Abtak Media Google News

3700 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરી બિલ્ડીંગને પાડવામાં આવશે

નોઈડાના  સુપરટેકના  ટ્વિન ટાવરને તોડી પાડવાનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. 28 ઓગસ્ટ રવિવારના રોજ બંને ટાવરને બ્લાસ્ટ કરી પાડી દેવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. બંને ટાવરમાં 3700 કિલો વિસ્ફોટક ભરી દેવામાં આવ્યો છે.

કોઈ જાનહાની કે ક્ષતિ ન સર્જાઈ તે માટે ટાવર તોડી પાડતાં પહેલા ત્રણ વખત સાયરન વાગશે. ત્યાર બાદ એક બટન દબાવવામાં આવશે, આ સાથે જ પ્રચંડ બ્લાસ્ટ થશે. જેનો અવાજ 150 ડેસિબલ હશે. આ સાથે જ માત્ર 12 સેક્ધડમાં જ 800 કરોડના આ બન્ને ટાવર જમીનદોસ્ત થઈ જશે. બન્ને ટાવરના મળીને 915 ફ્લેટ અને 21 દુકાનો પણ કાટમાળમાં ફેરવાઈ જશે. બન્ને ટાવર પડી ગયા બાદ 54 હજાર ટન જેટલો કાટમાળ થવાનો અંદાજ છે. આ કાટમાળને ફેલાતો રોકવા માટે ટાવરની આસપાસ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. અંદાજ મુજબ બ્લાસ્ટ થતાની સાથે જ 4 કિમી સુધી કાટમાળની ધૂળ ઊડતી જોવા મળશે.

ટ્વિન ટાવરને ધરાશાયી કરવા માટે કોલમ અને દીવાલોમાં 10 હજાર હોલ પાડવામાં આવ્યા છે.  ટાવરને તોડતાં પહેલાં દરેક ઘરના દરવાજા, બારીઓ અને પાઈપ હટાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આખા ટાવરને તારની જાળીથી ઢાંકી દેવામાં આવ્યા છે. ગેસ પાઈપલાઈનને બચાવવા માટે સ્ટીલની પ્લેટ લગાવવામાં આવી છે. એડિફિસ કંપનીના 350 વર્કર, 10 એન્જિનિયરો આ કામમાં લાગ્યા છે.

લોકોની સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ જે ટાવર્સને તોડવામાં આવી રહ્યા છે તેની આસપાસ કેટલાંક હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સ આવેલા છે, જેમાં રહેતા લોકોને સવારે 6-30 વાગ્યા સુધીમાં સોસાયટી ખાલી કરવાની રહેશે. જેના અડધા કલાક પછી વીજળી અને પાણીના કનેક્શન બંધ કરી દેવામાં આવશે. ટાવરને ધ્વસ્ત કર્યા બાદ પણ આસપાસના લોકોને સોસાયટીમાં જવા માટેની પરવાનગી નહી આપવામાં આવે. ટાવરને બ્લાસ્ટ કર્યા બાદ આસપાસના વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને પરત ફરવા દેવાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.