Abtak Media Google News

ફુગાવો અંકુશમાં પણ વૈશ્વિક સ્થિતિની અસરને પગલે અંતિમ વખત રેપોરેટમાં વધારો, વ્યાજદર 6.5 ટકાએ પહોંચ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અંતિમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે.  આરબીઆઇની ક્રેડિટ પોલિસીમાં ફેરફાર કરતી વખતે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  આ સાથે આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે પણ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.  આ ફેરફાર બાદ રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા લગભગ ત્રણ વર્ષમાં વિવિધ પડકારોને કારણે વિશ્વભરની કેન્દ્રીય બેંકો માટે નાણાકીય નીતિના સ્તરે એક પડકાર ઉભો થયો છે. જેને પહોંચી વળવા માટે રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે.જો કે આના લીધે  એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને વધુ ઇએમઆઈ  ચૂકવવી પડશે.  મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ એમપીસીની આ પ્રથમ બેઠક છે.

વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 6 ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી.  આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ આજે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.  અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 5.90% થી વધારીને 6.25% કરવામાં આવ્યા હતા.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને મળે છે.  આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી.  ત્યારબાદ આરબીઆઇએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો.  પરંતુ આરબીઆઈએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં 0.40% થી 4.40% સુધીનો વધારો કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે.  આ પછી, 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો.  આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો.  પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.  સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા.  ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા.  હવે વ્યાજ દર 6.50% પર પહોંચી ગયો છે.

જંત્રી બાદ લોનનું ભારણ : રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધુ અસર પડશે

ગુજરાત સરકારે તાજેતરમાં જંત્રી દર બમણો કરી નાખ્યો છે. આ અંગે બિલ્ડરોએ નારાજગી દર્શાવવાની સાથે મુખ્યમંત્રીને રજુઆત પણ કરી હતી. જો કે સરકારે પોતાના નિર્ણયમાં કોઈ સુધારો કર્યો નથી. તેવામાં રેપો રેટ પણ વધી ગયો છે. વધુ પ્રમાણમાં હોમ લૉન લેવાતી હોય, આ લૉન ધારકોને જંત્રી ઉપરાંત વધુ ઇએમઆઇનું ભારણ સહન કરવું પડશે. જેની અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.