Abtak Media Google News

જસદણ શહેરની મધ્યમાં ટાવર ચોક વિસ્તારમાં અશ્વમેઘ સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં  રોઝડુ આવી  ચડતા રોઝડાએ  ધમાલ મચાવતા અનેક લોકોને  ફલેટમાં  પૂરાઈ રહેવું પડયું હતુ.

આ અંગેની વિગતો મુજબ જસદણ શહેરની મધ્યમાં ટાવર ચોક વિસ્તારમાં અશ્વમેઘ એપાર્ટમેન્ટ આવેલ છે આ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ગઇકાલે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં એક રોઝડુ આવી ચડ્યું હતું. રોઝડાને ઈજા થયેલી હોવાથી પાર્કિંગમાં ધમાલ મચાવતા પાર્કિંગની બહાર નીકળવાની લોખંડની જાળી દરવાજો લોકોએ સલામતી માટે બંધ કરી દીધો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા પશુ ડોક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળે મેઈન બજારમાંથી લોકોના ટોળેટોળા આ ઘટના જોવા ઉમટી પડ્યા હતા.  અંદાજે  દોઢ કલાકની મહેનતના અંતે ફોરેસ્ટ વિભાગની ટીમે રોઝડાને રેસ્ક્યું કરી બાંધીને રિક્ષામાં લઈ ગયા હતા અને તેની સારવાર કરી હતી. રોઝડાએ ધમાલ મચાવતા ત્રણ જેટલા એકટીવા અને બાઈકને મોટી નુકસાની પહોંચી હતી. ફ્લેટમાંથી નીચે આવવાના રસ્તે જ સવારે આ ઘટના બનતા અનેક વેપારીઓ દુકાને જવા માટે ફ્લેટમાંથી બહાર નીકળી શક્યા નહતા. આ રોઝડુ ચિતલીયા રોડ થી મેઈન બજારમાં થઈને અશ્વમે કોમ્પલેક્ષ પાસે સવારે પહોંચ્યું હતું એ દરમિયાન મેઇન બજારમાં પણ એક બે લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જોકે જંગલ ખાતાએ ખૂબ જ અંગત ધ્યાન દઈને  જાનનાં જોખમે રોઝડાને રેસ્ક્યુ કરતા અશ્વમેઘ કોમ્પલેક્ષના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.