Abtak Media Google News

વીવીપી સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચરનું નવું શૈક્ષણિક સોપાન ‘કિચ સ્કુલ ઓફ ડીઝાઇન’

જીટીયુ સંલગ્નતા પ્રાપ્ત 4 વર્ષના ‘બેચલર ઓફ ઇન્ટીરીયર ડીઝાઇન’ના અભ્યાસક્રમનો શુભારંભ

વી.વી.પી. ટ્રસ્ટ રાજકોટમાં ઈન્ટીરીયર ડીઝાઈનના શિક્ષણની પરીપૂર્તિ માટે ‘કિચ સ્કુલ ઓફ ડીઝાઈન’ શરૂ કરવા જઈ રહ્યુ છે. છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી કાર્યરત સૌરાષ્ટ્ર-કચ્છની સર્વ પ્રથમ અને એકમાત્ર એવી વી.વી.પી. સંચાલીત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર, કે જેની ગણના દેશની ટોંચની આર્કિટેક્ચર કોલેજોમા થાય છે, તેના કેમ્પસ પર આગામી શૈક્ષણિક વર્ષથી ‘કિચ સ્કુલ ઓફ ડીઝાઈન’ની શરૂઆત ‘કિચ ગ્રુપ’ના સહયોગથી થઈ રહી છે.

રાજકોટ અને ગુજરાતને પ્રતિભાવંત ડીઝાઈનરો મળે તેવા ઉમદા શૈક્ષણિક હેતુથી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સીટી (જિ.ટી.યુ.)ની સંલગ્નતા પ્રાપ્ત 4 વર્ષના ‘બેચલર ઓફ ઈન્ટીરીયર ડીઝાઈનના (બી.આઈ.ડી.) અભ્યાસક્રમનો શુભારંભ થવા જઇ રહ્યો છે. પ્રતિવર્ષ 30 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા આ અભ્યાસક્રમમાં કોઈપણ પ્રવાહમાં ધોરણ 10+2 (સાયન્સ, કોમર્સ, આર્ટસ) અથવા ધોરણ 10+3 ડિપ્લોમા પાસ કરેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે.

ઇન્ટીરીયર ડિઝાઇનના નવા અભ્યાસક્રમ વિશે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આર્કિટેક્ટ કિશોર ત્રિવેદીએ વિગતે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓને આર્કિટેક્ચરના અભ્યાસ માટે બીજા શહેરોમાં જવું પડતું હતું. તેથી આ ખામી પૂરી કરવાના પ્રયત્નરૂપે ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર કોલેજની શરૂઆત કરી હતી. બાદમાં ઇન્ટીરીયર ડિઝાઇન પણ ડિઝાઇનના ક્ષેત્રમાં આગળ પડતી વિદ્યા શાખા હોવાથી ડિઝાઇનરોને ઘર આંગણે શિક્ષણ મળી રહે તેવી એક સંસ્થા ઉભી કરવાના વિચારના ભાગરૂપે કિચ સ્કુલ ઓફ ડિઝાઇન સાકાર પામી છે.

જેમાં આર્કિટેક્ચર પ્રોડક્ટ બનાવનાર કિચ ઇન્ડસ્ટ્રીઝે આર્થિક સહયોગ આપ્યો છે.

આર્કિટેક્ચર અને ઈન્ટીરીયર ડીઝાઈન એ બંન્ને એક-મેક સાથે અભિન્નપણે જોડાયેલ ક્ષેત્રો છે. આવનારા વર્ષોમાં ઈન્ટીરીયર ડીઝાઈનર્સની માંગ અવિરતપણે વધતી રહેવાની છે. સતત વિકાસશીલ એવા ઈન્ટીરીયર ડીઝાઈનના ક્ષેત્રમાં નવી ટેકનીકો, મટીરીયલ્સ, ટકાઉલક્ષી ડીઝાઈનના વલણોનો આવિર્ભાવ સતત ચાલુ રહેવાનો છે.

સતત બદલાતા સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળ અને નિપૂણ થવા મજબુત શૈક્ષણિક પાયો હોય તે અનિવાર્ય છે.

ત્રણ દાયકા કરતા વધુ સમયથી રાજકોટ સ્થિત ‘કિચ આર્કિટેક્ચરલ પ્રોડકટસ પ્રા.લી.’ જે ગુણવતાયુકત આર્કિટેક્ચરલ પ્રોડકટસના ભારતના અગ્રણી ઉત્પાદક છે. ‘કિચ ગ્રુપ’ આજે સમગ્ર વિશ્ર્વના આશરે ચાલીસથી વધારે દેશોમાં તેમની પ્રોડકટસની નિકાસ કરી રહી છે, જેમના નાણાકીય અનુદાનનો લાભ આ સંસ્થાને પ્રાપ્ત થવાનો છે.

‘વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ’, ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર અને ‘કિચ ગ્રુપ’ના આર્થિક સહયોગથી શરૂ થઈ રહેલ ‘કિચ સ્કૂલ ઓફ ડીઝાઇન’માં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણની તક પ્રાપ્ત થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.