Abtak Media Google News

શ્રમિકો પોતાના વતનમાંથી અહીં પરત આવવા અધિરા પરંતુ પરત ફરવાની જટીલ પ્રક્રિયા પડકારરૂપ, શ્રમિકો સરળતાથી અહીં પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવી આપવાની માંગ

મોરબીમાં સિરામિક ઉદ્યોગના ૧૫૦ જેટલા એકમો હાલ શરૂ થઈ ગયા છે. જ્યારે બાકીના એકમો શ્રમિકોના અભાવે હજુ પણ બંધ હાલતમાં છે. હાલ તો ઉદ્યોગકારો સમગ્ર સ્થિતિ સામાન્ય થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વધુમાં અર્થતંત્રને લોકડાઉનના કારણે પડેલા મારને લીધે હજુ ઘણા સમય સિરામિક ઉદ્યોગકારોને અનેક પ્રશ્નોનો સામનો કર્યા સિવાય છૂટકો નથી. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગમાં હાલ શ્રમિકોનો પ્રશ્ન સૌથી મોટો છે. શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે. જેઓ અહીં પરત ફરવા ઈચ્છે છે પરંતુ અહીં પરત આવવાની પ્રક્રિયા જટિલ હોય તેઓ આવી શકતા નથી. સરકાર આ પ્રક્રિયા સરળ કરી દે તો સિરામિક ઉદ્યોગો ૧૫ થી ૨૦ દિવસમાં ફરી ધમધમતા થઈ શકે છે.

ઉદ્યોગો શરૂ થઈ ગયા હતા છતાં શ્રમિકો વતન જવાની વાટે કેમ છે તે પ્રશ્નના જવાબમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે હાલ કોરોનાના કારણે ભયનો માહોલ છે. ત્યારે પોતાના સ્વજનોથી દૂર રહેતા મોટાભાગના પરપ્રાંતીયો માત્ર સ્વજનોને એક ફેરે મળવા માટે પોતાના ઘરે જઈ રહ્યા છે. બાદમાં મળીને અહીં આવવા માટે તેઓ અધીરા બન્યા છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશ ઉધરેજાએ જણાવ્યું કે હાલ તો ઓછી ફેકટરીઓ શરૂ છે એટલે અત્યારે તારણ ન નીકળી શકે પરંતુ બધી ફેકટરીઓ ચાલુ શે પછી માર્કેટની સ્થિતિનો અંદાજ આવશે. વધુમાં તેઓ કહ્યું કે મજૂરોને અહીં લાવવા સરકારે સરળ વ્યવસથા ગોઠવવી જોઈએ. સાથે ગેસના ભાવમાં ઘટાડો આપવો જોઈએ અને ઇલેક્ટ્રોનિક ડ્યુટી ૧૫ ટકા છે તે તેમજ ડિમાન્ડ ચાર્જ બન્ને માફ કરવા જોઈએ. ઉદ્યોગો હાલ પડી ભાંગ્યા છે. તેને ઉભા કરવા માટે જ્યા સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી સરકારે ઉદ્યોગોને આટલી રાહત આપવી જોઈએ. જેથી ઉદ્યોગો પહેલાની જેમ પુન:ધમધમતા થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.