Abtak Media Google News

અંગ્રેજીમાં કહેવાયું છે  – “It’s nice to be Important, but it’s more important to be Nice.’ અર્થાત્ ‘મહત્વના બનવું સારું છે, પરંતુ સારા બનવું એ વધારે મહત્વનું છે.’

Advertisement

મહત્વના બનવું, માનવંતા બનવું એ માણસની સહજ સ્વભાવિક માનસિકતા છે. અચરજ પમાડે તેવા વેશ-કેશ કે અભિભૂત કરી દે તેવા કળા, કૌશલ્યથી અન્યના નોંધપાત્ર થવું તે માણસમાત્રને ગમે છે. તેમાં એક મજા છે. વાસ્તવમાં આ મજા, આ આનંદ અવધીમાં ટૂંકો અને પ્રમાણમાં ટાંચો છે, જે આવતાની સાથે જ જવાની ઘડીઓ ગણે છે.

એક ચિંતકે લખ્યું છે કે, “The Gratest Happiness on this earth is Conviction that we are Loved.’ અર્થાત્ ‘આ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ એ છે કે અન્યના હૃદયમાં આપણા માટે સાચા અર્થમાં પ્રેમ હોય અને તેની આપણને ખાતરી હોય.’

આપણી ગેરહાજરીમાં આપણને કોઈપણ સ્વાર્થ કે અપેક્ષા વિના યાદ કરે, આપણી ઉપસ્થિતિની ઝંખના કરે અને વિશેષ તો આપણા પ્રત્યેક પ્રસ્તાવને બહુધા સકારાત્મક પ્રતિભાવ સાંપડે ત્યારે સમજવું કે ખરા અર્થમાં અન્યનો પ્રેમ સંપાદિત કરી શકાયો છે. જેના આનંદની અવધી આંકી શકાતી નથી.

અન્યના અને ખાસ કરીને તો સમાજના જે માનવવર્તુળ વચ્ચે આપણે વધુ રહેતા હોઈએ તેઓના હૃદયમાં આપણા માટે જન્મેલો એક શાશ્વત અને સીમારહિત પ્રેમ અને આદર એ ચારિત્ર્યયુક્ત સદ્ગુણી જીવનની અપેક્ષા રાખે છે.

સદ્ગુણોમાં શિરમોડ છે ‘નમ્રતા.’ મહાભારતના શાંતિપર્વમાં પરાશરઋષિ જનક રાજાને કહે છે, બુદ્ધિમાનોમાં આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે અને તેમાં પણ અહંકારરહિત છે, તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.’

મહાનપુરુષોની મહાનતા એ તેઓની ‘નમ્રતા’નો જ પર્યાય છે. બુદ્ધિબળથી પ્રાપ્ત થતી મોટપના ભભકાથી અન્યને ભારોભાર આંજી દેવાનું તેઓને પસંદ નથી. તેઓની નમ્રતાનું આંજણ આપોઆપ લોક નજરે અંજાઈ છે. અને એટલે જ તેઓ લોકહૃદયે અંકાય છે. આ જ તેઓની ખરેખરી મોટપ છે, મહાનતા છે.

પ્રમુખસ્વામી મહારાજની નમ્રતા – અહંશૂન્યતાએ અનેક માંધાતાઓને માત કર્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતને દૂધ ઉત્પાદનમાં અવ્વલ નંબર અપાવનાર, શ્વેતક્રાંતિના પિતા અને એનડીડીબી ના ચેરમેન એવા પદ્મ વિભૂષણ ડો. કુરિયન કે જેઓ પોતાના જીવનમાં લગભગ 70થી વધુ ખિતાબો મેળવી સિદ્ધિ પ્રસિદ્ધિના ટોચે જઈ બેઠેલા તેઓએ 1985માં પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય જોતા કહેલું, ‘પ્રમુખસ્વામી મહારાજના મુખ સામે જોતાં જ ખબર પડી જાય છે કે તેઓ અહંશૂન્ય પુરુષ છે. સંસ્થાનું આયોજન જોતા હું પ્રભાવિત થયો છું. સ્વામીજીની સિદ્ધિ જોતાં મારી સિદ્ધિ નગણ્ય લાગે છે.’

એટલે જ કબીરજી પણ લખે છે, ‘ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, નીચા નીચા જો કોઈ ચાલે, તો સબસે ઊંચા હોઈ’

નમ્રતાની જુદી-જુદી અનેક કક્ષાઓ છે. જેની પ્રસંગોપાત્ત પરખ થાય છે. જ્યારે વાંક વિનાના આક્ષેપો સામે, શબ્દોની ઝપાઝપી વડે સાચા-ખોટાના વાદ-વિવાદમાં ન પડતા નમ્રતાથી ભૂલ પોતાને માથે લઈને માફી માંગી લેવાય તે નમ્રતાની સૌથી ઊંચી કક્ષા છે. જેને ‘નિતાંત નમ્રતા’ કહે છે. જે ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે.

સન 1987માં પ્રમુખસ્વામી મહારાજ 450 સંતો-ભક્તોના સંઘ સાથે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા હતા. બે મહિના પૂર્વેથી આ યાત્રાનું આયોજન ગોઠવાઈ ગયેલું. યાત્રા પૂર્ણ થયા બાદ મૂળ ભારતના અને લંડનના રોમફર્ડ વિસ્તારમાં રહેલા એક ભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા એક પત્રમાં પ્રમુખસ્વામી મહારાજને લખેલું કે, ‘તમારે આટલા કાફલા સાથે યાત્રાએ ન નીકળવું જોઈએ. તમારી તારીખે-તારીખ અમારી સપરિવારની યાત્રા ચાલતી હતી. તમારે લીધે અમને બધી જગ્યાએ રહેવા-કરવામાં અગવડ પડી. અમારા કુટુંબને તમે દુ:ખી દુ:ખી કરી નાંખ્યું.’

પોતાના દરેક કાર્યમાં હંમેશા આયોજનને અગ્રતાક્રમ આપી આગળ વધનારા આ સંતનો આ બાબતે કોઈ દોષ ન હતો. છતાં તેઓની નિતાંત નમ્રતાભરી કલમે પ્રત્યુત્તર વાળ્યો કે, ‘તમને તકલીફ પડી એ બદલ માફ કરશો. યાત્રા દરમ્યાન તમે અમને મળ્યા હોત તો અમે તમને મદદરૂપ થાત.

તમારી સગવડ કરાવી દેત. તમને તકલીફ પડે એવો અમારો આશય નો’તો.’

પરિસ્થિતિ કે પ્રતિભાવની તીખાશ ગમે તેવો તમતમાટ ઊભો કરે એવી હોય તો પણ પ્રમુખસ્વામી મહારાજની અત્યંત ઓજસ્વી નમ્રતામાં કચવાટ ક્યારેય નથી દેખાયો.

સારું બનવું, તે વધારે સારું છે. માટે આવો, આપણે પણ તેઓના પગલે પગલે સદ્ગુણોમાં શિરસ્થ એવી ‘નમ્રતા’ને આપણી જીવનશૈલીમાં મહત્વ આપીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.