Abtak Media Google News

પીએમનો ગુજરાત પ્રવાસ રદ્ થતા હવે કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે કેકેવી બ્રિજ ખૂલ્લો મૂકવાનું મન બનાવી લીધું

શહેરના કાલાવડ રોડ પર રૂ.129.53 કરોડના ખર્ચે બની રહેલો શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજનું નિર્માણકામ પૂર્ણ થઇ ગયું છે. આગામી 16મી જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટન માટે આવતા હોવાના સમાચાર મળતા કેકેવી બ્રિજનું લોકાર્પણ પણ પીએમના હસ્તે કરાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, ગઇકાલે પીએમનો ગુજરાત પ્રવાસ રદ્ થયું હોવાનું જાણવા મળતા હવે કોર્પોરેશને પ્રધાનમંત્રીની નવી તારીખની રાહ જોયા વિના જ 20મી જુલાઇ સુધીમાં કેકેવી બ્રિજને ખૂલ્લો મૂકી દેવાનો નિર્ણય લીધો છે. આવતા સપ્તાહે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને વિધિવત રીતે આમંત્રણ પાઠવી તેઓનો સમય લેવામાં આવશે. ત્યારબાદ બ્રિજના લોકાર્પણ માટેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવશે.

કેકેવી સર્કલ પાસે નિર્માણ પામેલા પ્રથમ એલીવેટેડ બ્રિજની લંબાઇ 1152.67 મીટરની અને પહોળાઇ 15.50 મીટરની છે. સેન્ટ્રલ સ્પાનની ઉંચાઇ 15 મીટરની છે. જ્યારે બ્રિજનો સ્લોપ 1:30 રાખવામાં આવ્યો છે. કાલાવડ રોડ પર પ્રિન્સેસ સ્કૂલ પાસે બ્રિજ શરૂ થાય છે અને કોર્પોરેશનના સ્વિમીંગ પુલ પાસે બ્રિજ પૂર્ણ થાય છે. ટોટલ કોસ્ટ રૂ.129.53 કરોડની છે. આગામી સોમવારે બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ જશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને બ્રિજના લોકાર્પણ માટે નિમંત્રણ આપવામાં આવશે. 15 થી 20 જુલાઇ વચ્ચે શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે.

અગાઉ પીએમ પાસે આ બ્રિજનું લોકાર્પણ કરવાની વિચારણાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાત પ્રવાસ રદ્ થતા હવે રાજકોટવાસીઓને વધુ રાહ જોવડાવ્યા વિના 20મી સુધીમાં કોઇપણ કાળે બ્રિજ ખૂલ્લો મૂકી દેવાની કોર્પોરેશનની તૈયારી છે. બ્રિજની વિશેષતા પર નજર કરવામાં આવે તો ફોર લેન સેક્ધડ લેવલ ફ્લાયઓવરબ્રિજ છે. જેની નીચે પાર્કિંગની વ્યવસ્થા અને બંને તરફ સર્વિસ રોડ અને ફૂટપાથની સુવિધા છે. સર્વિસ યુટીલીટી ડક, પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની વ્યવસ્થા રાખવામાં આવી છે. કેકેવી ચોક બ્રિજ ખૂલ્લો મૂકાયા બાદ શહેરમાં કોર્પોરેશનના તમામ બ્રિજનું કામ પૂર્ણ થઇ જશે. આગામી દિવસોમાં રૈયા ટેલીફોન એક્ષચેન્જ અને પીડીએમ ફાટક તથા કટારિયા ચોકડીએ બ્રિજ બનાવવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા સહિતની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.