Abtak Media Google News

એક ખૂબસુરત યુવતીની બેદરકારીના કારણે વિસ્મયનો પૂરો એક કલાક વેડફાઇ ગયો હતો. દસના ટકોરે એક પાર્ટીને મળવા ઓફિસે પહોંચવાનું હતું. જોધપુર ચાર રસ્તાના વળાંકે સેક્રેટરીનો ફોન રણક્યો, એક તરફ કાર રોકી વિસ્મય વાત કરવા બહાર નીકળ્યો. ત્યાં પાણીના જળસ્ત્રોતે એને ભીંજવી દીધો, ફુલછોડને જળ સિંચી રહેલી યુવતીથી અનાયાસ પાઇપ ગેઇટ તરફ લંબાઇ જતાં આ જળઘટના સર્જાઇ.

Tempoક્રોધાવેશમાં આવેલા વિસ્મયે બંગલાના ગેઇટ તરફ વળીને ગુસ્સો ઠાલવવાની પ્રક્રિયા આદરી ત્યાં યુવતીએ ‘સોરી’ કહીને અફસોસ વ્યક્ત કરી દીધો, પુન:સોરી કહેવા છતાં વિસ્મય જરા પણ નરમ પડ્યો નહીં. પાછા ફરવા સિવાય વિકલ્પ નહતો. ભીંજાયેલા કપડે પાર્ટી સાથે વાત કેમ કરવી? ઘરે પહોંચીને વિસ્મયે કપડાં બદલ્યાં. ઓફિસે પહોંચ્યો ત્યારે પાર્ટીએ ‘ફરીથી સમય મેળવી વાત કરીએ’ એવી સૂચના મૂકી વિદાય લીધેલી. અગિયાર વાગી ચૂક્યા હતા અને વ્યવસાયિક ચર્ચા થઇ શકી નહીં.

વિસ્મય જળઘટનાનું પ્રત્યેક દ્રશ્ય યાદ કરીને ધુંધવાતો રહ્યો : કોઇની સાથે વાત કરવામાં ગુંથાઇને મેડમે મને કરી નાખ્યો, રસ્તા તરફ જોવાનું જ નહીં….? શું તે ફાર્મહાઉસના છોડવાઓને ભીંજવી રહી હતી ? કોર્નર પરના બંગલાવાળાએ આજુબાજુ જોવાનું જ નહીં? નિષ્ફળ, ધરાર, નિષ્ફળ…..આખો દિવસ બગડ્યો. પાણી ફરી વળ્યું જાણે ભાગ્ય પર. જો કે છેક સાંજેે એ પાર્ટીનો ફરી ફોન આવ્યો હતો. આવતી કાલે સાડા અગિયાર વાગે તમારી ઓફિસે અમારા મેનેજર પહોંચી જશે…….

બીજા દિવસે વ્યવસાયિક બેઠક સમયસર યોજાઇ, બન્ને પક્ષે જરૂરી પેપરવર્ક તથા આવશ્યક મુદ્દાઓ સંદર્ભે ચર્ચાઓ થઇ, પણ ક્યારેક-ક્યારેક પાઇપવાળી યુવતી યાદ આવી જતાં વિસ્મય હોઠ ભીંસી જતો. પળ બે પળ માટે થીજી જતો : બેપરવાહીની પણ હદ હોય ને….એક કંપનીના માલિક તરીકે વિસ્મય દામોદરે હંમેશા સમયની સાથે પગરણ માંડેલા, ચોક્કસ લક્ષ્યને સિદ્વ કરવા ભગીરથ સંઘર્ષ કરેલો, વ્યવસાયિક આરોહ-અવરોહ વળોટીને નિર્ધારિત ગંતવ્ય સુધીની સફર ખેડેલી. શહેરના અગ્રણી દામોદર પટેલની ગંતવ્ય સુધીની સફર ખેડેલી. શહેરના અગ્રણી દામોદર પટેલની આ પેઢીને એકના એક પુત્રએ નવા ક્લેવરથી આચ્છાદિત કરેલી.

