્દ્ર

રચિન રવિન્દ્રએ વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે પોતાની સદી 82 બોલમાં પૂરી કરી હતી જેમાં 9 ફોર અને 4 સિક્સ સામેલ હતી. રચિન વર્લ્ડ કપ ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે 23 વર્ષ 321 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. રચિન પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં સદી ફટકારનાર પાંચમો કિવી ખેલાડી બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.