Abtak Media Google News

100 બિલિયનથી પણ વધુની નેટવર્થ ધરાવતા ટાટા ગ્રુપની કમાન ફરીથી ટાટાના હાથમાં

દોઢસો વર્ષ પહેલા શરૂ થયેલું ટાટા ગ્રુપ દેશનું સૌથી જૂનું ઉદ્યોગગૃહ માનવતાવાદી મૂલ્યો અને પરોપકારની ફિલોસોફી માટે જગ વિખ્યાત છે

ઇ.સ. 1868ની સાલમાં સ્થપાયેલા, 153ની વય ધરાવતા અને દેશના સૌથી જુના ઉદ્યોગગૃહ ટાટા ગ્રુપ માટે આજનો દિવસ ખુબજ મહત્વનો સાબિત થયો  છે. કારણકે ખુબજ વિવાદિત અને ચર્ચિત એવા ટાટા સન્સ વિરુદ્ધ શાપુરજી પાલનજી ગ્રુપ કેસનો ફેંસલો આજે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમનિયનની બેચ આજે આ કોર્પોરેટની દુનિયામાં સૌથી વધુ વિવાદિત કેસ અંગે આખરી નિર્ણય લેતાં શાપુરજી પાલનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીની ક્રોસ અપીલને ફગાવી છે. આ અપીલ મુજબ મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટ પાસે વિનંતી કરી હતી કે નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલના ડિસેમ્બર 2019ના ચુકાદાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવે  આ ચુકાદા મુજબ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે પુન: સ્થાપીત કરવાના હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટે આજના પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કાયદા લક્ષી જેટલાપણ પ્રશ્ર્નો ઉભા થયેલા છે તેના બધાજ જવાબો ટાટા ગ્રુપ તરફેણમાં જાય છે. પરિણામે શાપુરજી પાલનજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી અપીલને ખારીજ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2012ની સાલમાં ટાટા ગ્રુપના ચેરમેન પદે થી રતન તાતાએ નિવૃત્તિ લીધી હતી અને સાયરસ મિસ્ત્રીની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. મિસ્ત્રીની કાર્યશૈલીને લઈને બોર્ડમાં સવાલો ઉભા થયા હતા જેના અંતે રતન ટાટાને ફરીથી ટાટા ગ્રુપની કમાન હાથમાં લેવી પડી હતી. જેને મિસ્ત્રીએ સૌપ્રથમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો પરંતુ ટ્રિબ્યુનલે તાતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યાર બાદ મિસ્ત્રીએ ટાટા સામે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરીને ટાટાને એની  કાર્યપદ્ધતિ અને બિઝનેસ મિસમેનેજમેન્ટ ના મુદ્દે પડકાર્યા હતા. અહીંયા ચુકાદો મિસ્ત્રીની તરફેણમાં આવ્યો હતો અને મિસ્ત્રીને ફરીથી ટાટા ગ્રુપના ચેરમેન તરીકે બેસાડવાનો આદેશ ટ્રિબ્યુનલે કર્યો હતો. જેની સામે ટાટા ગ્રુપે તાત્કાલિક પગલાં લઈને સુપ્રીમ કોર્ટમાં ટ્રીબ્યુનલના આ આદેશને પડકાર્યો હતો. જેમાં જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે ટ્રીબ્યુનલના એ ચુકાદા ઉપર સ્ટે મુક્યો હતો જેમાં મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે પુન: સ્થાપિત કરવાનો આદેશ હતો.

મિસ્ત્રીએ આ સ્ટે આવ્યા બાદ ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટમાં ક્રોસ અપીલ દાખલ કરીને દાદ માગી હતી.

જમશેદજી તાતાના 4 લક્ષ્ય હતા

ટાટા ગ્રુપ શરુ કરતી વેળાએ જમશેદજી તાતાના મુખ્ય 4 લક્ષ્ય હતા. પોલાદનું ઉત્પાદન કરતી કંપની શરુ કરાવી, વૈશ્વિકસ્તરની એક ઇન્સ્ટીટયુ બનાવવી,દેશમાં ના હોય એવી એક યુનિક હોટેલ બનાવવી અને હાઈડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવો. આ ચારેય લક્ષ્ય ટાટા ગ્રુપ દ્વારા પુરા કરવામાં આવ્યા છે.

ટાટા ગ્રુપ વિષે રસપ્રદ જાણકારી

ટાટા ગ્રુપની શરૂઆત ઈ.સ. 1868થી થઇ. આ ગ્રુપ અંગેની જાણકારીને ચાર અલગ અલગ કાળખંડમાં વહેંચીને જોવાથી સમજવામાં સરળતા રહેશે. પ્રથમ કાલખંડ છે 1868થી 1904ની સાલ વચ્ચેનો સમય. યુવાન અને ભારે તરવરિયા એવા એક પારસી નવજવાન જમશેદજી ટાટા જે એ વખતે એમના પિતાની કંપનીમાં કામ કરતા હતા, એમને રૂ. 21 હજારની મૂડી સાથે પોતાનો વ્યવસાય કરવાનો નિર્ણય લીધો. જમશેદજીએ એક ટ્રેડિંગ કંપની શરુ કરી, મુંબઈના ચિંચપોકલી વિસ્તારમાં માંદી પડેલી એક કોટન મિલ ખરીદી, બે વર્ષમાંજ એને નફો કરતી કરીને વેચી દીધી. 1903ની સાલમાં કોલાબા ખાતે તાજ મહેલ હોટેલની શરૂઆત કરી. એ યુગમાં ભારતમાં તાજ પ્રથમ હોટેલ હતી જેની પાસે ઈલેક્ટ્રીસીટી ની સુવિધા હતી. 1904થી 1938ની સાલ વચ્ચેનો સમયગાળો જોઈએ તો જમશેદજીના મૃત્યુ બાદ એમના દીકરા સોરાબજીએ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરી હતી. ટાટા ગ્રુપના વીદેશી ઓપરેશનની શરૂઆત પણ આજ સમયમાં લંડનની ઓફિસ ખોલીને કરાઈ હતી. 1938થી 1991ની સાલ વચ્ચનો સમયગાળો ટાટા ગ્રુપ માટે ખુબજ મહત્વનો ગણાય છે. આ દરમિયાન ગ્રુપની કમાન જે.આર.ડી. તાતાએ સંભાળી હતી. આ સમય દરમિયાન કંપનીની નેટવર્થ 101 મિલિયન ડોલરથી વધીને 5 બિલિયન ડોલરની થઇ હતી. એટલુંજ નહિ ટાટા ગ્રુપની 14 અલગ અલગ કંપનીઓ હતી જે વધીને 95 થઇ હતી. ટાટા મોટર્સની સ્થાપના 1945ની સાલમાં કરવામાં આવી જયારે દેશની પ્રથમ એર લાઈન ટાટા એર સર્વિસની સ્થાપના દેશની આઝાદી પછી 1952ની સાલમાં કરવામાં આવી હતી. ભારત સરકારે આગળ જતા એનો મોટો હિસ્સો ખરીદ્યો હતો પરંતુ એના ચેરમેન તરીકે જેઆરડી ટાટા રહ્યા હતા. 1991થી ટાટા ગ્રુપની કમાન રતન તાતાએ સંભાળી. બરોબર એજ સમયે દેશમાં ઉદારીકરણની શરૂઆત થઇ. 1991 બાદ ટાટા ગ્રુપે હરણફાળ ભરી છે અને આજે આ ગ્રુપ મીઠાથી લઈને સોફ્ટવેર બનાવવાના ઉદ્યોગમાં અગ્રેસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.