Abtak Media Google News

છૂટક બજારમાં ડુંગળીના વેચાણમાં સરકારના હસ્તક્ષેપથી આસમાને પહોચેલી કિંમતો પર સારી અસર પડી છે તે સમજ્યા પછી ગ્રાહક બાબતોનું મંત્રાલય હવે તેના બફર સ્ટોકમાંથી લક્ષ્યાંકિત શહેરોના રિટેઇલ માર્કેટમાં 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડી દરે ડુંગળીનું વધુ પ્રમાણમાં વેચાણ કરવા જઈ રહી છે.

કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આ મહિના દરમિયાન છૂટક બજારમાં લગભગ 1 લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે. અમે ડેટા અને ઐતિહાસિક કિંમતના વલણોના આધારે શહેરોની ઓળખ કરીશું. અમારા રિટેલ હસ્તક્ષેપથી શહેરોમાં કિંમતોમાં ઘટાડો થયો છે તેવું તેમણે કહ્યું હતું.

સરકાર રૂ. 25 કિલોના ભાવે છૂટક બજારમાં 1 લાખ ટન ડુંગળીનો જથ્થો ઠાલવશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી-સહકારી મંડળીઓ દ્વારા ડુંગળીના વેચાણથી ઇન્દોર, ભોપાલ, રાયપુર અને જયપુર જેવા શહેરોમાં છૂટક ભાવમાં ઘટાડો થયો છે.

દરમિયાન દિલ્હીની આઝાદપુર મંડી ફળો અને શાકભાજીના એશિયાના સૌથી મોટા જથ્થાબંધ બજાર પૈકી એક છે જ્યાં ડુંગળીના ભાવ ગયા સપ્તાહે 60-65 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ ઘટીને 30-40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. જોકે રિટેલ માર્કેટમાં તેની અસર હજુ જોવાની બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે આગામી થોડા દિવસોમાં તમામ શહેરોમાં ભાવમાં ઘટાડો થશે.

વેપારીઓએ જણાવ્યું હતું કે 28 ઓક્ટોબરે ડુંગળી પર ટન દીઠ 800 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત નક્કી કરવાના સરકારી હસ્તક્ષેપને કારણે જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે. વધુમાં તાજા પાકો પણ મંડીઓમાં આવવા લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.