Abtak Media Google News

વિકાસ કામોના લાંબાગાળાના આયોજનથી સાતત્ય પૂર્ણ કામો કરવા મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતાં પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે.

મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખઓ, ઉપ પ્રમુખ અને કારોબારી સમિતીના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં આયોજિત પરિસંવાદમાં સંબોધન કર્યુ હતું.

‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષય વસ્તુ સાથે યોજાયેલા આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ નિર્ધારીત કાર્યક્રમ કરતાં નવતર એક અભિગમ અપનાવ્યો હતો.  મુખ્યમંત્રીએ 10 જેટલા જિલ્લાઓના પદાધિકારીઓ પાસેથી તેમની કામગીરી, રાજ્ય સરકાર તરફથી મળતા પ્રોત્સાહન, ફિલ્ડ લેવલે ઉદભવતા સ્થાનિક પ્રશ્નો-વહીવટી બાબતોની વિશદ જાણકારી પ્રશ્નોત્તરીના માધ્યમથી મેળવી હતી.  મુખ્યમંત્રીએ વિકાસ કામોના લોંગ ટર્મ પ્લાનીંગ-લાંબાગાળાના આયોજનથી સાતત્યપૂર્ણ કામો દ્વારા નાણાંનો પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પરિસંવાદના પ્રારંભે પંચાયત વિભાગ દ્વારા પંચાયતી રાજને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવા માટે ‘પંચાયતી રાજ ઇન્ફોરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (PARINAM) પોર્ટલનું ઈ લોકાર્પણ કર્યુ હતું.

આ PARINAM પોર્ટલ દ્વારા તાલુકા કક્ષાએથી રાજ્ય સરકાર સાથે સીધો પેપરલેસ સંવાદ થશે,એક સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી કર્મચારીની આંતરીક જિલ્લા ફેર-બદલી, બઢતી અને અન્ય યોજનાઓનું Real-Time  મોનીટરીંગ અને મેનેજમેન્ટ શક્ય બનશે.  એટલું જ નહી, PARINAM ને ભવિષ્યમાં ઈ-સરકાર સાથે જોડીને, પંચાયત વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પારદર્શક અને પેપરલેસ થવા તરફ હરણફાળ ભરશે. આ પ્રસંગે પંચાયત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત પદાધિકારીઓને રાજ્ય-કેન્દ્રની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંવાહક બનવા માર્ગદર્શન આપ્યુ હતું.

અધિક મુખ્ય સચિવ  મનોજકુમાર દાસે દરેક જિલ્લાનાં લોકોની જરૂરિયાત મુજબ ‘Bottom Up’ એપ્રોચ ધરાવતા તથા UNDPના સસ્ટેનેબલ ગોલ્સને અનુરૂપ માસ્ટર પ્લાન બનાવવાના સૂચનો કર્યા હતા. આ એક દિવસીય પરિસંવાદમાં ડીસ્ટ્રીક્ટ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, તાલુકા પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, જિલ્લા પંચાયતનાં સ્વભંડોળ વધારાનાં પ્રયાસો, નાણાંકીય શિસ્ત તથા નાણાંનું સુવ્યવસ્થિત આયોજન તેમજ આઈટી ક્ષેત્રે પંચાયત વિભાગનાં યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. પંચાયત પરિષદના પ્રમુખ   નયનાબહેન પટેલે આભાર દર્શન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.