ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ફેંકાયું

cricket | sport
cricket | sport

પ્રથમ મેચમાં જ વડોદરા મહાપાલિકા સામે ૯ વિકેટે કારમો પરાજય: મુકેશ રાદડિયાને બાદ કરતા તમામ બેટસમેનો વડોદરાના બોલરો સામે ઘુંટણીયે

અમદાવાદ મહાનગરપાલિકાના યજમાનપદે ચાલી રહેલી ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૭માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફેંકાઈ ગયુ છે. પોતાના પ્રથમ મેચ માં જ રાજકોટનો વડોદરા મહાપાલિકા સામે ૯ વિકેટે કારમો પરાજય થયો હતો. મુકેશ રાદડીયાને બાદ કરતા રાજકોટના તમામ બેટસમેનો બરોડોના બોલરો સામે રીતસર ઘુંટણીયે પડી ગયા હતા.  ગઈકાલે રમાયેલી મેચમાં રાજકોટ મેયર ઈલેવનના કેપ્ટન નિતીન ભારદ્વાજે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેયર ઈલેવનની બેટીંગના મુખ્ય આધારસ્તંભ એવા પુષ્કર પટેલ પ્રથમ બોલે જ આઉટ થઈ જતા રાજકોટનો કારમો પરાજય નિશ્ર્ચિત થઈ ગયો હતો.બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ રાદડીયાની અડધી સદીની મદદથી રાજકોટે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૩૫ રન બનાવ્યા હતા. રાદડીયાને બાદ કરતા મોટાભાગના બેટસમેનો વડોદરાના બોલરો સામે રિતસર ઘુંટણીયે પડી ગયા હતા.

૧૩૬ રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાને પડેલી વડોદરાની ટીમે રાજકોટના બોલરોની ચોતરફ ધોલાઈ કરી હતી. વડોદરા મહાપાલિકાના કોર્પોરેટર પાલા સુરવેએ અણનમ ૮૨ રન ફટકાર્યા હતા. માત્ર ૧૭ ઓવરમાં વડોદરાએ ૧ વિકેટ ગુમાવી ૧૩૬ રન બનાવી લેતા રાજકોટનો ૯ વિકેટે કારમો પરાજય થયો હતો. કોર્પોરેટરો છેલ્લા એક મહિનાથી સખ્ત પ્રેકટીશ કરતા હતા. જો કે આ પ્રેકટીશ મેદાન પર કોઈ અસર દેખાડી શકી ન હતી.