Abtak Media Google News

અબતક, વડોદરા

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખ સામે વડોદરા પોલીસે કરેલી ઉંડી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના ઓથા હેઠળ સેવા કરવાના બહાને 5 વર્ષમાં મેળવેલા 24.48 કરોડ પૈકી 59.94 લાખ જેટલી માતબર રકમ દિલ્હીના સીએએ પ્રદર્શન માટે તથા કોમી તોફાનના આરોપીઓને છોડાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવા વાપર્યા હતા.

પોલીસે સલાઉદ્દીનના ટ્રસ્ટમાં જમા થયેલા રૂા. 27 કરોડની રકમના હિસાબો ચકાસતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધી મામલાની તપાસ શરુ કરી હતી. સલાઉદ્દીને તેના ટ્રસ્ટના એકાઉન્ટમાં સેવા ના નામે દેશથી અને દુબઇ થી હવાલા મારફતે નાણા મેળવ્યા હતા જેમાં તેના એફસીઆરએ ખાતામાં 19.3 કરોડ અને દુબઇથી હવાલા મારફતે 8 કરોડ મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઉમર સામે વડોદરામાં ગુજરાતનો પહેલો ગુનો નોંધાયો હતો. યુપી પોલીસે જુન માસ પહેલાં ધર્માંતરણ મામલાનો પર્દાફાશ કરી ઉમર ગૌતમ સહિત 6 આરોપીને ઝડપી પાડયા હતા. ઉમરને ધર્માંતરણના મામલામાં વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખે ફડીંગ કર્યું હોવાનું બહાર આવતાં સલાઉદ્દીનને પણ ઝડપી લઇ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યારબાદ વડોદરા એસઓજી પોલીસે ગુપ્ત રાહે તપાસ શરુ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે સલાઉદ્દીન શેખે તેના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટમાં 2017 થી અત્યાર સુધી 19 કરોડ મેળવ્યા હતા જયારે દુબઇથી હવાલા મારફતે પણ 8 કરોડ ઉપરાંતની રકમ મળી કુલ 27 કરોડ ટ્રસ્ટમાં મેળવ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિ માટે મેળવેલી આ રકમ સલાઉદ્દીન શેખે 5.91 કરોડ ઉમર ગૌતમને ધર્માંતરણની પ્રવૃત્તિ કરવા તથા ગેરકાયદે ગુજરાત સહિતના રાજયોમાં મસ્જિદો બનાવવા મોકલ્યા હતા.

જયારે 59.94 લાખ દિલ્હીમાં થયેલા સીએએ પ્રદર્શનકારીઓ અને કોમી તોફાનના આરોપીઓને છોડાવવા કાયદાકીય ખર્ચા માટે ઉપયોગ કર્યો હતો. સીએએ વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહન પુરુ પાડવા પણ આ રકમનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ખોટા બીલો બનાવી નાણાની હેરાફેરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે સલાઉદ્દીન, ઉમર તથા તેના મળતિયાઓ સામે ગુનો નોંધ્યો હતો. ઉમર 5 વર્ષમાં 5 વાર વડોદરા આવ્યો હતો.

ધર્માંતરણ મામલામાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ અને તેમના અન્ય સાગરીતો યુપી પોલીસના હાથે પકડાયા બાદ હાલ જેલમાં છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસની ટીમે લખનૌ પહોંચીને બંનેની આ ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબજોમેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. બીજી તરફ યુપી પોલીસે આ આરોપીઓ સામે ચાર્જશીટની પ્રક્રિયા પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે હાલ યુપીની જેલમાં રહેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમની ધરપકડ માટે એસઆઇટી દ્વારા બંનેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવાની પ્રક્રીયા કરાઇ હતી અને બુધવારે ટ્રાન્સફર વોરન્ટ મળી જતાં બુધવારે સાંજે એસઆઇટીની એક ટીમ લખનૌ જવા રવાના થઇ હતી. ટ્રાન્સફર વોરન્ટથી બંનેનો કબજો મેળવી વડોદરા લવાયા બાદ રિમાન્ડ મેળવીને પોલીસ બંનેની ઉંડી પુછપરછ કરશે અને તેમાં ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.