દામોદર પટેલ તો શાંતિ, સૌમ્ય અને ધીર-ગંભીર પણ વિસ્યમની વાત જ નાખી. પળ બે પળમાં ગુસ્સે થઇ જનાર વિસ્મયનો ચહેરો જ્યારે પ્રસન્નતાની આંગળી પકડતો ત્યારે આસપાસની આબોહવા જ ભીનાશ પકડી લેતી. વિસ્મયની હાજરીથી કંપનીના સ્ટાફમાં ચોક્કસ પ્રકારનું ગાંભીર્ય છવાયેલું રહેતું. તેની ઉ૫સ્થિતિ અને મુડના રંગરૂપના આધારે ઓફિસવર્ક ચાલતું. વિસ્મયે કંપનીના વિકાસ માટે શું ન હતું કર્યુ…..?

દામોદરભાઇએ કંપનીનું સુકાન વિસ્મયને સોંપીને સંપૂર્ણ નિવૃતિ લીધી ન હતી, જરૂરી દોરી સંચાર સાથે સલાહ-સૂચનનો માર્ગ મોકળો રાખેલો. દીકરા પર કડપ અને કકડાઇની નજર પણ નોંધી રાખેલી.

એકવાર દામોદારભાઇએ વિસ્મયને ‘હવે તારે પરણીને ઘર વસાવવું જોઇએ’ કહીને એક વધુ જવાબદારી વહન કરવા આંગળી ચીંધેલી. પણ, ‘હમણાં નહીં પછી’ કહીને વિસ્મયે વાતને ટાળી હતી. કેટલીકવાર દામોદરભાઇએ વિસ્મયને ‘દિમાગ પર કંટ્રોલ રાખવો જરુરી છે’ એમ કહીને શાંતિ અને ધૈર્યતાનું મૂલ્ય સમજાવ્યું હતું. કંપનીમાં એકની સાથે એક વ્યવહાર અને બીજાનની સાથે બીજો વ્યવહાર કઇ રીતે રાખવો તેય સમજાવેલું.

વિસ્મય પૂર્ણપણે નહીં પણ મહદ્અંશે ગંભીર કેમ બનવું તે શીખી ગયો હતો અથવા શીખ રહ્યો હતો. જો કે ગુસ્સા પર અંકુશ મેળવી શક્યો નહતો. તે પોતાની પર જળધારા વહાવનાર યુવતીછને ભૂલી શકતો નહતો.

રોજ સવારે વિસ્મયની કાર બરાબર દસ વાગે જોધપુર ચાર રસ્તા પરના બંગલા પાસેથી પસાર થતી ત્યારે તેની નજર મુખ્ય ગેઇટને વિંધી છેક અંદર પહોંચવા વિહવળ બની જતી. ક્યારેક પેલીનો ચહેરો દેખાતો ત્યારે હોઠ પર સ્મિત ધસી આવતું.

હા, એકવાર ટ્રાફિકના કારણે સિગ્નલ નહીં મળતા વિસ્મયે પોતાની કારને રોકીને તત્ક્ષણે બંગલાની ભીતર જોવાની ચેષ્ટા કરી હતી, દરમિયાન અનાયાસે યુવતી બહાર આવી હતી, ચાર આંખ એક થઇ હતી, પણ યુવતીએ દરકાર કરી નહીં અને પુન:અંદર સરકી ગઇ હતી.

વિસ્મયને થયું, એ ઘમંડી લાગે છે, હોઠ પર થોડુંક પણ સ્મિત લાવી શકાય નહીં? હું મોટી કં૫નીનો માલિક અને તે….

તે સ્વગત બબડ્યો : મારે શું કામ એની ફિકર કરવી? તેણે મને જળબંબોળ કરી નાંખ્યો હતો, શું કામ ભલું એ દિવસ, તે પળ? ભૂલ એની હતી. બેફિકરાઇથી પાણી છાંટવાની શી જરુર હતી? રસ્તા પરથી કોણ નીકળે છે અને કોણ નહીં તે જોવું તો પડે જ ! જ્યારે તમે પાણી છાંટતા હો….

