ભાજપ સરકારની આળસના પાપે 3252 ગ્રામ પંચાયતમાં OBC અનામત ખત્મ

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ છ મહિનામાં કમિશન રચી ઓબીસી અનામત માટે સમીક્ષા ન કરતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત દુર

ગુજરાતની ભાજપ સરકારની આળસના પાપે રાજ્યની 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા ઓબીસી અનામત ખતમ થઇ જશે. આ અંગે કોંગ્રેસના પુંજાભાઇ વંશ અને અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. દરમિયાન હવે સત્તાધારી પક્ષ ભાજપે આ અંગે અદાલતના દ્વાર ખખડાવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે, તે મુજબ ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-1993થી અમલમાં રહેલા અન્ય ઓબીસી માટે 10% બેઠકો અનામત રહેશે નહીં. ઓબીસી અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે.

2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી રીઝર્વેશનના અમલ મુદે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. નામદાર સુપ્રિમ કોર્ટે 19 જાન્યુઆરી, 2012ના રોજ દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસી રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. આ આદેશને છ માસ જેટલો સમય વીતી જવા છતાં ગુજરાત સરકારે ઓબીસીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઈ કાર્યવાહી કરેલ નથી. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગુજરાતમાં આશરે 3,252 ગ્રામ પંચાયતોમાં 10% અનામતનો લાભ મળશે નહીં.

રાજ્યમાં કુલ વસ્તીના 52% જેટલી ઓબીસી સમાજની વસ્તી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી દૂર થશે. રાજ્ય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ ઓબીસી સમાજ બનશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળી રહે અને ઓબીસી સમાજને અન્યાય ન થાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી રીઝર્વેશનને પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને તેની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને 3,252 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્ય પુંજાભાઇ વંશે રજૂઆત કરી છે.

ઓબીસી અનામત માટે ભાજપ કાનુની સહારો લેશે

ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ સમાજ(ઓ.બી.સી)ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયતની ચૂંટણીમાં બક્ષીપંચ સમાજ ( ઓ.બી.સી) માટે રાખેલ અનામત સીટ હાલમાં બાકી રહેલ પંચાયતની ચૂંટણીમાં અનામત રહેશે નહિ તે વિષયની બાબતે ચર્ચા ચાલી રહેલ છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે તારીખ 10-મે-2022 ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી ઉતાવળે પુરી સમીક્ષા કર્યા વગર રાજ્યમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ચૂંટણીમાં ચૂંટણી આયોગના મત મુજબ ઓ.બી.સી બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલ છે.

ગુજરાત રાજ્ય ઓ.બી.સી અનામત માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યના પંચાયત કાયદામાં જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે ( કલમ 9, 10 અને 11) 10% અનામતની સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. રાજય ચૂંટણી આયોગ એ સ્વતંત્ર સંસ્થા છે તેમના નિર્ણય મુજબ ઓ.બી.સી અનામત કાઢી ને સામાન્ય બેઠકો કરે તેનાથી ભારતીય જનતા પાર્ટીની ઓ.બી.સી અનામત અંગે ની પ્રતિબદ્ધતા માં કોઈ ફેર પડતો નથી.

ભારતીય જનતા પાર્ટી ઓ.બી.સી.ના હક્કો માટે અને અનામત માટે સંપૂર્ણં પ્રતિબદ્ધ છે અને આ માટે આવશક્યતા લાગે તો કાનૂની સહારો લેશે. આ સિવાય પણ તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાન્ય સીટ ઉપર પણ 10% ઓ.બી.સી ઉમેદવારો નિશ્ચિત રીતે  ઉભા રાખશે અને ઓ.બી.સી.ના અનામતને કોઈ પણ પ્રકારનું નુકશાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય કરશે નહિ.