Abtak Media Google News

નેશનલ મેડિકલ કમીશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ માટે નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા પ્રમાણે એક વખત પી.જી.કોર્સની મંજૂરી સમયે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા બાદ વારંવાર મંજૂરી કે ઇન્સ્પેક્શન કરવામાં નહી આવે. પરીક્ષા દરમિયાન પણ ઇન્સ્પેક્શન આવતું હતુ તે હવે બંધ કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમીશન દ્વારા પી.જી.મેડિકલ માટે નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી કોલેજ એટલે કે પી.જી.કોર્સ શરૂ કરવામાં આવે ત્યારે ઇન્સ્પેક્શન આવતું હતુ. આજ રીતે પરીક્ષા દરમિયાન પણ ઇન્સ્પેક્શન આવતું હતું. હવે નવી વ્યવસ્થામાં પરીક્ષા દરમિયાન ઇન્સ્પેક્શન આવશે નહી. આજ રીતે પી.જી.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યા અને ડિપ્રેશન સહિતના કિસ્સાઓ વધતાં હોવાથી સપ્તાહમાં એક દિવસ રજા આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત પી.જી.મેડિકલ કોર્સ ચલાવતી કોલેજ પાસે પી.જી. હોસ્ટેલ હોવી ફરજિયાત છે. જોકે, પી.જી.માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ આ હોસ્ટેલમાં રહેવું કે નહી તે પોતાની રીતે નક્કી કરવાનું રહેશે. એટલે કે હોસ્ટેલમાં રહેવા માટે ફરજ પાડી શકાશે નહી. કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપ્યા બાદ હોસ્ટેલની ઉંચી ફી ઉઘરાવતી હોવાથી હવે હોસ્ટેલમાં રહેવું મરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી મેડિકલ કોલેજના નિયમ પ્રમાણે સ્ટાઇપેન્ડ આપવાનું રહેશે. આ ઉપરાંત હાલમાં પી.જી.ના વિદ્યાર્થીઓ પાસે જે પ્રમાણે 24 કલાક કામગીરી કરાવવામાં આવે છે તે જોતાં નવા રેગ્યુલેશનમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજબી રીતે કામગીરી કરાવવાની રહેશે. કોઇપણ કોલેજ એનએમસીની મંજૂરી ન મળે ત્યાંસુધી અભ્યાસ શરૂ કરી શકશે નહી.

દેશના જુદા જુદા રાજયોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓએ જુદા જુદા મુદ્દાઓને લઇને નેશનલ મેડિકલ કમીશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં નવા રેગ્યુલેશનમાં કેટલીક વિશિષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. પરીક્ષા કેવી રીતે લેવાશે, માર્કસની ગણતરી કેવી રીતે થશે, પરીક્ષક તરીકે કોની નિયુક્તિ કરી શકાશે, અભ્યાસક્રમ કેવો રહેશે તે સહિતની જાહેરાત નવા રેગ્યુલેશનમાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.