Abtak Media Google News

છેલ્લા 10 વર્ષમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં અનેક વિક્રમો તૂટ્યા, હવે તાપમાન સતત વધતું રહેશે 

અબતક, નવી દિલ્હી : હવે ચેતવાની તાતી જરૂરિયાત છે. કારણકે પ્રદુષણ હવે જોખમી બની રહ્યું છે. વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. જો હજુ લોકો ચેતશે નહિ તો હવે આવનારી પેઢી સાફ થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સ્કોટલેન્ડમાં ૨૬મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાનાર છે તે પહેલાં યુએનની સંસ્થા ડબલ્યુએમઓનો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અને તેનો ભરાવો સર્વોચ્ચ સપાટીએ હતો. ૧૭૫૦ પછી આ સ્તર સૌથી વધુ હતું અને તેના કારણે તાપમાન વર્ષો સુધી ઘટશે નહીં.

યુએનની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ સ્કોટલેન્ડમાં યોજાશે. તે પહેલાં યુએનની જ સંસ્થા વર્લ્ડ મીટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલમાં ગ્રીન હાઉસ ગેસની વૃદ્ધિ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ઔદ્યોગિકીકરણ પછી ૨૦૨૦માં પહેલી વખત ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ભયજનક સપાટીએ હતું. કાર્બન ડાયોક્સાઈડ, મિથેન અને નાઈટ્રેસ ઓક્સાઈડનું સ્તર ઊંચું રહ્યું હતું.

કોરોના મહામારીના કારણે શરૃઆતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટયું હોવા છતાં ફરીથી સરેરાશ તેનું પ્રમાણ વધી ગયું હતું. તેના કારણે તાપમાન ઓછું કરવાના દુનિયાના લક્ષ્યાંકને ફટકો પડશે એવું પણ અહેવાલમાં કહેવાયું હતું. ગ્રીન હાઉસ ગેસનો ભરાવો ૨૦૨૦માં સૌથી વધુ જણાયો હતો. ૨૦૧૧થી ૨૦૨૦ના દશકામાં પણ ગ્રીનહાઉસના ગેસના ઉત્સર્જનના નવા વિક્રમો સર્જાયા હતા, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે.

બલ્યુએમઓના મહાસચિવ પેટેરી તાલસે બુલેટિન પ્રસિદ્ધ કરતી વખતે જણાવ્યું હતું કે ક્લાઈમેટ કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા થાય તે જરૃરી છે. સતત ગ્રીનહાઉસ ગેસનો ભરાવો થશે તો તાપમાન નીચું જઈ શકશે નહીં. એ દિશામાં હવે તાકીદના પગલાં આવશ્યક છે. પેટેરી તાલસેના કહેવા પ્રમાણે અત્યારે દર ૧૦ લાખે ૪૧૩ પાર્ટ્સ ગ્રીનહાઉસ ગેસ છે. જે ૨૦૧૫માં ૪૦૦ હતાં. એટલે કે માત્ર પાંચ જ વર્ષમાં ૧૩ પાર્ટ્સનો વધારો થયો હતો.

એન્ટાર્ક્ટિકાનો બરફ ઓગળવાથી 60થી 80 વર્ષમાં દરિયાના જળસ્તરમાં 1.2 મિટરનો વધારો થશે

બીજી તરફ ડચ ક્લાઈમેટ એજન્સીએ કહ્યું હતું કે ગ્રીન હાઉસ ગેસથી વાતાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો સતત ઉંચો જશે. તેના કારણે સમુદ્ર સપાટી વધશે . તેનો સૌથી વધુ ખતરો નેધરલેન્ડ ઉપર મંડરાઈ રહ્યો છે. એન્ટાર્ક્ટિકાનો બરફ ઓગળશે તેનાથી ૨૧૦૦ સુધીમાં જળસ્તર ૧.૨ મીટર જેટલો વધી જશે એવો અંદાજ એજન્સીએ રજૂ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.