Abtak Media Google News

અગાઉ લેખિત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે, પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા ન હતા, તેવા ઉમેદવારોમાંથી કોઈ પાસ થશે તો તેઓ લેખિત પરીક્ષા આપી શકશે

અંતે ઉમેદવારોના વિરોધને પગલે જેટકો ઝુક્યું છે. ઉમેદવારોએ વડોદરા જેટકોની એફિસ બહાર બે દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ પણ કોઈ નિવાડો ન આવતા ગાંધીનગર પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓની અડગ માગ સામે જેટકોએ ઘૂંટણિયે પડીને નિર્ણય લીધો છે. જેમાં ઉમેદવારને માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે. જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે, તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. અગાઉ પોલ ટેસ્ટ પાસ થયા ન હતા અને હવે કોઈ ઉમેદવાર પાસ થાય તો તે લેખિત પરીક્ષા આપી શકશે.

જેટકોએ જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યું છે કે, જેટકો ખાતે વિદ્યતુ સહાયકની ભરતી અન્વયે તારીખ 06-03-2023થી 13-03-23 દરમિયાન પોલ ટેસ્ટ લેવામાં આવી હતી. જે પરત્વે પોલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 09-09-23 અમદાવાદ ખાતે લેવામાં આવી હતી. ઉપરોકત પોલ ટેસ્ટમાં ક્ષતિ જણાતા જેટકો દ્વારા તારીખ 19-12-23ના રોજ ભરતી પ્રક્રિયા રદ કરી તે ભરતી પ્રક્રિયા નવેસરથી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત નીચે જણાવ્યા મુજબ પોલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

તારીખ 28 અને 29-12-23ના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવામાં આવશે. જે ઉમેદવારોએ અગાઉ તારીખ 09-09-2023ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા ન હતા, તેવા ઉમેદવારોમાંથી જો કોઈ પાસ થશે તો ફક્ત તેવા જ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે.

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વિદ્યુત સહાયકની ભરતીપ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની જેટકો કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નહોતી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.