વિસ્મય જે ધારે તે પરંતુ એ યુવતીનો ચહેરો ભૂલી શકતો ન હતો. જીન્સ અને ટોપમાં તેના માંસલ અંગોના વળાંકો એની આંખોમાં વસી ગયેલા. ગુલાબની લાલાશ અને પતંગિયાની પાંખો પરની માસૂમિયત ઓળવીને તેના ચહેરાએ સૌર્દ્યની જાહોજલાલી વધારી હતી. ટૂંકા છતાં ભરાવદાર વાળ એની ગરદનની એક ધાર પર ઝૂકી જઇને માસૂમીની નજાકતને સલામી આપતા હતા. આ બધું ક્ષણ બે ક્ષણમાં વિસ્મયે જોઇ લીધું. હતું, પણ, તેનાથી ‘હલો, હાય’ અથવા ‘કેમ છો?’ એમ કહી શકાય તેમ ન હતું. પરસ્પરના ‘દીદાર’ આકસ્મિક દુર્ઘટનામાં થયેલાને એટલે !.

પોતાની જાત સાથે તેણે કેટલાક સવાલો પણ કરેલા : પાણી છાંટીને એણે મને ભીંજવી દીધો, સોરી કહીને બાજી મારવાનો પ્રયાસ કર્યો, આમ છતાં…હા, હું એને ભૂલી કેમ શકતો નથી? શું છે તેનામાં?

એકાદ બે વાર નજર મળી. વિસ્મયની તેણે નોંધ જ લીધી નહીં, અથવા તો એણે ખાસ રસ જ દાખવ્યો નહીં. કદાચ, તેણે વિચાર્યુ હશે : એકાએક પાણી છંટાઇ જતાં સાહેબ નખશિખ ભીંજાઇ જતાં અફસોસ વ્યક્ત કરેલો, એથી વિશેષ શું કરવાનું? બે વાર ‘સોરી’ કહ્યું. શું એટલેથી ઘટના પૂરી ના થાય….? મારે સાહેબની ઓફિસે જવાનું અથવા ઘરના પૂરી ના થાય…? મારે સાહેબની ઓફિસે જવાનું અથવા ઘર શોધીને….તેમના ઉંબરે પહોંચી ઝૂકી ઓફિસે જવાનું અથવા ઘર શોધીને….તેમના ઉંબરે પહોંચી ઝૂકી ઝૂકીને ‘ક્ષમા કરો-ક્ષમા કરો’ એમ આલબેલ પોકારવાની?

જોધપુર ચાર રસ્તાનો એ વળાંક ભયસૂચક ન હતો, પેલો બંગલો કોઇક અગમ્ય કારણોસર ગમવા માંડ્યા હતો અથવા તેમાં શ્ર્વસતી ક્ધયાના કારણે…..પાણી છંટાયાની ઘટના શું ઘટી પણ રહી રહીને વિસ્મયના હૈયા પર પાણી છંટાતું જ રહ્યું. અંતરની અટારીએથી તે રૂપરમણીનો ચહેરો જ વિલાતો ન હતો.

પછી તો એવું બનવા માંડ્યું કે જ્યારે પણ વિસ્મય પટેલની કાર નીકળતી કે ઉના-ઉના શ્ર્વાસ સાથે તેની નજર બંગલાના ગેઇટ પર જઇને અફળાતી. કાશ, એના દીદાર થઇ જાય, એક ઝલક જોવા મળી જાય. પરંતુ એમ થતું નહીં. પાણી છંટાયાની ઘટનાનું પુનરાવર્તન થાય તેવી પણ ઇચ્છા જોર કરી ગયેલી.

ત્રણ દિવસ પસાર થયા….અને એક દિવસ….

સવારનો દસનો સમય, લાઇન બંધ, કાર રોકીને બારી વાટે વિસ્મયે ગેઇટ તરફ જોયું. જોયું. હૈયાની દીવાલે કંડારાયેલી આરાધ્યાનો ચહેરો નજરમાં ભરી લેવા માટે એણે નજરને સરકાવી….. તેની અંદરથી અવાજ ઉઠ્યો : વિસ્મય તું એના પ્રત્યે આટલો બધો ઘેલો કેમ ? એ છોકરીએ તને એકવાર ભીંજવ્યા એ ભીંજવ્યા-પછી શું છે? વાત ખતમ….

તેણે જાત સાથે વાત કરી : હું એકવાર નહીં, વારંવાર એ ઘટનાનો શિકાર બનતો હોઉં એવો અનુભવ કરી રહ્યો છું. આ સ્થળેથી પસાર થાઉં છું અને મારી અંદરથી ઠંડકભર્યુ લખલખું પસાર થઇ જાય છે. કોણ જાણે કેમ પણ મને એ ઠંડક સ્પર્શી ગઇ છે, ગમવા માંડી છે, અંદરને અંદર તે વસવા માંડી છે.

