Abtak Media Google News
  • ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કર્યા બાદ ભોગ બનનારને મળવા બોલાવીને વાતચીતનું રેકોર્ડિંગ કરી લીઘું
  • મંગેતરને રેકોર્ડિંગ મોકલી દેવાની બીક બતાવી દેહ અભડાવ્યો

કુખ્યાત શખ્સે મિત્રની મંગેતરને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. ઇન્સ્ટાગ્રામમાંથી પરિચયમાં આવ્યા બાદ અમદાવાદ ખાતે મળીને બ્લેકમેલ કરીને કુખ્યાત ડી કે ઓડેદરા નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે આરોપીને જૂનાગઢ ખાતેથી ઝડપી લીધો છે.

રાજકોટની યુવતીને તેના મંગેતર સાથે ઝઘડો થયા બાદ અમદાવાદ જતી રહ્યા બાદ તેના મંગેતરના મિત્ર જૂનાગઢના ડી.કે.ઓડેદરાને તેના મંગેતરને સમજાવવા માટે વાત કરવા ગયેલ ત્યારે વાતચીતનું રેકોર્ડિંગ કરી મિત્રતાનો ફાયદો ઉઠાવી વાતચીતનું રેકોર્ડિંગ તારા ફિયાન્સને મોકલી આપીશ તેમ કહી દુષ્કર્મ ગુજારી ભોગ બનનારના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રૂ.42 હજાર પણ પડાવી લઈ વધું રૂપિયાની માંગણી કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

ભોગ બનનારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે છ વર્ષ પેહલાં જૂનાગઢમાં આરોપી દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી. કે.ઓડેદરા સાથે તેના મંગેતર થકી ઓળખાણ થઈ હતી. ભોગ બનનારની બે વર્ષ પૂર્વે સગાઈ થઈ હતી. બાદમાં આરોપી સાથે ક્યારેય મળવાનું થયું ન હતું.

સગાઈ બાદ ભોગ બનનારને તેના મંગેતર સાથે અવારનવાર ઝઘડો થતાં બંને વચ્ચે મનમેળ ન રેહતા તેણી અમદાવાદ જતી રહેલ હતી. દરમિયાન આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મુકેલ હતો જેમાં તેણીએ કોમેન્ટ કરતાં આરોપીનો તેમને મેસેજ આવેલ અને બાદમાં બંનેએ વાતચીત કરેલ હતી. બાદમાં તેણીએ આરોપીને મોબાઈલ નંબર મોકલેલ અને તે પણ અમદાવાદ હોવાની વાત કરતાં તેણી તેની પ્રહલાદ રોડ પર આવેલ ઓફિસે આરોપી મિત્ર હોવાથી મળીને તેના મંગેતરણે સમજાવવાનું કહેવા માટે વ્હેલી સવારે પાંચ વાગ્યે મળવા ગઈ હતી.

પ્રથમ પાર્કિંગમાં વાત કરેલ બાદ બિલ્ડીંગમાં 11માં માળે આવેલ ઓફિસમાં મળેલ અને બે કલાક વાતચીતમાં તેનો મંગેતર તેની સાથે ઝઘડો કરે છે તે વાત કર્યા બાદ ત્યાંથી તેણીએ જવાનું કહેતાં આરોપીએ તેનું બાવડું પકડી બેસાડી દિધેલ અને તે દરમિયાન તેણીએ વાતચીતમાં તેના મંગેતરને આપેલ ગાળોનું રેકોર્ડિંગ કરી પોતાને સંભળાવેલ અને કહેલ કે, હું તારા મંગેતરને રેકોર્ડિંગ મોકલીશ તો તે મારૂ જ માનશે તારૂં કંઈ માનશે નહીં જેથી તારે હું કહું તેમ જ કરવાનું કહેતાં તે ત્યાંથી નીકળી ગઈ હતી.

