Abtak Media Google News

અલાહાબાદ હાઈકોર્ટે યુપી બાર કાઉન્સિલને કાયદાની પ્રેક્ટિસ કરવા માટે સનદ આપતા પહેલા પોલીસ વેરિફિકેશન રિપોર્ટની આવશ્યકતા ધરાવતી પ્રક્રિયાને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ અરજી પ્રક્રિયા દરમિયાન માહિતી છુપાવીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને વકીલ બનવાથી અટકાવવા જોઈએ. હવે અલ્હાબાદ હાઇકોર્ટના આ ચુકાદાની અસર આખા દેશમાં જોવા મળે તો વકીલોએ વકીલાત શરૂ કરતા પહેલા પોલીસ સર્ટિફિકેટ લેવું ફરજીયાત બની જશે.

સનદ આપતાં પૂર્વે પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવવા અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ

કોર્ટે રાજ્ય સરકાર અને બાર કાઉન્સિલને પાસપોર્ટ જારી કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાની જેમ જ તમામ પેન્ડિંગ અને નવી સનદ અરજીઓ માટે પોલીસ રિપોર્ટ્સ મેળવવામાં આવે તેની ખાતરી કરવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવા જણાવ્યું હતું. જસ્ટિસ વિનોદ દિવાકર અને જસ્ટિસ એસડી સિંઘની ડિવિઝન બેન્ચે 21 ડિસેમ્બરના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, કાયદાની પ્રેક્ટિસ કરનારા વિરુદ્ધ કોઈ ગુન્હાહિત ઇતિહાસ ન હોય તેની ખાતરી થવી જરૂરી છે.

કોર્ટ પવન કુમાર દુબેની રિટ પિટિશનની સુનાવણી કરી રહી હતી, જેણે લાયસન્સ અરજી દરમિયાન એક વ્યક્તિ દ્વારા 14 ફોજદારી કેસોને છુપાવવાની ફરિયાદ કરી હતી. દુબેએ દાવો કર્યો હતો કે પ્રતિવાદીને આમાંથી ચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં તે કાયદાની પ્રેક્ટિસ કરવા માટેનું લાઇસન્સ મેળવવામાં સફળ રહ્યો હતો.

હાઇકોર્ટએ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ માટે લાઇસન્સ મંજૂર કરવા અંગે ચિંતા વ્યક્ત કરતી વખતે બાર કાઉન્સિલને ત્રણ મહિનાની અંદર શિસ્તની કાર્યવાહી હાથ ધરવા અને પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આવી પ્રથાઓ સમાજ અને કાનૂની સમુદાય માટે હાનિકારક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એડવોકેટ્સ એક્ટ આવી વ્યક્તિઓને પ્રેક્ટિસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે.

કોર્ટે બાર કાઉન્સિલ માટે એવી પ્રક્રિયા સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે જે તમામ નવી લાયસન્સ અરજીઓ માટે પોલીસ વેરિફિકેશનની ખાતરી કરે અને ખાસ કરીને જે ફોજદારી આરોપો અથવા દોષિત ઠરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.