તેની તન્દ્રા તૂટી, મનગમતી સૌર્દ્યા તેની આંખો સમક્ષ પ્રગટી. સમયના મિજાજને પણ સ્વીકાર્ય હશે કે કેમ, ચાર આંખ એક થઇ, વિસ્મયના હોઠને તો મલકવું હતું જ, તે પ્રક્રિયા સહજતાથી રજૂ થઇ, પણ ઉભરતા એ યૌવનને ક્યાં ઢળવું હતું ? ક્યાં ઝૂકવું હતું ?

તે મનોમન બબડ્યો : તમારા હોઠને જરાક સ્મિતરૂપી એક વળાંક તો આપો શ્ર્વેત અભિસારિકા ! પેલી, ગેઇટ સુધી આવી, આસપાસ જોયું, વિસ્મય સામે જોઇને ઝડપથી નજરને સંકેલીને તે અંદર સરકી ગઇ, વિસ્મયનું હૈયું ધબકાર મૂકી ગયું. કરોડોમાં આળોટનાર વિસ્મય ધારે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુવતીને પરણીને પોતાનું ઘર વસાવી શકે, પણ, ચાર રસ્તાના આ વળાંકેથી તેને ભીની સ્મૃતિનો ઉપહાર મળી ગયો હતો……

ગુજરાતના એક માતબર દૈનિક અખબારમાં વિસ્મયની કંપનીની જાહેરખબર છપાઇ હતી. કમ્પ્યુટર વિભાગ તથા વિશાળ વહીવટી કામો સંભાળી રહેલા લગભગ પચાસેક લોકો પર નજર રાખી શકે અને સૂત્ર સંચાલન સંભાળી શકે તેવા મેનેજરની જરૂર હતી. સ્માર્ટ યુવક અથવા યુવતીની જરૂર હતી. ઉમેદવારોને અરજી સાથે ૧૦થી ૧ વાગ્યા સુધીમાં આમંત્રિત કર્યા હતા.

એ દિવસે ઘણા ઉમેદવારો આવ્યા. અપેક્ષિત લોકોની અહીં ક્યા અછત હોય છે ? બેરોજગારીનો આંકડો ક્યાં નાનો હોય છે ? યુવક-યુવતીઓ આવતાં જ ગયા…..છેલ્લે એક યુવતી આવી. વિસ્મયની ચેમ્બરમાં તે યુવતીએ પ્રવેશ કર્યા કે વિસ્મય વિસ્ફારિત નેત્રે અચંબાના ભાવથી જોતા જ રહી ગયો. આ એજ યુવતી હતી, જેણે જળસ્ત્રોતથી તેને નખશિખ ભીંજવી દીધો હતો.

‘તમે….?’

યુવતીના હોઠ ફફડ્યા.

‘જી…..જી!’ વિસ્મયના હોઠ ખુલ્યા.

‘તમે આ કંપની….અને…..’શબ્દો તૂટી રહ્યા હતા, યુવતી અસમંજસ ભરી સ્થિતિને સંભાળી શકે તેમ ન હતી. તે અવઢવમાં સંકેત કર્યો. અદ્યતન ચેમ્બર વાતાનુકૂલિત હતી. ઠંડકથી સભર. યુવતીની નજર ઉપર ગઇ. હીરામોતીનું ઝુમ્મર લટકતું હતું. નાના બલ્બો ઝગમગી રહ્યા હશે-કાશ ! વિશાળ ટેબલની એક તરફ કાષ્ટનું મનોહર શિલ્પ ગોઠવેલું હતું, લગભગ મોર્ડન કહી શકાય તેવું શિલ્પ હતું.

‘તમારી શૈક્ષણિક લાયકાત અંગેના પેપર્સ વગેરે લઇ આવ્યાં છો?’ ખુરશી પર બેઠક લઇ ચૂકેલી યુવતી સામે નજર માંડી વિસ્મયે કહ્યું : ‘તમે તો જોધપુર ચાર રસ્તા પાસે રહો છે ને?’

