ફિલ્મ ઉદ્યોગની માઠી યથાવત: વધુ એક ઉભરતા સીતારાએ આપઘાત કર્યો

માયાવીનગરી મુંબઈમાં સપનાના વાવેતર હવે અઘરા થઈ પડ્યા છે, ઉંચી લાઈફ સ્ટાઈલ અને મોભાદાર જીવન નવા આંગતુકો માટે બની જાય છે ઘાતક

કહેવત છે કે, પછેડી એવી સોળ રાખવી પડે પરંતુ મુંબઈના બોલીવુડમાં નવા સીતારાઓ આ કહેવત ભૂલી જાય છે અને કેરીયર બનાવવાની મહેચ્છામાં હેસીયતથી વધુ ખર્ચા કરીને ઉભા કરેલા આર્થિક ખાડામાં પોતે જ ગરકાવ થઈને અકાળે સીતારા આથમી જાય છે.

મુંબઈને માયાવી નગરીનું બિરુદ મળેલુ છે. એકમાત્ર મુંબઈમાં જ મુંબાદેવી મંદિર આવેલુ છે. અહીં રોજ કિસ્મત બદલવા માટે હજ્જારો લોકો સપના લઈને આવે છે.

અગાઉ દોરીને લોટો લઈને આવનારા અબજોપતિ બની ગયાના દાખલા છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને મુંબઈ આવનારા લોકોને સપના પુરા કરવામાં ખુબજ સંઘર્ષ કરવો પડે છે. હવે મુંબઈની માયાવી કળામાં મુંબઈ આવેલા લોકોના દોરી અને લોટો પણ ખોવાય જાય છે. મુંબઈમાં સપનાઓનું વાવેતર કરનારા બધાના સપના પુરા થતાં નથી અને ખાસ કરીને યુવા ઉભરતા કલાકારોને નિરાશ થઈને અકાળે જ જીવનનો અંત લાવવો પડે છે.

બોલીવુડના વધુ એક ઉભરતો સીતારો અકાળે ખરી પડ્યો હોય તેમ અક્ષત ઉત્કર્ષનો ૨૭મી સપ્ટેમ્બરે મુંબઈમાં તેના નિવાસ સ્થાનેથી ભેદી અને શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. મુંબઈમાં અંધેરીમાં પોતાના નિવાસ સ્થાને અક્ષત ઉત્કર્ષએ આત્મહત્યા કરી જીવાદોરી ટૂંકાવી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયું હતું અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપાયો હતો. મુંબઈને માયાવી નગરી ગણવામાં આવે છે. અહીં રોજ હજ્જારો લોકો સપના લઈને આવે છે તેમાં પણ ખાસ કરીને બોલીવુડમાં હિરો બનવાના સપના લઈને આવનારા યુવાનોને મોંઘી લાઈફ સ્ટાઈલ અને મોભાદાર જીવન જીવવાની ફરજ પડે છે અને તેમાં જ તેમનો ભોગ લેવાય જાય છે.

બોલીવુડમાં કામ કરવા આવેલા દરેકને લોખંડવાલા અને જુહુમાં બંગલો જોઈએ છે. ઉંચી લાઈફ સ્ટાઈલના કારણે અને ભાડામાં જ ૪ થી ૬ મહિનામાં જ આર્થિક મુશ્કેલીમાં ગરકાવ થઈ જતાં યુવાનોને સમય સાથે સમજોતો કરવામાં ફાવટ આવતી નથી અને સ્ટ્રેસમાં ગરકાવ થઈ જાય અને તેમાં જ જે સપના જોયા હોય તે પુરા થતાં નથી અને અકાળે સીતારા ખરી જાય છે. અક્ષત ઉત્કર્ષ કેસનો હવાલો સંભાળતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં આ બનાવ આકસ્મિક મૃત્યુ તરીકે નોંધાયું છે. રવિવારે રાત્રે ૧૦ થી ૧૦:૩૦ દરમિયાન અક્ષતનું મૃત્યુ નિપજયું હતું. તેણે ડિપ્રેશનથી આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. જો કે તેના પરિવારે અક્ષતની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેનું અંતિમ સંસ્કાર કરાવ્યું હતું. મુંબઈની માયાવી નગરીએ વધુ એક ઉભરતા સીતારાનો ભોગ લીધો હતો.