Abtak Media Google News

ઓછા માર્ક્સવાળાને પ્રવેશ અપાવી દેવાના બહાને 30 લાખ પડાવનાર શખ્સે કર્યા અનેક ઘટસ્ફોટ, વિદ્યાર્થીઓના ડેટા એજન્સી પાસેથી વેચાતા લઈને તેમાંથી ઓછા માર્ક્સવાળાને કરાતા હતા ટાર્ગેટ

વડોદરાના નિટ એડમિશન કૌભાંડમાં 20 લાખ વિદ્યાર્થીઓના ડેટા લીક થયાનો ઘટસ્ફોટ થયો છે. નિટમાં પ્રવેશ અપાવવાના બહાને રૂ. 30 લાખની છેતરપિંડી કરનાર આરોપીએ કબુલાત આપી છે કે તેને વિદ્યાર્થીઓના ડેટા એજન્સી પાસેથી વેચાતા લઈને તેમાંથી ઓછા માર્ક્સવાળાને ટાર્ગેટ કર્યા હતા.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા બેન્ક મેનેજર લલિતકુમાર ગુરુદયાલ અદલખા3 ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને નવેમ્બરમાં સોશિયલ મીડિયા દ્વારા ફોન કોલ આવ્યો હતો અને નોઈડાના સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દીકરીને એડમિશન આપવાના બહાને ફી પેટે આરોપી પ્રેમ પ્રકાશ વિદ્યાર્થીએ પોતાની ઓળખ રાજીવસિંગ ઉર્ફે વિજય તરીકે આપી મેનેજર પાસેથી 30.70 લાખ પડાવી લીધા હતા.

જ્યારે લલિતકુમાર એડમિશનની છેલ્લી પ્રક્રિયા માટે દિલ્હી ગયા ત્યારે તેઓને જાણ થઈ હતી કે, તેમની સાથે ઠગાઈ થઈ છે. તેઓએ વડોદરા આવીને ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને બિહારની પટણા જેલમાં રહીને આખું રેકેટ ચલાવતો હતો. જેથી આ રેકેટના માસ્ટર માઇન્ડ પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી (રહે. ફતેહપુર, બિહાર) અને તેના સાગરીત આનંદ કિરણ પ્રસાદ તિવારી (રહે. મીરજાપુર ગામ, ઉત્તરપ્રદેશ)ને પ્રોડક્શન વોરન્ટ મેળવીને વડોદરા લઈ આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

સાઇબર ક્રાઈમે ફોન નંબરના આધારે તપાસ હાથ ધરતા આરોપીનું લોકેશન લખનઉ ખાતે ટ્રેનમાં જણાતાં એક ટીમ લખનઉ પહોંચી હતી. ત્યારે જાણ થઈ હતી કે, પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી બિહારની પટણા જેલમા છેલ્લા દોઢ વર્ષથી સજા ભોગવી રહ્યો છે. પોલીસને લોકેશન મળી આવ્યું ત્યારે તે પટણાથી સહારનપુરની કોર્ટમાં ગયો હતો.જાપ્તામાં તે મોબાઈલ વાપરતો હતો. પટણાની જેલમાં રહીને તે એડમિશનનું રેકેટ ચલાવી રહ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ દેશના એજન્ટો પાસેથી નિટના વિદ્યાર્થીઓના ફોન નંબર સહિતનો ડેટા ખરીદતા હતા. જેનો ઉપયોગ તેઓ આવા વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવવા માટે કરતા હતા.

મેડિકલમાં પ્રવેશ માટે ભેજાબાજે ટ્રસ્ટ બનાવ્યું

પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી પટણાની જેલમાં રહીને સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ નામનું ટ્રસ્ટ ચલાવતો હતો અને એડમિશન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની સામે બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્લીના પોલીસ મથકોમાં છેતરપીંડી અને ચેક રીટર્નના કેસમાં કુલ 10 ફરિયાદ નોંધવામાં આવી હતી. ટ્રસ્ટના નામે પેપરમાં જાહેરાતો આપી હતી. એટલું જ નહીં તે 62 કિલો ચરસ રાખવાના કેસમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે.

આરોપી પટણાની જેલમાં બેઠા બેઠા આખું રેકેટ ચલાવતો

પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે આરોપી બિહારની પટણા જેલમાં રહીને આખું રેકેટ ચલાવતો હતો. બાદમાં રેકેટના માસ્ટર માઇન્ડ પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી (રહે. ફતેહપુર, બિહાર) અને તેના સાગરીત આનંદ કિરણ પ્રસાદ તિવારીની પોલીસે ધરપકડ કરી હતી. જો કે આ રેકેટના પર્દાફાશ બાદ પટણા જેલના અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્ન ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.