બાદમાં બે દિવસ બાદ આરોપીનો ફોન આવેલ અને એક હોટલે મળવા બોલાવેલ અને કહેલ કે, આવ ત્યારે દસ હજાર રૂપિયા લેતી આવજે, બે દિવસમાં પાછા આપી દઈશ. ભોગ બનનારએ રૂપિયા ન હોવાની વાત કરતાં રેકોર્ડિંગ મામલે ધમકી આપી હતી. બાદમાં તેને મોકલેલ અડ્રેસ મુજબ પ્રહલાદ રોડ પર આવેલ હોટલમાં તે મળવા ગઈ હતી અને સાથે બે હજાર રૂપિયા લઈ ગઈ હતી. આરોપીએ એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા કાઢી લઈ બીજા રૂપિયાની માંગણી કરતાં તેને હાલ આટલાં જ રૂપિયા હોવાનું અને બીજા બે દિવસ બાદ આપવાનું કહેતાં તે હોટલના રૂમમાં લઈ ગયો હતો અને કહેલ કે આ હોટેલ મારી જ છે તું મારી સાથે અંદર આવી તેના સીસીટીવી ફૂટેજ થોડીવારમાં મારી પાસે આવી જશે અને જે તારા મંગેતરને મોકલી દઈશ તો તમારો સબંધ તૂટી જશે તેમ ધમકી આપી હતી.

બાદમાં મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપીએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધાં હતાં અને કહેલ કે, હવે તુ બીજા રૂપિયાની વ્યવસ્થા કરી આપ જેથી યુવતી ત્યાંથી નીકળી ગયેલ હતી. બાદમાં આરોપીએ વોટ્સએપ કોલ કરતાં તે ફોન ઉપાડતી ન હતી અને બે વાર વાત કરેલ તો તેમને બ્લેકમેલ કરી હતી. જે બાદ તે રાજકોટ આવતી રહી હતી. બાદમાં પણ આરોપીએ યુવતીને બ્લેકમેલ કરી રૂ.40 હજાર પડાવી લીધા બાદ પણ ફોટા અને વીડિયો તેના ફિયાન્સને મોકલી આપવાની ધમકી આપી વધું રૂપિયાની માંગણી કરતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી.કે.ઓડેદરાને જૂનાગઢથી સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુખ્યાત ડી કે ઓડેદરાએ અગાઉ કાલાવડ રોડ પર બેફામ દારૂ વેચાય છે તેવો વીડિયો કર્યો હતો વાયરલ

કુખ્યાત ડી કે ઓડેદરા વિરુદ્ધ અગાઉ પ્રોહીબીશન, મારા-મારી સહિતના અનેક ગુન્હા દાખલ થયેલા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે જ ડી કે ઓડેદરાએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો ફરતો કર્યો હતો. જેમાં તેણે કાલાવડ રોડ પર એક પોલીસકર્મીની ભાગીદારીથી બેફામ દારૂનું વેચાણ કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો હતો. આ વિડીયોએ ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયોથી દુષણ દૂર કરનાર મસીહા બનતો ડી કે ઓડેદરાએ ખુદ ગંભીર ગુન્હો આચર્યાનું સામે આવ્યું છે.

મંગેતરને આપેલી ગાળોનું રેકોર્ડિંગ કરી દુષ્કર્મ તો આચર્યું સાથે રૂ. 42 હજાર પડાવ્યા

ડી કે ઓડેદરાએ ભોગ બનનાર દ્વારા તેમાં મંગેતરને આપવામાં આવેલી ગાળોનું રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ ભોગ બનનાર પાસેથી રૂ. 42 હજાર પણ પડાવી લીધા હતા અને અધૂરામાં પૂરું ડી કે ઓડેદરા વધુ રૂપિયાની માંગણી પણ કરી રહ્યો હતો. જે બાદ ભોગ બનનારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધીને આરોપી ડી કે ઓડેદરામે જૂનાગઢ ખાતેથી સકંજામાં લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.