Abtak Media Google News

અગાઉ અપાયેલી વિગતોમાં ફેરફાર ન હોય તો ઘરેબેઠા જ સોગંદનામું આપી કેવાયસે અપડેટ કરી શકાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગુરુવારે જણાવ્યું હતું કે, નવી કેવાયસીની પ્રક્રિયા બે રીતે થઈ શકે છે. ગ્રાહક બેંકની બેંકની શાખાની મુલાકાત લઈને કેવાયસી અપડેટ કરાવી શકે છે અને ઘરેબેઠા પણ કેવાયસી અપડેટ કરી શકાય છે. દૂરસ્થ રીતે વિડિઓ ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા કેવાયસી અપડેટ કરી શકાય છે. આરબીઆએ એક રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે, જો ગ્રાહકના કેવાયસીમાં કોઈ ફેરફાર ન થયો હોય તો ગ્રાહક તરફથી સ્વ-ઘોષણા એટલે કે સોંગદનામું તેના પુનઃકેવાયસીને પૂર્ણ કરવા માટે પૂરતી છે. બેંકે એમ પણ કહ્યું છે કે, બેંકોને સલાહ આપવામાં આવી છે કે આવી સ્વ-ઘોષણા માટે ગ્રાહકોને નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ વિકલ્પો પ્રદાન કરવામાં આવે.

ગયા મહિને ડિસેમ્બરમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગ્રાહકોને બેંક સાથે તેમની વિગતો અપડેટ કરવા માટે બેંકની મુલાકાત લેવાની જરૂર નથી, જો સરનામામાં કોઈ ફેરફાર ન થયો હોય તો તેઓ તેમનું કેવાયસી ફરીથી ઓનલાઈન કરી શકે છે. જોકે, ગ્રાહકોને ઓનલાઈન રી-કેવાયસીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, બેંકોના વ્યક્તિગત ગ્રાહકોએ ફરીથી કેવાયસી પૂર્ણ કરવા માટે તેમની બેંક પાસે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની ખાતરી કરવી જોઈએ, જેમ કે તેમની વિગતો નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ્સ દ્વારા સબમિટ કરી શકે છે કે નહીં અથવા તેઓએ કઈ વિગતો અપડેટ કરવાની છે તે અંગે બેંકમાં જવું પડશે.

આરબીઆઈએ કહ્યું કે, ગ્રાહકો ફરીથી કેવાયસી કરવા માટે રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમ, ડિજિટલ ચેનલો (જેમ કે ઓનલાઈન બેંકિંગ/ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ્લિકેશન), પત્રો વગેરેનો ઉપયોગ કરી શકે છે, આ માટે તેઓએ બેન્ક શાખા સુધી ધક્કો ખાવાની જરૂર નથી.  આ સિવાય જો તેમના સરનામામાં માત્ર ફેરફાર થાય છે, તો તેઓ ઉપર જણાવેલ કોઈપણ માધ્યમ દ્વારા તેમનું સુધારેલું અથવા અપડેટ કરેલ સરનામું આપી શકે છે, જે બે મહિનાની અંદર બેંક દ્વારા ચકાસવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.