‘જી, સર!’ યુવતીએ ઉંડો શ્ર્વાસ લીધો પછી હળવેથી ઉમેર્યુ : ‘હું ફાઇલ લાવી છું’ કહી એણે તેની ફાઇલ વિસ્મય તરફ લંબાવી. વિસ્મય ફાઇલ ખોલી ઝડપથી પેપર્સ જોઇ રહ્યો અને કંઇક વિચારી રહ્યો. યુવતી પણ વિચારમગ્ન ચહેરે બેઠી હતી.

‘સર, તે દિવસે મારાથી….’યુવતી જૂની કોઇ વાત તાજી કરવામાંથી રહી : ‘તમે ફોન પર વાત કરતા હતા અને મારાથી અજાણતાં તમારા તરફ પાણીની પાઇપ…’

‘એ વાત હું ભૂલી ગયો છું.’

‘જી, સર.. પણ હું!’

‘તમે પણ ભૂલો….

વિસ્મયનું ધ્યાન ફાઇલના કાગળોમાં હતું. તેના ચહેરા પર પ્રસન્નતાનો સહેજ ભાવ તરવરી રહ્યો હતો. જ્યારે સામે બેઠેલી રૂપાંગના અસહજ હતી. ‘સોરી, સર’

ફરીથી યુવતીના ફફડતા હોઠ વચ્ચેથી ઉદ્ગાર નીકળ્યા : ‘હું ભૂલી શકું તેમ નથી. અફસોસ તો આજે પણ મારા મનમાં…’

‘મેં તમને સાચા મનથી ક્ષમા આપી દીધી છે, તમે જળ છંટકાવ કરીને મને અંદર-બહારથી ઓજસ્વી બનાવી દીધો છે, હવે તમે અંદર-બહારથી હળવાંફૂલ બની જાવ તો કેમ રહેશે, કોષાજી !’

એનું નામ કોષા હતું. તેના નાજુક ચહેરા પરના મુલાયમ હોઠ પર સ્મિત રેખા ઉપસી આવી. બન્ને વચ્ચે પળ-બેપળ મૌન છવાયું. વિસ્મય કોષાને જોઇ રહ્યો હતો.

‘તો સર, હું રજા લઉં?’ કોષાએ હળવેથી કહ્યું.

‘સાંભળો….’ વિસ્મયે ઉભા થઇને કોષા તરફ જમણો હાથ હસ્તધૂનના માટે લંબાવી દીધો…કોષાએ પણ….હાથ મિલાવી સ્મિત લહેરાવી દીધું. વિસ્મયે અંતર ખોલી દીધું : ‘તમે જે જગ્યા માટે આવ્યાં છો તે જગ્યા હવે તમારી છે અને તમે મારાં છો, સોરી… અમારાં છો!’

‘થેન્ક્યુ, સર..કોષા આખેઆખી ખીલી ઉઠી હતી.

‘સેલરી અંગે કાલે સવારે સમજીશું.’ વિસ્મયે કહ્યું : ‘કાલે દસ વાગે, તમે મારી કારમાં જ ઓફિસે આવશો, અને આ વ્યવસ્થા કાયમની રહેશે.’

‘પણ, સર…’

‘નો સર, યસ સર…’

કોષા ચેમ્બરના બારણા તરફ આગળ વધી વિસ્મય ધન્યતાપૂર્વક તેની પીઠ તરફ જોઇ રહ્યો હતો. તે પૂર્ણપણે ખુશ હતો. પ્રસન્ન પણ, અંદરથી-બહારથી.

કોષા તો ચેમ્બરની બહાર ગઇ, પણ વિસ્મયના મનમાંથી તે ગઇ ન હતી. તેનો ચહેરો તો જળઘટનાના દિવસથી જ હૈયે કોતરાઇ ગયો હતો. આરંભનો ક્રોધ પછી તો હળવે હળવે પ્રેમના વલયમાં જ પલટાઇ ગયો હતો.

એ દિવસે વિસ્મયનો એક કલાક વેડફાઇ ગયો હતો. પણ, તેનો અંતરનાદ કહી રહ્યો હતો : ના એક કલાક જરા પણ વેડફાયો ન હતો. એ એક કલાક તો જીવન સંસારનું દ્વાર ખોલવામાં મદદગાર બની ગયો હતો.

જીવનમાં બદલાવ માટે કોઇ એક કલાક નહીં, એક ક્ષણ પર નિમિત્ત બની શકે છે. આ સત્ય વિસ્મયના હૈયે ભીનાશ છલકાવતું રહ્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.