ધોરણ-10ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

શાળાઓમાં વિદ્યાર્થીઓના ફોર્મ 13 ડિસેમ્બર સુધી ભરી શકે તેવી વ્યવસ્થા કરાઇ: નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રૂ.355 ફી ભરવી પડશે

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ બાદ હવે ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારથી ધો.10ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે 13 ડિસેમ્બર સુધી ચાલશે.

આમ એક માસ જેટલો સમય શાળાઓને ફોર્મ ભરવા માટે મળ્યો છે. ફોર્મ ભરતી વખતે ગણિત બેઇઝીક અને ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ પસંદ કરવામાં શાળાઓને ખાસ તકેદારી રાખવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ધો.10ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.355 રાખવામાં આવી છે. જો કે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શિક્ષકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી 10 નવેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી 9 ડિસેમ્બર સુધી ચાલશે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાયા બાદ હવે ધો.10ના વિદ્યાર્થીઓ માટેની પણ ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ધો.10 તથા સંસ્કૃત વર્ષ-2023ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન પત્ર રેગ્યુલર ફી સાથે ઓનલાઇન 14 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી બોર્ડની વેબસાઇટ પર ભરાશે. ધો.10 તથા સંસ્કૃત પ્રથમના તમામ પ્રકારના એટલે કે નિયમિત, ખાનગી, રિપીટર, ખાનગી રિપીટર વિદ્યાર્થીઓના આવેદન પત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.

ધો.10ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ.355 રાખવામાં આવી છે જ્યારે નિયમિત રિપીટર વિદ્યાર્થીઓની એક વિષયની ફી રૂ.130, બે વિષયની રૂ.185, ત્રણ વિષયની રૂ.240 અને ત્રણ વિષય કરતા વધુ માટે રૂ.345 ફી નક્કી કરાઇ છે. ખાનગી નિયમિત ઉમેદવાર માટે રૂ.730થી નક્કી કરવામાં આવી છે. ખાનગી રિપીટર માટે એક વિષયની ફી રૂ.130, બે વિષયની ફી રૂ.185, ત્રણ વિષયની ફી રૂ.240 અને ત્રણ વિષય કરતા વધુ માટેની ફી રૂ.345 રાખવામાં આવી છે.