Abtak Media Google News

ગુજરાતમાં ફરીથી હવામાનમાં જોરદાર પલટો આવવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આવતા 4-5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

ઠંડીમાં ઉતરોતર વધારો થશે: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના: આવતા પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

આઈએમડીના જણાવ્યા મુજબ ગુરુવાર અને શુક્રવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં છૂટાછવાયા હળવા ઝાપટાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 2થી 16 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. જેના પરિણામે ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. જો કે, આ ઠંડીના પરિણામે ખેડૂતોને ફાયદો થશે. ઘઉં, રાયડા, સરસવ સહિતના પાકો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે.તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી ગગડતા ઠંડીનુ જોર વધશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ઘટયો છે. ઘણા શહેરોમાં વાદળછાયુ વાતાવરણ છે. સવારમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાંપટા નહી હોય. આ વખતે વરસાદની તીવ્રતા ઓછી હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો જયારે રાજકોટમાં 15.4 ડિગ્રી તાપમાન

રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં 19.2, અમરેલીમાં 17.2, ભાવનગરમાં 19, ભુજમાં 15.4, દ્વારકામાં 18.5, નલિયામાં 12, પોરબંદરમાં 17.4, રાજકોટમાં 15.4, સુરતમાં 19.6, સુરેન્દ્રનગરમાં 17.4 અને વેરાવળમાં 19.4 લઘુતમ તાપમાન નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.