Abtak Media Google News

પશ્ચિમ બંગાળમાં  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે હુંમલો કર્યો અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી જેના બાદ રાજકારણ ગરમાયું હતું, ત્યારે હવે બંગાળ પોલીસે આ મામલે ત્રણ એફઆઈઆર  નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.

ઇડીના અધિકારીઓ ઉપર હુમલા બાદ રાજકારણ ગરમાયુ, ભાજપ નેતાએ મમતા બેનર્જીને કિમ જોંગ ઉન ગણાવ્યા

પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓ સાથે માત્ર સીઆરપીએફના 27 જવાનો હતા અને અધિકારીઓએ આ હુમલા અંગે જણાવ્યું હતું કે ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ તેમજ પાકીટ પણ છીનવી લીધા હતા. હવે આ મામલે બંગાળ પોલીસે 3 એફઆઈઆર નોંધી છે. એક તરફ જ્યાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે ત્યારે બીજી તરફ રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે  પણ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરવા અને આ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા કહ્યું હતું કે ઇડી અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જરુરી છે.

ભારતીય જનતા પાર્ટીએ હુમલાની ઘટનાને સંઘીય માળખા પર સીધો હુમલો ગણાવ્યો છે, જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે  મમતા બેનરજીની સરખામણી કિમ જોંગ સાથે કરી દીધી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે આ ઘટના અંગે કહ્યું કે તેમાં રોહિંગ્યાનો હાથ છે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં પણ બંગાળીઓ સાથે આવું જ થવાનું છે. આ મામલે શાસક ટીએમસીએઆ આરોપોને ફગાવી દઈને આરોપ લગાવ્યો હતો કે ઇડીના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના માનવામાં આવે છે જેની કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.