Abtak Media Google News

એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર 2022માં દેશમાં એક લાખથી વધુ અપહરણના કેસ નોંધાયા છે. જેનો સીધો અર્થ છે કે, દૈનિક 294થી વધુ અપહરણની ઘટનાઓ બની છે અને દર કલાકે 12થી વધુ લોકોને ઉઠાવી લેવામાં આવ્યા હોય તેવો ઘટસ્ફોટ એનસીઆરબીના રિપોર્ટ પરથી થયો છે.

વર્ષ 2022માં ભારતમાં 1,07,588 અપહરણની ફરિયાદો નોંધાઈ : દૈનિક 294થી વધુ લોકોને ઉઠાવી લેવાયાનો ઘટસ્ફોટ

ભારતમાં વર્ષ 2022માં અપહરણના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ મામલે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. આ માહિતી એનસીઆરબી ડેટામાં સામે આવી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના ડેટા અનુસાર, દેશમાં દરરોજ સરેરાશ 294 થી વધુ અપહરણની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે દર કલાકે 12 થી વધુ કેસ નોંધાયા હતા. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, 2022માં દેશમાં પ્રતિ 1 લાખ વસ્તીએ સરેરાશ અપરાધ દર 7.8 હતો, જ્યારે આવા ગુનાઓમાં ચાર્જશીટ દાખલ કરવાનો દર 36.4 હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એનસીઆરબી મુજબ, 2022 માં દેશમાં અપહરણના 1,07,588 કેસ નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 1,01,707 અને 2020 માં 84,805 હતો. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, 2022માં દિલ્હીમાં અપહરણની 5,641 ફરિયાદ, 2021માં 5,527 અને 2020માં 4,062 એફઆઈઆર નોંધાઈ હતી. ઉત્તર પ્રદેશમાં 2022માં અપહરણના સૌથી વધુ કેસ 16,262 નોંધાયા હતા, જે 2021માં 14,554 અને 2020માં 12,913 હતા.

એનસીઆરબીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે સિક્કિમમાં આત્મહત્યાનો દર દેશમાં સૌથી વધુ છે. રિપોર્ટ અનુસાર સિક્કિમમાં પ્રતિ લાખ વસ્તીમાં આત્મહત્યાનો દર 43.1 ટકા નોંધાયો હતો, ત્યાર બાદ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 42.8 ટકા, પુડુચેરીમાં 29.7 ટકા, કેરળમાં 28.5 ટકા અને છત્તીસગઢમાં 28.2 ટકા નોંધાયો હતો. 2022માં દેશભરમાં કુલ 1,70,924 આત્મહત્યા સાથે રાષ્ટ્રીય સરેરાશ દર 12.4 ટકા હતો.

રિપોર્ટ અનુસાર સિક્કિમમાં 2022 માં આત્મહત્યાના 293 કેસ નોંધાયા હતા, જે 2021 કરતા 27 વધુ છે અને આત્મહત્યાના દરમાં 10.2 ટકાનો વધારો થયો છે. સિક્કિમમાં કુલ 226 પુરુષો અને 67 મહિલાઓએ આત્મહત્યા કરી છે. ગયા વર્ષે, રાજ્યમાં આ ઘટનાઓનું સૌથી મોટું કારણ બેરોજગારી (83 આત્મહત્યા) હતી.

2011ની વસ્તી ગણતરી મુજબ સિક્કિમની વસ્તી 6.10 લાખથી વધુ છે. અગાઉના બે વર્ષમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આત્મહત્યાનો દર સૌથી વધુ હતો.

દેશમાં દર કલાકે 3થી વધુ લોકોની હત્યા!!

ભારતમાં દર કલાકે ત્રણથી વધુ લોકોની હત્યા થઈ રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા-2022’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ગયા વર્ષે 2022માં કુલ 28,522 હત્યાના કેસ નોંધાયા હતા, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે દરરોજ લગભગ 78 લોકોની હત્યા કરવામાં આવી હતી.

દેશમાં આકસ્મિક મૃત્યુમાં 12%નો ઉછાળો!!

2022માં આકસ્મિક મૃત્યુએ 56,653 લોકોના જીવ લીધા છે જે અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 12% નો વધારો દર્શાવે છે તેવું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે. જેમાંથી લગભગ 57% મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયા હતા. એનસીઆરબી રિપોર્ટ રાજ્યના પોલીસ વિભાગો દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા પર આધારિત છે અને તે ‘આકસ્મિક મૃત્યુ’ને અણધારી મૃત્યુ તરીકે વર્ણવે છે જે ત્વરિત હોય છે અથવા હિંસા સિવાયના અન્ય કોઈ કારણથી મિનિટોમાં થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.