Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ માંકડ કે પુષ્કર પટેલ પર ઢોળાશે પસંદગીનું કળશ: ડે.મેયર પદે મહિલાની કરાશે પસંદગી

શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા, નીતિન રામાણી કે નરેન્દ્રસિંહ જાડેજાની થઈ શકે છે વરણી

રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે સવારે 10 કલાકે મળનારી ખાસ સભામાં મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. બોર્ડ બેઠક પૂર્વે મળનારી ભાજપના નવનિયુક્ત કોર્પોરેટરોની સંકલન બેઠકમાં પ્રદેશમાંથી આવેલું બંધ કવર ખોલવામાં આવશે અને મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત હોય શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન વોર્ડ નં.1ના નગરસેવક ડો.અલ્પેશભાઈ મોરજરીયા કે, વોર્ડ નં.12ના યુવા નગરસેવક ડો.પ્રદિપ ડવને પ્રાપ્ત થાય તેવી સંભાવના જણાય રહી છે. જો કે મેયર પદ માટે વોર્ડ નં.3ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, વોર્ડ નં.14ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ અનેવોર્ડ નં.16ના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવના નામો પણ ચર્ચાઈ રહ્યાં છે. સ્ટેન્ડિંગ કમીટીનો તાજ દેવાંગભાઈ માંકડ અને પુષ્કરભાઈ પટેલના શીરે આવે તેવું જણાય રહ્યું છે તો ડે.મેયર પદે મહિલાની પસંદગી કરવામાં આવશે.

ગઈકાલે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા માટે મેયર સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આવતીકાલે રાજકોટ, જામનગર અને સુરત મહાપાલિકામાં પદાધિકારીઓની નિમણૂંક માટે બોર્ડ બેઠક મળનાર છે. રાજકોટમાં મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી અનામત છે. ભાજપના જે 68 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે તેમાં મહિલા સહિત કુલ 21 કોર્પોરેટર ઓબીસીમાં આવે છે. જો કે, પાછલી અઢી વર્ષની મેયરની ટર્મ મહિલા માટે અનામત હોય પ્રથમ ટર્મ માટે ઓબીસી સમાજમાંથી આવતા કોઈ પૂરુષને મેયર બનાવવામાં આવશે તે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. હાલ મેયર પદ માટે કુલ પાંચ નામ ચર્ચામાં છે.

જેમાં ડો.અલ્પેશભાઈ મોરજરીયા અથવા પ્રદિપભાઈ ડવ બેમાંથી કોઈ એકની મેયર તરીકે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા પસદગી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો કોઈ મોટી ઉથલ પાથળ ન થાય તો મેયર પદ માટે અલ્પેશ મોરજરીયાનું નામ લગભગ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. તેઓ વ્યવસાયે ડોકટર છે અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે. સેવાકીય દ્રષ્ટિએ પણ તેઓનું નામ ખુબ મોટું છે. જો યુવા ચહેરાની પસંદગી કરાશે તો પ્રદિપ ડવ પર કળશ ઢોળવામાં આવશે. ટૂંકમાં મોરજરીયા અથવા ડવમાંથી કોઈ એકને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થાય તેવું હાલ જણાય રહ્યું છે. જો પણ સરપ્રાઈઝ આપશે તો અન્ય ત્રણ નામો ઉધરેજા, ડવ કે જલુમાંથી પણ કોઈ મેયર બની શકે ?

મહાપાલિકામાં સૌથી મહત્વની અને કદાવર ગણાતી સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે સીનીયર કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ અથવા પુષ્કરભાઈ પટેલને બેસાડવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો કે, ચેરમેન પદ માટે અશ્ર્વિનભાઈ પાંભર, મનિષભાઈ રાડીયા અને જયમીનભાઈ ઠાકરના નામો પણ ચર્ચામાં છે. અંદર ખાને નેહલભાઈ શુકલનું નામ પણ બોલાઈ રહ્યું છે. ડે.મેયર પદ મહિલાને અપાય તેવું ફાઈનલ મનાઈ રહ્યું છે. આ માટે ડો.દર્શિતાબેન શાહ, ડો.દર્શનાબેન પંડ્યા, નયનાબેન પેઢડીયા, કંચનબેન સીધ્ધપુરા અને ભાનુબેન બાબરીયાના નામો ચર્ચાઈ રહ્યાં છે. જો ચેરમેન પદે દેવાંગભાઈ માંકડનીવરણી કરવામાં આવશે તો ડે.મેયર પદ પાટીદાર સમાજને આપવામાં આવશે. આવામાં નયનાબેન પેઢડીયાને ડે.મેયર બનવાની તક મળે તેવી સંભાવના જણાય રહી છે. ચેરમેન પદ જો પુષ્કરભાઈ પટેલ કે અશ્ર્વિનભાઈ પાંભરને મળશે તો ડે.મેયર પદે ડો.દર્શીતાબેન શાહ કે દર્શનાબેન પંડ્યાની વરણી કરવામાં આવશે તેવું ચર્ચાઈ ર્હયું છે.
બંધારણીય હોદ્દો નહીં ધરાવતા છતાં માત્ર લાલ ગાડી પુરતું મહત્વ ધરાવતા શાસક પક્ષના નેતા પદે ભાજપ વિનુભાઈ ધવા, નીતિનભાઈ રામાણી કે નરેન્દ્રસિંહ જાડેજામાંથી કોઈ એકની નિમણૂંક કરી શકે છે તો પક્ષના દંડક તરીકે કોઠારીયા રોડ પરથી ચૂંટાયેલા એકાદ નગરસેવકને તક આપવામાં આવે તેવી લાગી રહ્યું છે.

આવતીકાલે સવારે 10 વાગ્યા આસપાસ રાજકોટના નવા મેયરની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે. શહેર ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર સંપૂર્ણ વિશ્ર્વાસ વ્યકત કરી કોઈપણની પસંદગી કરવા માટે તેઓને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આવામાં મુખ્યમંત્રીની ગુડબુકમાં રહેલા મોરજરીયા કે ડવની રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નિમણૂંક કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.