ફોજદારી અપીલોની સુનાવણીમાં સાંસદો-ધારાસભ્યોને કોઈ પ્રાથમિકતા નહિ: દીનું બોઘા સોલંકીની અપીલ અંગે સુપ્રીમનો જવાબ

અબતક, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાત હાઇકોર્ટને જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા આરટીઆઇ એક્ટિવિસ્ટ  અમિત જેઠાવાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા સામેની ફોજદારી અપીલની સુનાવણી કરતા અટકાવ્યા હતા. જુલાઈ 2019 માં સીબીઆઈની વિશેષ અદાલતે સોલંકી અને અન્ય પાંચ લોકોને હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.  સોલંકીએ પોતાની સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 2020 માં સુપ્રીમ કોર્ટે એક પીઆઈએલના જવાબમાં, સાંસદો અને ધારાસભ્યો સામે પડતર ફોજદારી કેસોમાં ઝડપી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.  સોલંકીએ સુપ્રીમ કોર્ટના આદેશના આધારે તેમની અપીલની સુનાવણીમાં પ્રાથમિકતા માંગી હતી અને હાઈકોર્ટ અપીલની સુનાવણી માટે સંમત થઇ હતી. જેઠવાના પિતા ભીખાલાલે પ્રાથમિક સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો અને સોલંકીની અપીલને વળાંકથી સાંભળવી ન જોઈએ તેવો આગ્રહ કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

મુકદ્દમામાં સામેલ વકીલોના જણાવ્યા અનુસાર સુપ્રીમે સ્પષ્ટતા કરી છે કે, ફોજદારી અપીલોની સુનાવણીમાં સાંસદો/ધારાસભ્યોને કોઈ પ્રાથમિકતા આપવામાં આવશે નહીં. એવી પણ ટિપ્પણી કરી હતી કે હાઈકોર્ટે આદેશને મુલવણી ખોટી કરી હતી અને અપીલને વળાંકથી દૂર કરી હતી.  તેણે હાઈકોર્ટને સોલંકી અને સહ-આરોપીઓની અપીલો સાંભળવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ઝડપી કાર્યવાહીનો આદેશ ક્રિમિનલ ટ્રાયલનો હતો અને તેના આદેશને કારણે અપીલ સાથે જોડાયેલી કોઈ પણ બાબતની સુનાવણી થવી જોઈએ નહીં. હાઇકોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં અપીલ પર સુનાવણી કરવાની હતી, પરંતુ સુપ્રીમમાં જેઠવાની અરજી પડતર હોવાથી સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. દરમિયાન સોલંકીએ સજા સ્થગિત કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.