Abtak Media Google News

ગોરધન ઝડફીયાને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવાયા

ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી તરીકે ઓમજી માથુરની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાને ઉત્તરપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજયસભાના સાંસદ ઓમજી માથુરની ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુકિતને આવકારતા જણાવ્યું હતુ કે ઓમજી માથુર આ પૂર્વે પણ ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે સફળ જવાબદારી નિભાવી ચૂકયા છે. ઓમજી ગુજરાતના સશકત સંગઠનથી ખૂબ સાર રીતે વાકેફ છે. સંગઠનની કાર્યપધ્ધતિમાં હંમેશા તેમનું આમુલ માર્ગદર્શન મળતું આવ્યું છે. ઓમજીની જનસેવાનો વિશાળ અનુભવ અને રાજકીય માર્ગદર્શનમાં સમગ્ર ભાજપા પરિવાર અને અમારા ઋષિતુલ્ય કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. આપનું કર્મઠ વ્યકિતત્વ અને કુશળ સંગઠનાત્મક નેતૃત્વના આધારે ભૂતકાળમાં ગુજરાત ભાજપાએ પંચાયતથી લઈને વિધાનસભાની ઘણી બધી ચૂંટણી જીતી છે.

હવે ઓમજીના માર્ગદર્શનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬માથી ૨૬ બેઠકો જીતીને ફરી એકવાર આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની સેવા કરવા સત્તારૂઢ થશે તેમ વાઘાણીએ જણાવ્યું હતુ. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાને ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપી છે. તે બદલ સમગ્ર ભાજપા પરિવાર તરફથી ગોરધનભાઈ ઝડફીયાને શુભેચ્છા પાઠવીએ છીએ. તેમના બહોળા રાજકીય અનુભવનો લાભ ભાજપાને જરૂરથી મળશે તેવો આત્મવિશ્વાસ વાઘાણીએ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.