Abtak Media Google News

સાંસદો, ધારાસભ્યો, ડો. કમલેશ જોશીપુરા, શિક્ષણ, વ્યાપાર વગેરે ક્ષેત્રોના દિગ્ગજોએ તમીલ બંધુઓને આવકાર્યા

તમિલનાડુના મદુરાઈમાં આવેલી 143 વર્ષ જૂની સૌરાષ્ટ્ર મધ્ય સભાના પ્રમુખ, હોદ્દેદારો સહિતના 20થી વધુ આગેવાનો સૌરાષ્ટ્ર તમિલ સંગમમમાં ભાગ લેવા માટે આજે રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવતા તેઓ ગદગદ થઈ ગયા હતા.

રાજકોટમાં હવાઈ માર્ગે આગમન બાદ તમિલ બંધુઓનો લાગણીસભર સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યો શ્રી રમેશભાઈ ટીલાળા,  દર્શિતાબહેન શાહ, અગ્રણી ડો. કમલેશ જોશીપુરા, ડો. ભાવના જોશીપુરા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર  ધીમંત વ્યાસ,મધ્યપ્રદેશની હરિસિંહ ગૌર યુનિવર્સિટીના ચાન્સેલર ડો. બળવંતરાય જાની  ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈષ્નવ તેમજ શિક્ષણ, વ્યાપાર જગતના અનેક મહાનુભાવોએ હૃદયના ઉમળકા સાથે તમિલ બંધુઓને આવકારીને, સૌરાષ્ટ્ર મધ્યસભા-મદુરાઈના હોદ્દેદારોનું ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. તો તમિલ બંધુઓએ પણ પરંપરાગત ખેસ પહેરાવીને ગુજરાતી યજમાનોનું બહુમાન કરી સૌહાર્દની લાગણી દર્શાવી હતી.

આ તકે ડો. કમલેશ જોશીપુરાએ સ્વાગત પ્રવચન સાથે તમામનો પરિચય પણ આપ્યો હતો તેમજ આ ઘડીને બંને રાજ્યોના ટોચના મહાનુભાવોના મિલનની ઐતિહાસિક ઘડી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર મધ્યસભા એ સૌરાષ્ટ્રવાસીઓનું મહત્ત્વપૂર્ણ કેન્દ્રીય સંગઠન છે અને આશરે દોઢ સદીથી અસ્તિત્વ ધરાવે છે. તમિલનાડુના દરેક વિસ્તારોમાં તેની શાખાઓ છે. સૌરાષ્ટ્રવાસીઓની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કોઈને કોઈ મુદ્દા પર આ સંગઠન કેન્દ્રીય ભૂમિકા ભજવતું હોય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ એ સદીઓ અગાઉ તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકોને તેમની મૂળ ભૂમિ સાથે જોડવાનો એક પ્રયાસ છે.

આ તકે પોતાનો હર્ષ વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર મધ્યસભાના વર્તમાન પ્રમુખ તથા તમિલનાડુના શિક્ષણવિદ શ્રી વી. આર. રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, અમારા માટે આ અવિસ્મરણીય ક્ષણ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ એ આજકાલનો વિચાર નથી પણ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મદુરાઈ સૌરાષ્ટ્ર સમુહ સંગમમમાં આવ્યા હતા, ત્યારે તેમણે વચન આપ્યું હતું અને આજે તેમણે આ વચન સાર્થક કરી બતાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં આશરે 24 લાખ જેવા સૌરાષ્ટ્રીયન વસે છે અને સૌરાષ્ટ્ર મધ્યસભા-મદુરાઈ એ તેમનું પ્રતિનિધિત્વ કરે છે. તમિલનાડુના તમામ જિલ્લાઓમાં આ સભાના 63 સંગઠનો છે. આ સભામાં કુલ 143 કમિટી મેમ્બર્સ છે, જ્યારે 40 હજારથી વધુ સામાન્ય સભ્યો છે. આ દેશનું એકમાત્ર અનોખું સંગઠન છે, જે આટલા વર્ષોથી અવિરત ચાલે છે. અમે નિયમિતરૂપથી દર ત્રણ વર્ષે ચૂંટણી કરીએ છીએ. આજે અમે અમારા પૂર્વજોની ભૂમિ પર આવીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમારા માટે આ ગર્વની ક્ષણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.